Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ડૉ. કુમારપાલ દેસાઈ : The most exciting rivalry in Indian cricket!

GSTV શતરંગ : પતિયાળા અને વિઝ્ઝી : ભારતીય ક્રિકેટની સૌથી વધુ રોમાંચક દુશ્મનાવટ!

Timeછેલ્લું અપડેટ : 19 Apr 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ : પતિયાળા અને વિઝ્ઝી : ભારતીય ક્રિકેટની સૌથી વધુ રોમાંચક દુશ્મનાવટ!
સોર્સ : gstv

- પારિજાતનો પરિસંવાદ -ડૉ. કુમારપાળ દેસાઈ

App Store

આઈપીએલ ચાલી રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે જ ચેન્નાઈ સુપર કિંગ અને મુંબઈ ઇન્ડિયન્સ ટીમ વચ્ચેની તીવ્ર કશ્મકશ યાદ આવે. આ બંને ટીમો અત્યાર સુધીમાં પાંચ-પાંચ વખત આઈપીએલમાં વિજેતા બની છે. મેચ જીતવાની બાબતમાં ચેન્નાઈ સુપર કિંગે ૧૮ આઈપીએલમાં ૨૫૩ મેચમાંથી ૧૪૨ વાર વિજય મેળવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ એની પાછળ, પણ સાવ લગોલગ છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૨૭૭ મેચમાંથી ૧૫૧ મેચમાં જીત મેળવી છે. આ રીતે જોઈએ તો ચેન્નાઈ સુપર કિંગના વિજયની ટકાવારી ૫૬ છે, તો મુંબઈ ઇન્ડિયન્સની જીતની ટકાવારી ૫૫ છે. 

આ બંને ટીમોએ પોતપોતાની આગવી કાબેલિયત બતાવી છે. જેમકે ચેન્નાઈ સુપર કિંગ્સે ૧૨ વખત પ્લે-ઓફમાં સ્થાન મેળવ્યું છે અને આ સ્પર્ધામાં સૌથી વધુ ફાઈનલ મેચ ૨મવાનો વિક્રમ પણ ચેન્નાઈ સુપર કિંગ્સને નામે છે. બીજી બાજુ ફાઈનલમાં વિજય મેળવીને ટ્રોફી હાંસલ કરવાની વિશેષ કામગીરી મુંબઈ ઇન્ડિયન્સે કરી બતાવી છે, તેથી એનો કન્વર્ઝન રેટ ૮૩ ટકા છે, તો ચારમાંથી ત્રણમાં વિજય મેળવનાર કોલકાતા નાઈટ રાઈડર્સનો કન્વર્ઝન રેટ ૭૫ ટકા છે. 

એક અર્થમાં મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ આઈપીએલની મોખરાની ટીમ ગણાય, પરંતુ અત્યારે તો મહેન્દ્રસિંહ ધોનીની ઈજાગ્રસ્ત પરિસ્થિતિને કારણે ચેન્નાઈની ટીમ કેટલો દબદબો જાળવી રાખે છે, તે સવાલ છે. એનું પરિણામ ગમે તે આવે, કિંતુ હાલ તો લીગ ક્રિકેટના ઇતિહાસમાં આ બંને ટીમો સૌથી વધુ સફળતા હાંસલ કરનારી ટીમો છે અને એમાં પણ આ બંને ટીમો સામસામે ખેલતી હોય છે ત્યારે દર્શકો મેદાનને ભરી દેતા હોય છે, કારણ કે આ બંને ટીમો પાસે પોતાના જોશીલા ચાહકો ને ટેકેદારો છે. 

