Ahmedabad News: અનુપમ બ્રિજ આ તારીખે રહેશે બંધ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે લેવાયો નિર્ણય

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને વાહનચાલકો માટે એક મહત્વના સમાચાર છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સ્ટીલ બ્રિજ લોન્ચિંગની કામગીરી કરવાની હોવાથી કાંકરિયાથી એપેરલ પાર્કને જોડતો 'અનુપમ બ્રિજ' આવતીકાલે 5 જૂન 2026ના રોજ માત્ર રાત્રિના સમયે વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. વાહનચાલકોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન અંગેની જાહેરાત કરવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વિવિધ કામગીરીના કારણે આગામી સમયમાં પણ અલગ અલગ દિવસે રાતના સમયે બ્રિજ બંધ રહે તેવી સંભાવના છે.
કયા સમયે બ્રિજ બંધ રહેશે?
બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનુપમ બ્રિજ 5 જૂન 2026ના રોજ રાત્રે 00:00 કલાકથી (મધ્યરાત્રિથી) વહેલી સવારે 06:00 કલાક સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે.
સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ માટે કરાયેલી વ્યવસ્થાઓ
રાત્રિના સમયે વાહનચાલકોને રસ્તો શોધવામાં કે ડાયવર્ઝન સમજવામાં તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બ્રિજ બંધ રહેવાના સમય દરમિયાન યોગ્ય બેરિકેડિંગ અને ડાયવર્ઝન દર્શાવતા મોટા સાઇનબોર્ડ લગાવવામાં આવશે. મુસાફરોની સુરક્ષા માટે પૂરતી લાઇટિંગ વ્યવસ્થા અને ટ્રાફિક સૂચક ચિહ્નો મૂકવામાં આવશે. વાહનોના સુચારુ સંકલન અને જનતાને સાચો માર્ગ બતાવવા માટે મહત્વપૂર્ણ સ્થળો પર દિવસ-રાત ટ્રાફિક માર્શલો હાજર રહેશે.
સમગ્ર કામગીરી દરમિયાન સ્થળ પર વિશેષ સુરક્ષા ટીમો તૈનાત રહેશે, જે કામની પ્રગતિ અને ટ્રાફિકની અવરજવર પર ચોવીસે કલાક નજર રાખશે. રાત્રિના સમયે આ રૂટ પરથી પસાર થતા વાહનચાલકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અને ટ્રાફિક પોલીસ તેમજ માર્શલોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

