VIDEO: આગામી વર્ષે સુરત-વાપી વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થવાની શક્યતા; પ્રથમ કોચ તૈયાર; ટૂંક સમયમાં ટેસ્ટિંગ શરૂ થશે
અમદાવાદ સહિત ગુજરાત માટે રેલવે ક્ષેત્રે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇસ્ટ-વેસ્ટ ફ્રેટ કોરિડોરને દેશને સમર્પિત કરવામાં આવશે. માલવાહક ટ્રેનો માટે અલગ રેલ નેટવર્ક ઊભું કરવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હવે પૂર્ણતાના તબક્કે પહોંચ્યો છે.
વર્ષ 2014માં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને માલ પરિવહનને વધુ ઝડપી તથા સરળ બનાવવા માટે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. અગાઉ પેસેન્જર અને માલવાહક ટ્રેનો એક જ રેલવે લાઇન પર દોડતી હતી. જેના કારણે માલવાહક ટ્રેનોની ગતિ અને સમયબદ્ધતા પર અસર થતી હતી.
હવે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના નિર્માણથી માલવાહક ટ્રેનો માટે અલગ રેલ નેટવર્ક ઉપલબ્ધ થશે. પરિણામે માલસામાનને ઓછા સમયમાં તેના નિર્ધારિત સ્થળે પહોંચાડી શકાશે. આ સાથે વડોદરાથી રતલામ વચ્ચે ફોરલેનિંગના કામનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
બુલેટ ટ્રેનને લઈને પણ મોટા સમાચાર
ગુજરાતમાં મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને પણ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેનના પ્રથમ કોચનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં કોચનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે.
રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર બુલેટ ટ્રેનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આગામી વર્ષે સુરતથી વાપી વચ્ચે બુલેટ ટ્રેન સેવા શરૂ થવાની શક્યતા છે. અગાઉ સુરતથી બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, જોકે હવે પ્રોજેક્ટની કામગીરી ઝડપથી આગળ વધતા સુરત-વાપી રૂટ પર સેવા શરૂ થવાની સંભાવના છે. ફ્રેટ કોરિડોર અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટથી ગુજરાતમાં રેલવે કનેક્ટિવિટી, માલ પરિવહન અને ઝડપી મુસાફરીને નવી ગતિ મળવાની આશા છે.

