Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Accused arrested for attacking constable, beaten with wooden stick

Ahmedabad news: કોન્સ્ટેબલ પર હુમલો કરનાર આરોપીની ધરપકડ, અગાઉની બોલાચાલીની અદાવતમાં લાકડાના ધોકાથી માર્યો હતો માર

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: કોન્સ્ટેબલ પર હુમલો કરનાર આરોપીની ધરપકડ, અગાઉની બોલાચાલીની અદાવતમાં લાકડાના ધોકાથી માર્યો હતો માર
સોર્સ : GSTV

અમદાવાદના મેમ્કોમાં એક પોલીસ કોન્સ્ટેબલ પર અદાવત રાખીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મેઘાણીનગર પોલીસ મથકની સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા જયેશ વસાવા રાત્રે પોતાની ફરજ પૂરી કરી જમવાનું પાર્સલ લેવા ઊભા હતા, ત્યારે જીતેન્દ્રસિંહ જાડેજા નામના શખસે લાકડાના ધોકા વડે તેમના પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરે ગાળો ભાંડીને 'કાલે બહુ ચરબી કરતો હતો, આજે તો તને પતાવી જ દેવો છે' તેમ કહીને ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસકર્મીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

App Store

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો

આ હુમલા પાછળનું મૂળ કારણ એક દિવસ અગાઉ બનેલી સામાન્ય ઘટના હતી. ગત છઠ્ઠી એપ્રિલની રાત્રે જ્યારે જયેશ વસાવા સહિતનો પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતો, ત્યારે મંગલપાંડે હોલ પાસેના બગીચામાં શંકાસ્પદ રીતે બેઠેલા જીતેન્દ્રસિંહને જોઈને પોલીસે તેની ઓળખ પૂછી હતી. આરોપીએ તે સમયે દાદાગીરી કરતા તેને અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. જોકે, ત્યાં તેણે પોતાની ભૂલ સ્વીકારીને તમામ પોલીસકર્મીઓની માફી માંગી લેતા પોલીસે કોઈ પણ કડક કાર્યવાહી કર્યા વિના તેને મુક્ત કર્યો હતો.

પોલીસ સ્ટેશનમાં માફી માંગવા છતાં આરોપીના મનમાં રાખી તેણે 7 એપ્રિલની રાત્રે બદલો લીધો હતો. કોન્સ્ટેબલ જ્યારે એકલા હતા ત્યારે તકનો લાભ ઉઠાવીને બાઈક પર આવેલા જીતેન્દ્રસિંહે તેમના પર જીવલેણ પ્રહાર કર્યો હતો અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મેઘાણીનગર અને શહેરકોટડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં શહેરકોટડા પોલીસે આરોપી જીતેન્દ્રસિંહ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર ઘટના?

આ અંગે પોલીસે જણાવ્યું કે, આઠ તારીખે વહેલી સવારે શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ફરજ પરના એક પોલીસ કર્મચારીને માર માર્યો હોવાની ફરિયાદ મળી છે. આ કેસમાં ફરિયાદી જયેશકુમાર નંદુભાઈ વસાવા છે, જેઓ મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોર્ડમાં કાર્યરત છે. 

બનાવની રાત્રે જ્યારે તેઓ પીએસઆઈ અને અન્ય સ્ટાફ સાથે ગાર્ડન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, કારણ કે ત્યાંના રહિશોની અસામાજિક તત્ત્વો બાબતે અવારનવાર ફરિયાદો આવતી હતી જેના પગલે સ્થળ પર હાજર 39 વર્ષીય જીતેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેણે શરૂઆતમાં પોતાની ઓળખ આપવાની ના પાડી હતી, પરંતુ પૂછપરછમાં જાણવા મળ્યું કે તે મૂળ કચ્છનો છે અને છેલ્લા 18 વર્ષથી અહીં રહીને હાલ કન્સ્ટ્રક્શનના કામ સાથે જોડાયેલો છે. તે સમયે તેમની વચ્ચે બોલાચાલી અને જીભાજોડી થઈ હતી, જે બાદ આરોપીએ મનમાં પોલીસ પ્રત્યે અદાવત રાખી હતી.

ફરિયાદ અનુસાર, બીજા દિવસે સવારે જ્યારે પોલીસ કર્મચારી પોતાની ફરજ પૂરી કરીને 11.30 વાગ્યાની આસપાસ જમવાનું લેવા ઊભા હતા, ત્યારે જીતેન્દ્રસિંહે જૂના ઝઘડાનો બદલો લેવા લાકડાના ધોકા વડે તેમના પર હુમલો કર્યો, જેમાં ફરિયાદીને હાથ અને પગમાં ઈજાઓ પહોંચી છે. હુમલો કર્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો, પરંતુ હાલ તે અમારી પકડમાં છે. આરોપીએ કહ્યું કે, 'રસ્તામાં પોલીસ કર્મચારીને જોઈને તેને આગલી રાતનો ગુસ્સો આવ્યો હોવાથી હુમલો કર્યો હતો.' 

પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધીની તપાસમાં આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળ્યો નથી, પરંતુ અમે આ મામલે પંચનામું અને સાક્ષીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલુ રાખી છે. અમે એ દિશામાં પણ વધુ તપાસ કરી રહ્યા છીએ કે આ હુમલા પાછળ કોઈ અન્ય અંગત અદાવત હતી કે પછી આરોપીએ હુમલો કરતા પહેલા પોલીસ કર્મચારીની કોઈ રેકી કરી હતી કે કેમ?