Ahmedabad news: મુખ્ય સિટી ઇજનેર હરપાલ ઝાલાના અચાનક રાજીનામાથી અનેક તર્ક-વિતર્ક, બે ડેપ્યુટી HODને પ્રમોશન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વહીવટી તંત્રમાં આજે મોટા ફેરફારો જોવા મળ્યા છે. શહેરના મુખ્ય સિટી ઇજનેર હરપાલ ઝાલાએ અચાનક સ્વૈચ્છિક નિવૃત્તિ(VRS) જાહેર કરતા મ.ન.પા.ના રાજકારણ અને વહીવટી આલમમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. આ ઉપરાંત, AMC સંચાલિત હોસ્પિટલોમાં પણ મહત્ત્વની નિમણૂકો અને બઢતી આપવામાં આવી છે.
અચાનક રાજીનામા પાછળનું કારણ અકબંધ
સ્ટાફ સિલેક્શન કમિટીની આજે મળેલી બેઠકમાં મુખ્ય સિટી ઇજનેર હરપાલ ઝાલાનું VRS મંજૂર કરવામાં આવ્યું છે. તેઓ આગામી 15 ફેબ્રુઆરી 2026 સુધી પોતાની ફરજ પર કાર્યરત રહેશે. વર્ષોથી મહત્ત્વની જવાબદારી સંભાળતા અધિકારીના અચાનક રાજીનામા પાછળના કારણો હજુ અકબંધ છે.
બે ડેપ્યુટી HODને પ્રમોશન
AMC સંચાલિત હોસ્પિટલોના સુચારુ સંચાલન માટે પણ કમિટી દ્વારા મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. બે ડેપ્યુટી HODને પ્રમોશન આપીને વિભાગીય HOD બનાવવામાં આવ્યા છે. જેમાં ચિરાગ પંચાલ અને જવલીન હાલાણીનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, ચિરાગ પંચાલ હાલમાં ડેપ્યુટેશન પર કાર્યરત છે. આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા ધર્મીન વ્યાસને તેમની કામગીરીના આધારે ડેપ્યુટી HOD તરીકે બઢતી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગમાં પિયુષ ઠાકોર, નિલેશ ડોરિયા અને પરેશ પાંડવની ડેપ્યુટી હેલ્થ ઓફિસર (Dy.HO) તરીકે ભરતી કરવામાં આવી છે.

