ભાદરવી પૂનમ મેળાને લઈ રેલવેનો મોટો નિર્ણય, અસારવા-ખેડબ્રહ્મા મેળા સ્પેશિયલ ટ્રેનને આ સ્ટેશનો પર અપાશે સ્ટોપેજ

અમદાવાદમાં ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અસારવા-ખેડબ્રહ્મા મેળા સ્પેશિયલ ટ્રેનને કેટલાક સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નમો ભારત રેપિડ રેલને પણ વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય કરાયો છે.
વધારાનું સ્ટોપેજ અપાશે
અસારવા-ખેડબ્રહ્મા મેળા સ્પેશિયલ ટ્રેનને 21 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી તલોદ, પ્રાંતિજ, જાદર અને ઈડર સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવશે. જેના કારણે ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતા શ્રદ્ધાળુઓને મુસાફરીમાં મોટી રાહત મળશે. આ ઉપરાંત અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલને 21થી 23 સપ્ટેમ્બર દરમિયાન વોંઘ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવશે. જ્યારે ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ 22થી 24 સપ્ટેમ્બર દરમિયાન વોંઘ ખાતે રોકાશે.
ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનથી અંબાજી માટે બસ સેવા પણ શરૂ
ભાદરવી પૂનમ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચતા હોવાથી રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વધારાના સ્ટોપેજની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિર્ણયથી વિવિધ વિસ્તારોમાંથી અંબાજી જતા યાત્રાળુઓને મુસાફરી વધુ સરળ બનશે. આ સાથે ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનથી અંબાજી માટે સીધી બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે. હવે રેલવે સ્ટેશન પર પહોંચ્યા બાદ શ્રદ્ધાળુઓ સીધી બસ મારફતે અંબાજી જઈ શકશે. આ વ્યવસ્થાથી યાત્રાળુઓનો સમય બચશે તેમજ રિક્ષા સહિતના વધારાના પરિવહન ખર્ચમાં પણ રાહત મળશે.
ભાદરવી પૂનમ મેળાને લઈ પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થાથી મેળામાં જતા શ્રદ્ધાળુઓને મુસાફરી દરમિયાન વધુ સુવિધા અને સરળ કનેક્ટિવિટી મળી રહેશે.

