શું તમે મિલકત વેરો નથી ભર્યો? AMCની નવી વ્યાજ માફી યોજના, જૂની અને નવી બંને ફોર્મ્યુલામાં મિલકત ધારકોને મોટી રાહત

AMC Interest Waiver Scheme: અમદાવાદના શહેરીજનો માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. જાન્યુઆરી 2026 થી માર્ચ 2026 સુધી એમ ત્રણ મહિના આ વ્યાજ માફી ની સ્કીમ લાગુ પડશે. જૂની ફોર્મ્યુલાના રહેણાંક અને કોમર્શિયલ મિલકતધારકો માટે સો ટકા વ્યાજ માફી આપવામાં આવી છે. જ્યારે નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક પ્રોપર્ટી ધારકોને 85 ટકા અને કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોને 65 ટકા વ્યાજ માફી આપી આપવામાં આવી છે. દર મહિને વ્યાજ માફીના ટેક્સમાં પાંચ ટકા ઘટાડો થશે.
કોને કેટલો લાભ મળશે?
રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા અને ડેપ્યુટી ચેરમેન પ્રદીપ દવેના જણાવ્યાનુસાર, એઅમસી દ્વારા વ્યાજ માફીની યોજના લાગુ કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26 સિવાયના તેની પહેલાના તમામ બાકી ટેક્સ ધારકોને વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો પહેલી જાન્યુઆરી 2026થી લઈને 31મી માર્ચ સુધીના સમયગાળા દરમિયાન લોકો લાભ લઈ શકશે.
જેમાં જૂની ફોર્મ્યુલા મુજબ રહેણાંક અને કોમર્શિયલ મિલકત ધારકોને તેમજ ચાલી અને ઝૂંપડાના મિલકત ધારકોને 100 ટકા અને નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો પર 85થી 75 તેમજ કોમર્શિયલમાં 65થી 50 ટકા રાહત આપવામાં આવી છે. ગત વર્ષ 2024- 25માં વ્યાજ માફી ની સ્કીમ આપી હતી. જેમાં 1745.61 કરોડની આવક થઈ હતી.
અમદાવાદ શહેરમાં કુલ 25.89 લાખ ટેક્સ ધારકો છે જેમાં 6.52 લાખ કોમર્શિયલ જ્યારે 19.37 લાખ રહેણાંક મિલકત ધારકો છે. એઅમસીને પહેલી એપ્રિલ 2025થી 17મી ડિસેમ્બર 2025 સુધી 1710 કરોડ રૂપિયાની આવક થઈ છે. જેમાં પ્રોપર્ટી ટેક્સની આવક 1334.70 કરોડ રૂપિયા, પ્રોફેશનલ ટેક્સની 192.05 કરોડ રૂપિયા, TSF ચાર્જની 17.84 કરોડ રૂપિયા અને વિહિકલ ટેક્સની 166.32 કરોડ રૂપિયાની આવક થઈ છે.
શા માટે આ યોજના મહત્ત્વની છે?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે પ્રોપર્ટી ટેક્સ એ આવકનો મુખ્ય સ્ત્રોત છે. આ વ્યાજ માફી યોજના દ્વારા જે લોકો લાંબા સમયથી ટેક્સ ભરી શક્યા નથી, તેમને વ્યાજના બોજ વગર મુખ્ય રકમ ભરીને દેવામાંથી મુક્ત થવાની તક મળશે.

