BLO-શિક્ષકોના માથે SIR ફોર્મની ડિજિટાઇઝેશનની જવાબદારી, Ahmedabadમાં માત્ર 44 ટકા કામ થયું પૂર્ણ

ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં હાલ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે SIRની કામગીરી ચાલી રહી છે. ત્યારે કામગીરીના દબાણ-નોટિસોને પગલે ગુજરાતમાં 4 બીએલઓના મોત થઈ ચુક્યા છે જેમાંથી બે બીએલઓને હાર્ટ એટેક આવ્યો છે. મતદાર ફોર્મ વિતરણ ઉપરાંત કલેકશન બાદ બીએલઓ-શિક્ષકોના માથે ફોર્મને સ્કેનિંગ કરવા સહિતની ડિજિટાઇઝેશનની જવાબદારી પણ છે. હજુ સુધી અમદાવાદ જિલ્લામાં ફોર્મ ડિજિટાઇઝેશનનું 44 ટકા કામ પૂર્ણ થયું છે.
2532110 ફોર્મનું બીએલઓ દ્વારા વેરિફિકેશન કરાયું
અમદાવાદ જિલ્લના 21 વિધાનસભા મતવિસ્તારોમાં કુલ 6259620 નોંધાયેલા મતદારો છે.જેમાંથી 6220720 મતદારોને ફોર્મનું વિતરણ થઈ ચુક્યુ છે. ફોર્મ વિતરણ બાદ ભરાયેલા ફોર્મ લેવાની કામગીરી બીએલઓએ કરવા ઉપરાંત ફોર્મ સ્કેનિંગ કરવા સાથે ડિજિટાઇઝેશનની કામગીરી પણ બીએલઓના માથે છે. અમદાવાદ જિલ્લામાં આજે સવાર સુધીમાં 2545846 ફોર્મનું ડિજિટાઇઝેશન થઈ ચુક્યુ છે એટલે કે 40.51 ટકા ફોર્મનું સ્કેનિંગ થઈ ગયુ છે. કેટલાક વિસ્તારોમાં હજુ 25થી 30 ટકા જ ડિજિટાઈઝેશન થયુ છે. 2532110 ફોર્મનું બીએલઓ દ્વારા વેરિફિકેશન પણ કરવામા આવ્યુ છે. ફોર્મ પરત ન આવવાના કે ન પરત ન મેળવી શકવાના કારણોમાં 10478 મતદારોનું કાયમી રહેઠાણ બદલાઈ જવું છે. જ્યારે 14012 મતદારો પહોંચની બહાર છે એટલે કે અનટ્રેસેબલ છે. જ્યારે 95301 મતદારોના મૃત્યુ થઈ ચુક્યા છે. આમ હાલ કુલ એકંદરે 44.13 ટકા ફોર્મ (2762322)નું ડિજિટાઈશેન થઈ ગયુ છે.
શિક્ષકો-બીએલઓ માનસિક તણાવમાં
બીએલઓ-શિક્ષકોની તેમજ શૈક્ષિક સંઘ અને શિક્ષક મંડળની ફરિયાદ છે કે, દિવસ ઉપરાંત રાત્રે પણ ડિજિટાઇઝેશન માટે શિક્ષકોને હાજર રહેવા માટે ઓર્ડર કરાયા છે. કામગીરી પૂર્ણ કરવા માટે સતત દબાણ કરવામાં આવી રહી છે અને અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 500થી વધુ શિક્ષકોને કામગીરીમાં બેદરકારીને લઈને નોટિસો આપવામા આવી ચુકી છે. નોટિસોના ડરથી શિક્ષકો-બીએલઓ માનસિક તણાવમાં છે ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 4 બીએલઓના મૃત્યુ થયા છે અને બે બીએલઓને હાર્ટ એટેક આવ્યો છે. ફોર્મ ભરવા માટે મતદારોને માર્ગદર્શન આપવા તેમજ ફોર્મ વિતરણ અને સ્વીકારવા માટે 22 અને 23 નવેમ્બરે બે દિવસ તમામ મતવિસ્તારોમાં નક્કી કરાયેલી સ્કૂલોમાં કામગીરી થઈ હતી અને આ છેલ્લો કેમ્પ હતો. હવે કેમ્પ કરવામા નહીં આવે પરંતુ બીએલઓએ બાકી ફોર્મ ઘરે જઈને કલેકટ કરવાના રહેશે. ફોર્મ લેવાની અને ડિજિટાઈઝેશનની કામગીરી 4 ડિસેમ્બર સુધી ચાલશે.

