VIDEO: અમદાવાદની શારદા વિદ્યામંદિર શાળામાં વિવાદ, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીનો ગંભીર આક્ષેપ
અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી શારદા વિદ્યામંદિર શાળામાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે. 31 ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં વિદ્યાર્થીને હાથ પર ગંભીર ઈજા થતાં 15 ટાંકા આવ્યા છે, છતાં શાળા સંચાલકો દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હોવા છતાં શાળાના ટ્રસ્ટી સુરેશ બારોટના જણાવ્યા મુજબ તેમને બે દિવસ બાદ ઘટનાની જાણ થઈ હતી. પ્રાથમિક તપાસમાં શાળા પરિસરમાં ઈજા ન થઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે, જ્યારે વાલીઓએ સીસીટીવી ફૂટેજ માંગતા એક સપ્તાહ સુધી ફૂટેજ ન આપ્યાનો આક્ષેપ થયો છે. ટ્રસ્ટીએ ખુદ સ્વીકાર્યું છે કે શાળાના સ્તરે ચૂક થઈ છે અને પ્રિન્સિપાલ દ્વારા સમયસર જાણ કરાઈ નથી. આ ગંભીર બેદરકારીને કારણે વાલીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.

