VIDEO: અમદાવાદમાં ACBની મોટી ટ્રેપ: ટ્રાફિક પોલીસના ASI રૂ. 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Ahmedabad Police News : અમદાવાદમાં 28 જુલાઈના રોજ સુભાષ બ્રિજ પોલીસ ચોકી પાસે આવેલી શ્રીજી ચાય વાલાની દુકાનમાં એસીબીએ છટકું ગોઠવીને 'એલ' ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના A.S.I. મુકેશજી જીવણજી રાજપુતને રૂપિયા 10,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવતા એસીબી દ્વારા આ સફળ ટ્રેપ પાર પાડવામાં આવી હતી.
આ કેસના ફરિયાદીના વિરુદ્ધ 'એલ' ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એક્સિડન્ટ બાબતે એક અરજી થયેલી હતી. આ અરજીની તપાસ આરોપી ASI મુકેશભાઈ કરી રહ્યા હતા. અરજીને નિકાલ કરવા માટે આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા 10,000ની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી લાંચની આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તરત જ એસીબીનો સંપર્ક કરીને પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મળતાની સાથે જ એસીબી એ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની ટીમે નક્કી કરેલા સ્થળે વોચ ગોઠવી હતી. જ્યાં આરોપી મુકેશભાઈએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચના 10 હજાર રૂપિયા સ્વીકાર્યા અને તરત જ એસીબીની ટીમે તેમને ઝડપી લીધા હતા. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

