VIDEO: રથયાત્રા પૂર્વે અમદાવાદ સજ્જ: જગન્નાથ મંદિરથી પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ અને સુરક્ષા સમીક્ષા
અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે જગન્નાથ મંદિરથી પોલીસ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર એક 'ગ્રાન્ડ રિહર્સલ' યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો જોડાયા હતા. આ ભવ્ય આયોજનની જાત-માહિતી મેળવવા અને સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. જગન્નાથ મંદિરમાં ભગવાનની પરંપરાગત નેત્રોત્સવ વિધિ પૂર્ણ થયા બાદ ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યના ડીજીપી (DGP) સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજી હતી અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તમામ આદેશો આપ્યા હતા.