૨૦૨૧ના વર્ષનો ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ ફાઈનલ જેવો આંતરરાષ્ટ્રીય મુકાબલો ૧૬૭ મિલિયન દર્શકોએ જોયો હતો. જ્યારે ૨૦૨૧-૨૨ની એડિલેડની ડે એન્ડ નાઈટ ટેસ્ટ મેચ માત્ર ચાર લાખ ચાલીસ હજાર લોકોએ જોઈ હતી અને આ બધાની સામે એ જ વર્ષે લીગ સ્ટેજમાં મુંબઈ અને ચેન્નાઈની સ્પર્ધા જોનારા દર્શકો ૩૬૭ મિલિયન હતા. આ બંને ટીમો વચ્ચેની ભીષણ સ્પર્ધા બતાવે છે અને ક્રિકેટના મેદાનમાં ખરો રોમાંચ તો આ સામસામી સ્પર્ધા જ લાવતી હોય છે.

ભારતીય ક્રિકેટમાં સૌથી પહેલો સ્પર્ધાનો નજારો તો બોમ્બે પ્રેસિડેન્સીની મેચમાં જોવા મળ્યો હતો. તમામ બ્રિટિશ ખેલાડીઓથી ભરેલી યુરોપિયન્સ ટીમ સામે ઇન્ડિયન પારસી ટીમે મુકાબલો કર્યો હતો અને આ બંનેની આન, બાન અને શાનની વાર્ષિક સ્પર્ધા પંદર વર્ષ સુધી ખેલાતી રહી. એ પછી તો પચરંગી ક્રિકેટ આવ્યું, જેમાં હિંદુ, મુસ્લિમ, પારસી, યુરોપિયન અને રેસ્ટ નામની ટીમ ખેલતી હતી. આ બોમ્બે પેન્ટાગ્યુલરમાં કોમ પર આધારિત આ ટીમો વચ્ચે તીવ્ર સ્પર્ધા થતી હતી, પરંતુ મારે એ નોંધવું જોઈએ કે કોમ પ્રમાણે ખેલાતી આ મેચો ક્યારેય ક્રિકેટના મેદાન પર કોઈ દુર્ઘટના કે તોફાન થયા નથી. અરે ! ૧૯૪૦ના દેશના કોમી દાવાનળના માહોલ વચ્ચે પણ આ મેચો ખેલાઈ અને તેમ છતાં કોઈ દુર્ઘટના બની નહોતી. 

ભારતીય ક્રિકેટની ખરેખરી રોમાંચક સ્પર્ધા તો ભારતના રાજાઓ વચ્ચે ખેલાતી હતી. ભારતીય રાજવી પોતાની ટીમ રાખતા. આવી પોતિકી ક્રિકેટ ટીમ હોય, તે એ રાજાઓ માટે ઉચ્ચ સામાજિક દરજ્જો ગણાતો હતો અને તેઓ બ્રિટિશરોની બરાબરી કરી શકે તેવા છે, એવું સિદ્ધ કરવાનો પ્રયાસ પણ હતો. 

નવા નગરનું રાજકુટુંબ અને એના મહાન ખેલાડી રણજિતસિંહ અને કૂચબિહારના મહારાજાની ટીમો ક્રિકેટને પ્રોત્સાહન આપતી હતી, પરંતુ ૧૯૨૦-૧૯૩૦ના ગાળામાં પતિયાળાના મહારાજા અને વિજયનગરના મહારાજકુમાર વચ્ચે જેવી સ્પર્ધા થઈ હતી, તેવી સ્પર્ધા આજ સુધી ભારતીય ક્રિકેટમાં જોવા મળી નથી. એ જમાનામાં જગતના ચુનંદા ક્રિકેટરોને આ રાજવીઓ પોતાની ટીમ તરફથી ખેલવા બોલાવતા હતા. પતિયાળાના મહારાજા રાજિન્દર સિંઘે પોતાની ટીમ તૈયાર કરી અને એમાં એકાદ નહીં, પણ ત્રણ-ચાર વિદેશી ક્રિકેટરોને સામેલ કર્યા. 

