Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad plane crash anniversary: ​​The son who brought tiffin on a teapot became a time-traveler

VIDEO: અમદાવાદ પ્લેન ક્રેશની વરસી: ચાની કીટલી પર ટિફિન લઈને ગયેલો દીકરો બન્યો કાળનો કોળિયો! કાળજું ચીરી નાખતી માતાની વેદના

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2026
લાઇવ ટીવીGoogle News
VIDEO: અમદાવાદ પ્લેન ક્રેશની વરસી: ચાની કીટલી પર ટિફિન લઈને ગયેલો દીકરો બન્યો કાળનો કોળિયો! કાળજું ચીરી નાખતી માતાની વેદના
સોર્સ : GSTV

Ahmedabad Plane Crash 1 Year: દરરોજની જેમ એ દિવસે પણ બપોરે આકાશ તેની માતા માટે ટિફિન લઈને ઘરથી થોડેક દૂર બી. જે. મેડિકલની મેસની બહાર રોડ પર આવેલી ચાની કીટલીએ આવ્યો હતો. માતાએ જમી લીધું'તું અને પછી આકાશ સામેની સાઈડ ઝાડના છાંયામાં સૂઈ ગયો હતો. જોતજોતામાં આભમાંથી અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું AI171 પ્લેન ક્રેશ થઈને ધડાકાભેર મેસની બિલ્ડિંગ પર પડ્યું અને આગ લાગી ગઈ. એટલું જ નહીં પ્લેનનું પાંખિયું રોડની સામેની સાઈડ સૂતેલા આકાશ પર પડ્યું અને...

App Store

વિમાનનું પાંખિયું સીધું દીકરા પર પડ્યું

પ્લેન ક્રેશમાં ભોગ બનનાર નિર્દોષ માસૂમ આકાશ પટણીના માતા સીતા બહેને તે વખતની આખી ઘટના વિશે રડતાં-રડતાં જણાવ્યું કે, 'એ દિવસે બપોરના સમયે હું ચાની કીટલી પર બેઠી હતી અને મારો દીકરો મારા માટે ટિફિન લઈને આવ્યો હતો. એ સામેની બાજુ ઊંઘ્યો હતો ત્યારે અચાનક વિમાન ક્રેશ થવાનો મોટો અવાજ આવ્યો અને જોતજોતામાં ચારે બાજુ આગ ફેલાઈ ગઈ. મેં મારા દીકરાને બચાવવાની ખૂબ કોશિશ કરી, પણ વચ્ચે ગાડી આવી ગઈ એટલે હું એની પાસે જઈ શકી નહીં. મને મનમાં એમ હતું કે મારો દીકરો કદાચ દોડીને બચી ગયો હશે, પણ એને ભાગવાનો કોઈ મોકો જ ના મળ્યો કારણ કે વિમાનનું પાંખિયું સીધું એના ઉપર જ પડી ગયું અને એ ઊઠી જ ના શક્યો. હું સતત બૂમો પાડતી રહી કે કોઈ મારા છોકરાને બચાવો, મારો દીકરો ત્યાં ઊંઘ્યો છે, પણ મારું કોઈ સાંભળી શક્યું નહીં.' 

કાગળિયાંની પ્રક્રિયામાં સારવાર અટકી

આ અંગે વધુમાં વાત કરતા સીતાબેનએ વધુમાં જણાવ્યું કે, 'હું ખૂબ જ દાઝી ગઈ હતી અને મને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં મને 21 દિવસ સુધી રાખી હતી. હોસ્પિટલમાં જ્યારે મારા ઘા પર ડ્રેસિંગ કરતા ત્યારે મને એટલી પીડા થતી કે હું રાડો પાડવા માંડતી હતી. મેં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવા માટે ઘણી બૂમાબૂમ કરી પણ ફાઇલ અને કાગળિયાંની પ્રક્રિયા બગડશે એમ કહીને મને ત્યાં જ રાખી. હું એટલી બધી દાઝેલી હતી, છતાં મારા મનમાં એક જ પ્રાર્થના ચાલતી હતી કે ભલે હું દાઝી ગઈ, પણ મારો છોકરો સાજો-નરવો રહેવો જોઈએ. પણ ભગવાને અમને એવું દુઃખ આપ્યું કે મારા દીકરાએ તો આ દુનિયામાં હજુ કશું જોયું જ નહોતું, એનું બધું જ ખાવા-પીવાનું અને આખી જિંદગી જીવવાની બાકી હતી.' 

કાળજું ચીરી નાખતી માતાની વેદના

મારો દીકરો તો હીરા જેવો હતો, ભણવામાં પણ એનું મગજ બહુ તેજ ચાલતું. એ મને વારંવાર કહેતો કે, 'મમ્મી, હું ભણી-ગણીને બહુ આગળ વધીશ અને તમને બેઠા બેઠા ખવડાવીશ.' એને ખાવાનો બહુ શોખ હતો; ખાસ કરીને સવારે ચા-ની કીટલી પર દૂધ ગરમ કરાવીને ખારીનો નાસ્તો એ બહુ હોંશે હોંશે કરતો.

આજે જ્યારે એ બધી વાતો યાદ આવે છે ને, ત્યારે મારું કાળજું ચિરાઈ જાય છે! મનમાં એક જ વસવસો થાય છે કે મારો લાડકો ખાવાવાળો દીકરો જ ચાલ્યો ગયો, હવે હું કોને ખવડાવું? એ ઘરમાં મારો એકનો એક જ દીકરો હતો. ભગવાને એની જગ્યાએ મને લઈ લીધી હોત તો સારું હતું! આજે અમારી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અમે બધા એની યાદમાં ગાંડા જેવા થઈ ગયા છીએ, ઘરમાં કોઈને એકબીજા સાથે વાત કરવાનું પણ સૂઝતું નથી.'