VIDEO: વિરમગામમાં અષાઢી બીજે શ્રી રામ મહેલ મંદિરેથી 44મી ભવ્ય રથયાત્રા યોજાઈ
સોર્સ : gstv
અષાઢી બીજના પાવન પર્વે વિરમગામના ઐતિહાસિક શ્રી રામ મહેલ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 44મી ભવ્ય રથયાત્રા પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે નીકળી હતી. વહેલી સવારથી મંદિરમાં વિશેષ પૂજન, અર્ચન અને નેત્રોત્સવ વિધિ બાદ જગતના નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા હતા. વાજતે-ગાજતે નીકળેલી આ યાત્રામાં સાધુ-સંતો અને માલધારી સમાજના અખાડીયનોએ આકર્ષક કરતબો દર્શાવ્યા હતા. ભગવાનના દર્શન કરવા વિરમગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે તમામ સુરક્ષા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

