અમદાવાદ/ નિકોલની હોસ્પિટલમાં ફરજના પહેલા દિવસે જ સ્વીપરે કર્યો હાથફેરો, રૂ. 90 હજારની ચોરી કરી ફરાર

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં ચોરીની અજીબ ઘટના સામે આવી છે. હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં સફાઈ કામદાર (સ્વીપર) તરીકે નોકરીએ લાગેલા શખ્સે પ્રથમ દિવસે જ તકનો લાભ ઉઠાવી ડ્રોવરમાં રાખેલા 90,000 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઓળખના પુરાવા આપ્યા પહેલા જ ચોરીને અંજામ આપ્યો
પોલીસ ફરિયાદ અનુસાર, 17મી એપ્રિલ 2026ના રોજ હોસ્પિટલના એચ.આર. વિભાગ દ્વારા એક વ્યક્તિને સ્વીપર તરીકે કામ પર રાખવામાં આવ્યો હતો. આ શખ્સે વિશ્વાસ અપાવ્યો હતો કે તે બીજા દિવસે સવારે પોતાના ઓળખના પુરાવા જમા કરાવશે. આ વાયદા સાથે તેણે તે જ દિવસે નાઈટ શિફ્ટમાં કામ શરૂ કર્યું હતું.
18મી એપ્રિલના રોજ સવારે જ્યારે ફાર્મસીનો સ્ટાફ ફરજ પર હાજર થયો, ત્યારે ટેબલના ડ્રોવરનું લોક તૂટેલું અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમાં વહેલી સવારે સવા પાંચ વાગ્યે નવો સ્વીપર પોતાના મોબાઈલની ફ્લેશ લાઈટનો ઉપયોગ કરીને મેડિકલ સ્ટોરમાં પ્રવેશતો જણાયો હતો. તે શખ્સ ડ્રોવરનું લોક તોડીને તેમાંથી રોકડ રકમ કાઢતો સ્પષ્ટ દેખાયો હતો. મેડિકલ સ્ટોરના રજિસ્ટરની તપાસ કરતા કુલ 90,000 રૂપિયાની રોકડ ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું.
પોલીસ કાર્યવાહી
સીસીટીવી ફૂટેજ અને હિસાબના પુરાવાઓના આધારે હોસ્પિટલના ડોક્ટરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે, જોકે આરોપીએ હજુ સુધી ઓળખના પુરાવા જમા ન કરાવ્યા હોવાથી તેને શોધવો પોલીસ માટે એક પડકાર બન્યો છે.

