VIDEO: Ahmedabad / બદલાતી લાઈફસ્ટાઈલ, મોડા લગ્નોને કારણે પ્રી-મેચ્યોર ડિલિવરીના કેસમાં ચિંતાજનક વધારો
બદલાતી લાઈફસ્ટાઈલ અને મોડા લગ્નના કારણે હાલના સમયમાં પ્રી-મેચ્યોર ડિલિવરીના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ માત્ર બાળકના શારીરિક સ્વાસ્થ્ય તેમજ તેની આંખની રોશની માટે અત્યંત જોખમી સાબિત થઈ રહી છે. નિષ્ણાતોના મતે, વહેલા જન્મેલા બાળકોમાં અંધત્વની સમસ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
પ્રી-મેચ્યોર ડિલિવરીના કારણે બાળકના અંગોનો સંપૂર્ણ વિકાસ થતો નથી. સૌથી ગંભીર અસર બાળકના આંખના પડદા પર પડે છે. આવા કિસ્સાઓમાં બાળકની બાહ્ય આંખનું નિર્માણ તો થઈ જાય છે, પરંતુ અંદરના પડદાનો વિકાસ અધૂરો રહી જાય છે. જો સમયસર સારવાર ન મળે, તો બાળક મોટું થતા સંપૂર્ણપણે અંધત્વનો શિકાર બની શકે છે.
તબીબોના જણાવ્યા અનુસાર, પ્રી-મેચ્યોર જન્મેલા બાળકો માટે જન્મ પછીના પ્રથમ 30 દિવસ અત્યંત નિર્ણાયક હોય છે. જો આ સમયગાળા દરમિયાન બાળકને આંખના નિષ્ણાત પાસે તપાસ કરાવવામાં આવે, તો પડદાના વિકાસમાં રહેલી ખામીને શોધીને તેનો ઈલાજ શક્ય છે. પરંતુ જો 30 દિવસ વીતી જાય, તો આંખના પડદામાં કાયમી નુકસાન થઈ શકે છે અને ત્યારબાદ કોઈ પણ ઈલાજ કારગત નીવડતો નથી.

