VIDEO: અમદાવાદમાં વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા, સાંજે 2 થી 6 ભારે વરસાદનું એલર્ટ
અમદાવાદ શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા માત્ર એક કલાકમાં ચાર ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. અચાનક તૂટી પડેલા આ વરસાદને પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે શહેરની વર્તમાન સ્થિતિ અને તંત્રની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ પાણીની ભારે આવકને ધ્યાને રાખી નિકાલ ઝડપી બનાવવા માટે વાસણા બેરેજના 14 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. તંત્ર સમક્ષ 235 જેટલી જગ્યાઓ પર પાણી ભરાવવાની ફરિયાદો નોંધાઈ છે. આ ઉપરાંત ભારે પવન અને વરસાદના કારણે 45 જેટલા વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો સામે આવી છે. પાણીના ઝડપી નિકાલ માટે શહેરમાં 32 ડી-વોટરિંગ પંપ સતત કાર્યરત કરી દેવાયા છે. સી-ડેક (C-DAC) મારફતે મળતા રિયલ-ટાઇમ એલર્ટ મુજબ કામગીરી હાથ ધરાઈ રહી છે, જેના માટે તમામ મ્યુનિસિપલ કર્મચારીઓ ફિલ્ડ પર ઉતારી દેવાયા છે.
અમદાવાદ શહેરના 10 મુખ્ય જંકશનો તેમજ અન્ય આંતરિક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. ભારે વરસાદને પગલે સાવચેતીના ભાગરૂપે પરિમલ, શાહીબાગ, અખબારનગર, મકરબા અને મીઠાખળી સહિત પાંચ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. જોકે, પાણી ઓસરતા હાલ માત્ર અખબારનગર અંડરપાસ સિવાયના તમામ અંડરપાસ વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરી દેવાયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાંજે 2 થી 6 વાગ્યા દરમિયાન શહેરમાં ફરી ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે, જેને પગલે સમગ્ર મ્યુનિસિપલ તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

