Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ : What kind of people are never happy?

GSTV શતરંગ : કેવા માણસો સુખી થતા જ નથી?

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ : કેવા માણસો સુખી થતા જ નથી?
સોર્સ : gstv

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

App Store

પ્રશ્ન : કેવા માણસો ક્યારેય સુખી નથી થતા ?

પ્રશ્નકર્તા : મુકેશ ચંદારાણા, પ્રોજેક્ટ ઓફિસર અને ટેકનિકલ લાયબ્રેરી તાતા કેમિકલ લિમિટેડ, મીઠાપુર - ૩૬૧૩૪૫

જિં દગી પરમાત્માએ આપેલું મહાન વરદાન છે. પૂ. ડોંગરે મહારાજ કહે છે તેમ ૮૩ હજારથી પણ વધુ વર્ષો માટે વિવિધ યોનિઓમાં જન્મ પ્રાપ્ત થયા બાદ માનવ જન્મ પ્રાપ્ત થાય છે. એટલે 'ના જિંદગી ભાઈ વિલાસભોગ કર્તવ્યનો એ અભિસાર (મિલન) યોગ' જિંદગી એવી રીતે જીવવી જોઇએ જેથી આપણને જીવન આપનાર પરમાત્માને આપણી પવિત્રતાની કોઈ ફરિયાદ કે અસંતોષ ન રહે.

માણસોને મુખ્ય ત્રણ વિભાગોમાં વહેંચી શકાય. માનવ, દાનવ અને દેવ. માણસને તેનાં પૂર્વ જન્મનાં ભાથા મુજબ સુખ કે દુ:ખ પ્રાપ્ત થાય છે. કર્મોના ત્રણ પ્રકાર છે. ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. માણસનો સ્વભાવ, વાણી, વર્તન બધું જ તેનાં પૂર્વ જન્મના સંસ્કારો મુજબ કાર્ય કરતું હોય છે. સત્યના એક શબ્દનું વજન આખી દુનિયાના વજન કરતાં પણ વધુ હોય છે એમ એક રશિયન ઉક્તિમાં જણાવાયું છે.

કહેવાય છે કે પૃથ્વીને આપવા માટે ભગવાનને માનદંડની જરૂર પડી એટલે એણે હિમાલય રચ્યો.

માણસ જો 'માણસ' ના બને તો તે ક્યારેય સુખી થઇ શક્તો નથી. જીવન જીવવું એ એક કળા છે. જે માણસ એ કળા શીખી લે કે ઇશ્વર કૃપાથી પ્રાપ્ત થાય એના જેવો ભાગ્યશાળી બીજો કોણ ? જીવન એ પરમાત્માની થાપણ છે. કબીર કહે જીવનની ચાદર ઇશ્વરને 'બેદાગ' અર્પણ કરવી જોઇએ :

'સો ચાદર સુર નરમુનિ ઓઢી,

ઓઢ કે મેલી કી ચાદરિયા,

દાસ કબીરા જતન સે ઓઢી

જ્યોં કી ત્યોં ઘર દીની ચદરિયા...'

માણસનું મન સદવિચારોનું સંગ્રહ સ્થાન બનવું જોઇએ, ઇર્ષ્યા દ્વેષ કે વેરવૃત્તિનું નહીં.

જેઓ ઇર્ષ્યાળુ અને દ્વેષિલા હોય છે. એમનું મન સદાય ભટક્યા કરે છે. એવા માણસને ક્યારેય માનસિક શાન્તિ સાંપડતી નથી. એનું મન કાવત્રાખોર હોય છે એટલે એ કાવત્રાંની જાળમાં ફસાએલું જ રહે છે. એટલે આવા માણસોનું મન ક્યારેય શુદ્ધ રહી શક્તું નથી. જેનું મન સંસ્કૃત એટલે કે પરિશુદ્ધ નથી હોતું તે દિવ્યત્વ કે દેવત્વ પ્રાપ્ત કરી શક્તું નથી. જેઓ વિલાસપ્રિય, કામુક હોય, ધનેષણા પાછળ ઘેલા હોય, લોભ, લાલચ કે સત્તાપ્રાપ્તિ માટે ઘેલા હોય તે સુખી થઇ શક્તા નથી. ઇચ્છાઓ તો અશાન્ત બનાવનારું મહા જંગલ છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરને વિદેશમાં પૂછવામાં આવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને વિદેશી સંસ્કૃતિમાં શો ફર્ક ? એમણે તરત જ કહ્યું કે વિદેશોમાં હૉટલોમાં સાંજે દીવા થાય છે જ્યારે અમારે ત્યાં સાંજ પડે મંદિરોમાં દીવા થાય છે.

જેમનો આદર્શ 'રાવણ' છે, રાવણના દુર્ગુણો છે, તેવો માણસ ક્યારેય સુખી થઇ શક્તો નથી. સુખી થવા માટે ભોગ નહીં પણ ત્યાગની ભાવના જરૂરી છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે તેમ પામ્યો પ્રસન્નતા તેનાં દુ:ખો સર્વનાશ પામતાં એટલે જેમણે સુખી થવું હોય તેમણે 'પ્રજ્ઞા' એટલે કે બુદ્ધિને સ્થિર રાખી પ્રત્યેક પરિસ્થિતિમાં ખુશ રહેવાની પ્રતિજ્ઞા કરવી પડે. બાકી તો 'જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેણે તે સમયે તે જ પહોંચે' પરિવાર, પડોશ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ પરત્વે એક ઉન્નત જીવન જીવવા આપણે બંધાએલા છીએ. એટલે આપણે જેમ કોઇને ન છેતરવું એ જરૂરી છે તેમ કોઈ ફોગટ માણસ આપણને પ્રલોભનોની જાળમાં ફસાવે નહીં તે જોવું પણ તેટલું જ આવશ્યક છે. જેને પોતાના જીવનની કોઠાસૂઝ પ્રાપ્ત થઇ હોય એ ભાગ્યશાળી માણસ છે.

હલકટ મનોવૃત્તિવાળા ક્યારેય સુખી થઇ શક્તા નથી. સજ્જનોને દુ:ખી કરનાર ક્યારેય સુખી થઇ શકે નહીં. ગાળાગાળી, હિંસા, કે બદલો લેવાની વૃત્તિ ધરાવનાર ક્યારેય સુખી થઇ શકે નહીં.

માણસે સદાય આત્મદર્શનની આદત કેળવવી જોઇએ. અને જીવનને બદનામ કરનાર વૃત્તિઓને જાકારો આપવો જોઇએ. જો પ્રાર્થના કરવા માટેની તમને ફૂરસદ ન મળતી હોય તો બીજી કોઈ પણ સારી વાત માટે તમને ફૂરસદ મળશે નહીં. ચિંતક સાહિત્યકાર શ્રી મકરંદ દવેના શબ્દોમાં ફૂલ વિશે જે કહ્યું છે તે આપણો આદર્શ બનવો જોઇએ : 'મસળી નાખે કોઈ તો સામે મહેક દે તાજી તાજી, ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.'