Ahmedabadના નરોડામાં સ્પામાં યુવકની હત્યા કરનાર ચાર આરોપીઓની ધરપકડ, માસ્ટરમાઈન્ડને ઝડપી પાડવા તજવીજ

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા હંસપુરા સર્કલ નજીકની ક્રિષા સ્પામાં થયેલી યુવકની હત્યાના કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, સમગ્ર ઘટનાનો મુખ્ય આરોપી પરેશ વિશ્વકર્મા હજુ સુધી પોલીસ પકડથી દૂર છે અને તેની શોધખોળ માટે વિવિધ ટીમો કાર્યરત છે.
પોલીસના જણાવ્યા મુજબ, મૃતક દશરથની હત્યા કર્યા બાદ આરોપીઓએ તેને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધો હતો. ગંભીર ઇજાઓના કારણે દશરથનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં નરોડા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ નરોડા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ, મોબાઇલ લોકેશન અને સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે વિશાલ બરોડ, રોહિત ઉર્ફે ગબ્બર રાજપૂત, કરણ કેશાજી અને કિશન ચુનારાની ધરપકડ કરી છે. ચારેય આરોપીઓની પૂછપરછ દરમિયાન ઘટનાને લઈને અનેક મહત્વની વિગતો સામે આવી રહી છે.
શું હતો સમગ્ર મામલો?
પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી મુજબ, ઘટનાના થોડા સમય પહેલાં વિશાલ બરોડ તેની ગર્લફ્રેન્ડ વૈષ્ણવી અને ખુશ્બુ સાથે ક્રિષા સ્પામાં ગયો હતો. તે દરમિયાન વૈષ્ણવી અને ખુશ્બુનો દશરથ તથા જનકભાઈ સાથે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વધી ગઈ કે બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાનો બદલો લેવા માટે વિશાલે પોતાના મિત્રો સાથે મળીને દશરથ પર હુમલો કરવાની યોજના બનાવી હતી. પૂર્વ આયોજન મુજબ આરોપીઓએ દશરથને નિશાન બનાવી તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ દશરથનું મોત નીપજ્યું હતું.
ઘટના બાદ તમામ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે ઝડપી તપાસ કરીને ચાર આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે સમગ્ર ઘટનાનો મુખ્ય આરોપી ગણાતા પરેશ વિશ્વકર્મા હજુ ફરાર છે. પોલીસ હાલમાં આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે. હત્યામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં, ઘટનામાં વપરાયેલા હથિયારો, હત્યાનું ચોક્કસ આયોજન કેવી રીતે થયું અને અન્ય પુરાવાઓ અંગે પણ તપાસ ચાલી રહી છે. મુખ્ય આરોપીની ધરપકડ બાદ કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે.

