VIDEO: સાણંદ હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ મામલે પોલીસનું નિવેદન, કર્યા આ ચોંકાવનારા ખુલાસા
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે ફરી એક વખત દારૂની મહેફિલ ઝડપાઇ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે રેડ કરી સાણંદના ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટમાં 13 યુવક,26 યુવતિ સહિત 39 લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. પ્રતિક સાંઘીની બર્થ ડે પાર્ટીનું રિસોર્ટમાં આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ પોલીસે આ દારૂ ક્યાંથી આવ્યો તેને લઇને વધુ તપાસ હાથ ધરી છે.
દારૂની બોટલો સાથે હુક્કા પણ ઝડપાયા
અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ દ્વારા ગ્લેડ-1 ગોલ્ફ રિસોર્ટના બેન્કવેટ હોલમાં બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ જામી હતી જેનો કેસ કરવામાં આવ્યો છે. 50 પોલીસ કર્મીની ટીમ બાતમીના આધારે રિસોર્ટમાં પહોંચી હતી અને ચેકિંગ દરમિયાન દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ રેડ દરમિયાન 13 પુરૂષ અને 26 મહિલા સહિત 39 લોકો દારુ પીધેલી હાલતમાં મળ્યા હતા જેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ દારૂનો મુદ્દામાલ ક્યાથી આવ્યો અને કોને મોકલ્યો તેની વિગતો જોઇએ તો દારુ ભરેલી 5 બોટલ મળી છે અને ખાલી બોટલ કેટલી છે તેની તપાસ ચાલુ છે. 20 જેટલી બોટલ ખાલી મળી છે. ઘટનાસ્થળેથી હુક્કા પણ મળ્યા હતા જેને જપ્ત કરવામાં આવ્યા છે. હુક્કામાં શું સામેલ હતું તેનું FSLના પરીક્ષણ બાદ તમાકુ એક્ટ અથવા NDPS એક્ટનો ગુનો દાખલ થશે.
મિત નામના શખ્સ દ્વારા મોકલાયો હતો દારૂ
અમદાવાદ ગ્રામ્યના એસપીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે આ બેન્કવેટ હોલમાં જે બર્થ ડે પાર્ટી હતી તેનું નામ પ્રતિક સાંઘી છે. પ્રતિક સાંઘીએ મિત નામના માણસ પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. આ જગ્યા ભાડાની હતી કે તેમને મેમ્બરશીપ આપેલી છે તેની તપાસ ચાલી રહી છે.પ્રતિક સાંઘીની બર્થ ડે પાર્ટીમાં દારૂ મિત નામના માણસે મોકલ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. 20-30 દારૂની બોટલનો જથ્થો તે ક્યાથી લાવ્યો તેની પણ તપાસ ચાલી રહી છે.
અમદાવાદમાં તમામ રિસોર્ટ-વિકએન્ડ વિલામાં ચેકિંગ કરાશે
અમદાવાદ ગ્રામ્યના SPએ સાણંદના રિસોર્ટમાં દારૂની મહેફિલ ઝડપાયા બાદ જણાવ્યું કે જિલ્લાની તમામ હોટલ્સ અને ગેસ્ટહાઉસમાં તમામ રિસોર્ટ છે તેમાં SOG,LCB અને લોકલ ટીમ દ્વારા ચેકિંગ ચાલુ રહેશે. અમે એક વર્ષમાં 5000થી વધુ દારૂના કેસ કરેલા છે. આ વિસ્તારમાં જેટલા પણ રિસોર્ટ છે અને વિકએન્ડ વિલા છે તેમની અમારી ટીમ દ્વારા ચેકિંગ ચાલુ રહેશે અને આવા પ્રકારની પ્રવૃતિ ના બને તે માટે તકેદારી રાખવામાં આવશે.

