Ahmedabad news: ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે તથ્ય પટેલ સામે અઢી વર્ષ બાદ તહોમતનામું ફરમાવવામાં આવશે

અમદાવાદના બહુચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. 9 લોકોનો ભોગ લેનાર આ ભયાનક અકસ્માતના કેસમાં જેલમાં બંધ મુખ્ય આરોપી તથ્ય પટેલની મુશ્કેલીઓ હવે વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટે ગુજરાતની ટ્રાયલ કોર્ટને સ્પષ્ટ અને કડક આદેશ આપ્યો છે કે તાત્કાલિક ધોરણે કેસમાં ચાર્જફ્રેમ કરવામાં આવે. હવે સેશન્સ કોર્ટમાં તથ્ય પટેલ સામેની કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે.
ટ્રાયલ કોર્ટને સુપ્રીમ કોર્ટે આપ્યો સ્પષ્ટ નિર્દેશ
સુપ્રીમ કોર્ટે આ સંવેદનશીલ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટ્રાયલ કોર્ટને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો છે કે આગામી ત્રણ અઠવાડિયાની અંદર આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ ચાર્જશીટના આધારે ચાર્જફ્રેમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ કેસને બિનજરૂરી રીતે લાંબો ખેંચી શકાય નહીં અને સમયસર ન્યાય પ્રક્રિયા પૂરી કરવી અનિવાર્ય છે.
કઈ કઈ કલમો હેઠળ કેસ દાખલ કરાયો
ઉલ્લેખનીય છે કે 19 જુલાઈ, 2023ની મોડી રાત્રે અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે ઘણાં લોકો જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તથ્ય હાલ સાબરમતી જેલમાં કેદ છે. આ કેસમાં આરોપી તથ્ય પટેલ સામે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2), 114, 188 મોટર વ્હીકલ એક્ટ 177, 184, 134B મુજબ ગુનો દાખલ થયો હતો.
1684 પાનાની ચાર્જશીટ
આ અકસ્માતને લઈને ભારે ખળભળાટ મચી ગયો હતો, જેને લઈને ગુજરાત સરકારે પણ પીડિતોને 4-4 લાખ રૂપિયાનું વળતર અને ભવિષ્યમાં આ પ્રકારનો બનાવ ન બને તે માટે હૈયાધારણની જાહેરાત કરી હતી, તો ખુદ સરકારે આ કેસને અભૂતપૂર્વ અને અસાધારણ ગણાવી પીડિતોને તાત્કાલિક ન્યાય અપાવાશે અને એક અઠવાડિયામાં આ કેસમાં ચાર્જશીટ અને એક મહિનામાં ફાસ્ટ ટ્રેક ધોરણે કેસ ચલાવવાની જાહેરાત કરી હતી. પોલીસે રાત-દિવસની બહું નોંધનીય અને ભારે જહેમતભરી કામગીરી કરીને આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ માત્ર એક સપ્તાહમાં 1684 પાનાની ચાર્જશીટ પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ કરી દીધી હતી.
તહોમતનામું હવે ફરમાવવામાં આવશે
ગ્રામ્ય કોર્ટે કેસનો ટ્રાયલ સેશન્સ કોર્ટમાં ચલાવવાના હેતુથી 25 દિવસમાં ચાર્જશીટ જિલ્લા સેશન્સ કોર્ટમાં પણ મોકલી દીધું હતું,પરંતુ ત્યારબાદ અગમ્ય કારણોસર આ કેસના ટ્રાયલની પ્રક્રિયા શરૂ થઈ શકી નથી, એટલે સુધી કે આ કેસમાં ટ્રાયલનો જે પ્રારંભિક અને મહત્ત્વનો ચાર્જફ્રેમનો તબક્કો હોય છે, તે ચાર્જફ્રેમ પણ અઢી વર્ષ થવા આવ્યા છતાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ થઈ શક્યો નથી, પરંતુ હવે સુપ્રીમ કોર્ટના આ આદેશને પગલે ચકચારભર્યા કેસમાં હવે આખરે તહોમતનામું ફરમાવવામાં આવશે.
તથ્ય પટેલે ટ્રાયલ કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી દાખલ કરી હતી અરજી
ગુજરાતના સૌથી મોટા અને અસાધારણ એવા અકસ્માત કેસમાં તથ્ય પટેલની જામીન અરજીઓ ટ્રાયલ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં એકથી વધુ વખત ના મંજૂર થઈ હતી. તમામ તબક્કે તમામ કોર્ટોએ તથ્યને જામીન અરજી આપવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી હતી. જેથી આખરે તથ્ય પટેલે ફરી એકવાર સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ આ વખતે સુપ્રીમ કોર્ટે કેસની સંવેદનશીલતા અને કેસ વિલંબિત થઈ રહ્યો હોવાની ગંભીરતા લઈને આખરે ત્રણસ સપ્તાહમાં આ કેસમાં ચાર્જ ફ્રેમ કરી દેવા ટ્રાયલ કોર્ટને ફરમાન કર્યું હતું.
191 સાક્ષીઓના નિવેદન
પોલીસ દ્વારા આ કેસમાં 8 સાક્ષીઓની કલમ-164 મુજબ નિવેદનો, 191 સાક્ષીઓના નિવેદન લેવાયા છે. તેમજ 15 જેટલા દસ્તાવેજી પુરાવા પણ ચાર્જશીટમાં રજૂ કર્યા હતા. હવે આ કેસમાં આગામી મુદતે તારીખ 18મી નવેમ્બરે ટ્રાયલ કોર્ટ દ્વારા આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ચાર્જફ્રેમ કરાય તેવી પૂરી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, આ ભયાનક અકસ્માતની ઘટનાના ત્રીજા વર્ષે આ કેસમાં ચાર્જ ફ્રેમ થવા જઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આ હસ્તક્ષેપ બાદ હવે તથ્ય પટેલ સામેની કાયદાકીય પ્રક્રિયા વધુ ગતિ પકડશે. સુપ્રીમ કોર્ટની આ મહત્ત્વની ચેતવણી બાદ તથ્ય પટેલ પર લાગેલા ગંભીર આરોપો સામે કોર્ટમાં કેસ ઝડપથી આગળ વધશે અને ટ્રાયલનો માર્ગ મોકળો થયો છે, જે પીડિત પરિવારો માટે ન્યાયની આશાનું કિરણ બન્યું છે.

