Ahmedabad news: દાણીલીમડામાં લગ્નપ્રસંગના જમણવાર બાદ ૭૦ લોકોને ફુડ પોઈઝનીંગની થઈ અસર

અમદાવાદના દાણીલીમડાના ૭૦ લોકોને મંગળવારે ફુડ પોઈઝનીંગ થવાના કારણે ઝાડા ઉલટી થતા ચેપીરોગની હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલમા સારવાર માટે દાખલ કરાયા હતા.આ ઘટનાને લઈ કોર્પોરેશનનુ આરોગ્ય તંત્ર ઉંઘતુ ઝડપાયુ હતુ.મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્ટી પ્લોટનો નોનવેજ માટે દુરઉપયોગ થતો હોય તો પગલા ભરવા મ્યુનિસિપલ કમિશનરે સુચના આપી હતી.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામા કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓની રીવ્યુ બેઠક મળી હતી.આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે શહેરમા પરમીશન વગર વેચાઈ રહેલા નોનવેજ ફુડ સામે કાર્યવાહી કરવા સુચના આપી હતી.દરમિયાન દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહયુ,દાણીલીમડાની શકિત સોસાયટીના એક પરિવારને ત્યાં લગ્નપ્રસંગ હોવાથી કાંકરિયા ખાતે પિકનીક હાઉસ ખાતે જમણવાર રાખવામા આવ્યો હતો.
ફીશ, હલવો, દહીવડા અને છાશ સહિતની વાનગી પીરસવામા આવી
આ જમણવારમાં ચીકન ઉપરાંત ફીશ, હલવો, દહીવડા અને છાશ સહિતની વાનગી પીરસવામા આવી હતી. આ વાનગી ખાધા પછી ઝાડા ઉલટીની અસર થતા ચેપીરોગની હોસ્પિટલ ખાતે ૪૬, શીફા હોસ્પિટલ ખાતે ૨૦ તથા એલ.જી.હોસ્પિટલ ખાતે ત્રણ મળી કુલ ૭૦ લોકોને સારવાર આપવી પડી હતી.આ તબકકે મ્યુનિસિપલ કમિશનરે કહયુ, મ્યુનિ.પાર્ટી પ્લોટ હોય કે ડ્રેનેજ લાઈન કયાંય પણ નોનવેજનો વધેલો કચરો નાંખતા હોય તેવા લોકોને પકડીને તેમની સામે કાર્યવાહી કરો.નોનવેજ કચરો ડ્રેનેજમા નાંખવામા આવતો હોવાથી વિવિધ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાની સમસ્યા જોવા મળે છે.

