રાજ્યમાં અલગ-અલગ અકસ્માતમાં ત્રણ લોકોએ ગુમાવ્યા જીવ, મહેસાણામાં વૃદ્ધાને ટ્રક ચાલકે કચડી નાખ્યા

રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અલગ અલગ જગ્યાએ થયેલા ત્રણ અકસ્માતમાં ત્રણ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં વિજાપુર મહેસાણા હાઇવે પર ટ્રક ચાલકે વૃદ્ધાને કચડી નાખ્યા હતા.
વિજાપુર મહેસાણા હાઇવે પર અકસ્માત
મહેસાણાના વિજાપુર મહેસાણા હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકે એક 70 વર્ષીય વૃદ્ધાને અડફેટે લેતા ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જોકે, હાલ ટ્રક ચાલક વિરૂદ્ધ વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામા આવી છે.
આ પણ વાંચો: અંબાજી નજીક ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને નડ્યો અકસ્માત, 20થી વધુ મુસાફર ઘાયલ
અરવલ્લીના માલપુરના ગલિયાદાંતી પાસે ઓડી કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માલપુર તાલુકા ભારતીય કિસાન સંઘના મંત્રીનું ઘટના સ્થળે મોત થયુ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
માધાપર ચોકડી નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત
રાજકોટના માધાપર ચોકડી નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ 79 વર્ષીય ભરતભાઈ જોષી ઈશ્વરિયા મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન માધાપર ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક સાથે ભરતભાઈનું બાઈક અથડાયું હતું. અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત થયું હતું.

