VIDEO: અમદાવાદ મેયર હિતેશ બારોટના વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન, સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માગ
અમદાવાદમાં ફરી એકવાર વરસાદી પાણીના નિકાલની સમસ્યા સામે આવી છે. શહેરના પ્રથમ નાગરિક મેયર હિતેશ બારોટના વિસ્તાર થલતેજમાં મલાવ તળાવ નજીક વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે. સામાન્ય વરસાદ બાદ પણ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, થલતેજના મલાવ તળાવ નજીક દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદ પડતાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે અને લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ
શહેરમાં પડેલા પ્રથમ વરસાદ દરમિયાન પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. તેમ છતાં તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા ન હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે મલાવ તળાવ નજીક વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. દર વર્ષે ચોમાસામાં સર્જાતી આ સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે અને પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.

