Ahmedabad news: વીજપોલને ચણતરમાં આવરી લેવાના મામલે AMCની કાર્યવાહી, અન્ય નડતરરૂપ બાંધકામોનો પણ થશે સર્વે

અમદાવાદ શહેરના સરદારનગર ટાઉનશિપ વિસ્તારમાં આવેલા ટી.પી. રોડ પર એક મકાન માલિક દ્વારા તેના નવા બાંધકામની પ્રિમાઇસની બહાર આવેલા સ્ટ્રીટ લાઇટ પોલને ચણતરમાં આવરી લઈને બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનું બે દિવસ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાને આવ્યું હતું. જાહેર સુવિધાને નડતરરૂપ આ પ્રકારનું બાંધકામ ગંભીર બાબત હોવાનું ધ્યાનમાં રાખીને સંબંધિત મિલકતધારકને તા. 17 જૂન, 2026ના રોજ મનાઈ હુકમ તથા જરૂરી નોટિસ આપવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે, મનાઈ હુકમના અનુસંધાને તા. 18 જૂન, 2026ના રોજ સ્થળ પર કાર્યવાહી શરૂ કરીને પ્રિમાઇસની બહાર આવેલા નડતરરૂપ બાંધકામના ભાગને દૂર કરવાની કામગીરી અમલમાં મૂકવામાં આવી છે.
ગેરકાયદે બાંધકામોનો સરવે હાથ ધરાશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે રોડ પર આ ઘટના બની છે તે સરદારનગર ટાઉનશિપ અંતર્ગતનો માર્ગ છે. આ પ્રકારના નડતરરૂપ બાંધકામોને કોર્પોરેશન ગંભીરતાથી લઈ રહ્યું છે અને આવા તમામ બાંધકામોનો સરવે હાથ ધરવામાં આવશે. જ્યાં પણ વીજપોલ અથવા અન્ય જાહેર સુવિધાઓને અવરોધરૂપ બને તેવા બાંધકામો જોવા મળશે, ત્યાં કાયદેસરની કાર્યવાહી કરીને તે દૂર કરવામાં આવશે.
ખાસ કરીને જે સ્થળોએ વીજપોલને ચણતરમાં આવરી લેવામાં આવ્યા હોય અથવા જાહેર માર્ગ અને જાહેર સુવિધાઓને અસર થતી હોય તેવા તમામ બાંધકામો સામે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આવા તમામ કેસોની ચકાસણી કરીને સંબંધિત મિલકતધારકો સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કાયદેસરની કાર્યવાહી કરવા સંબંધિત વિભાગોને સૂચન
તેઓએ વધુમાં જણાવ્યું છે કે આ માટે કોર્પોરેશનની ટીમને સ્થળ પર મોકલી તમામ બાંધકામોની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત, આ પ્રકારના અન્ય બાંધકામોની પણ ચકાસણી કરીને જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે. તપાસ દરમિયાન જો કોઈ પ્રકારની બેદરકારી, ફરજમાં બેદરકારી અથવા નિયમોના ભંગ માટે કોઈ સંબંધિત અધિકારી કે કર્મચારીની જવાબદારી નિશ્ચિત થશે તો તેમની સામે પણ વિભાગીય ધોરણે યોગ્ય પગલાં લેવામાં આવશે.