આજે ૨૦૨૬માં આઈપીએલમાં વિદેશી ખેલાડીઓ રમે છે, પરંતુ આ વાત છે છેક ૧૮૯૦ની અને એ પછી પતિયાળાના મહારાજા રાજિન્દર સિંઘના પુત્ર ભુપિન્દર સિંઘે તો આખી એમ.સી.સી ટીમને ભારતમાં ખેલવા બોલાવી. એના સુકાની હતા આર્થર ગિલીગન. ઇંગ્લેન્ડના આ આર્થર ગિલીગને ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે હેરોલ્ડ લારવૂડ પાસે 'બોડીલાઇન બોલિંગ' કરાવી હતી. આ આર્થર ગિલીગન ઇંગ્લેન્ડના ખેલાડીઓથી ભરેલી એમ.સી.સી.ની ટીમ મહારાજા ભૂપિન્દર સિંઘના આમંત્રણથી ભારતમાં લઈને આવ્યા અને મહારાજાએ પોતાના અંગત મેદાનો પર મેચોનું આયોજન કર્યું. 

આ પતિયાળાની ટીમનો મુકાબલો કરવાનું મહારાજકુમાર ઓફ વિજયનગરમ્ અર્થાત્ વિઝ્ઝીએ નક્કી કર્યું. ૧૯૨૭માં એમણે પોતાની ક્રિકેટટીમ તૈયાર કરી અને પોતાના વિશાળ મહેલમાં ક્રિકેટનું મેદાન બાંધ્યું. ૧૯૩૦-૩૧માં એમણે ઈંગ્લેન્ડની એમ.સી.સી. ટીમને બોલાવી અને ભારત અને શ્રીલંકામાં જુદી જુદી મેચોનું આયોજન કર્યું. એમણે માત્ર ઇંગ્લેન્ડની જ નહીં, બલ્કે વિશ્વની સૌથી સમર્થ ઓપનિંગ જોડી ગણાતા જેક હોલ્સ અને રોબર્ટ સરક્લિફને રમવા માટે બોલાવ્યા અને મજાની વાત તો એ છે કે આ અગાઉ જેક હોલ્સે પાંચ વખત ભારતના પ્રવાસે આવવાનો ઇન્કાર કર્યો હતો. એ પછી વિઝ્ઝીએ વેસ્ટ ઇન્ડિઝની મહાન પ્રતિભા સમા લીયરી કોન્સ્ટહાઇનને ભારતમાં ખેલવા બોલાવ્યો હતો. છટાદાર ઓપનિંગ ખેલાડી મુસ્તાક અલી હજી હાઈસ્કૂલમાં ભણતો હતો, ત્યારે એને બોલાવીને વિઝ્ઝીએ બનારસમાં ટ્રેનિંગ આપી હતી. 

આમ ક્રિકેટની રમતમાં ખેલાડી અને એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરનાર વિઝ્ઝીએ પ્રારંભના ભારતીય ક્રિકેટમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. એમની શાહી મહેમાનગતિ માણવા માટે વિદેશી ખેલાડીઓ આતુર રહેતા હતા. વિઝ્ઝીએ પોતાની ટીમ તરફથી ખેલવા માટે વિશ્વના મહાસમર્થ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડોન બ્રેડમેનને નિમંત્રણ આપ્યું હતું, પરંતુ બ્રેડમેને એ સ્વીકાર્યું નહોતું. 

આ સમયે પતિયાળા અને વિઝ્ઝી વચ્ચે સ્પર્ધા ચાલુ રહી. ૧૯૩૦- ૩૧ના પ્રવાસમાં મહારાજા પતિયાળા પછી વિઝ્ઝી ઊભા રહ્યા હતા, પરંતુ મહારાજા પતિયાળા સાથે ભારતના વાઇસરોય લોર્ડ વિલિંગ્ટનના સંબંધોમાં દરાર પડી અને વિઝ્ઝી વાઇસરોયની નજીક પહોંચી ગયા. દિલ્હીમાં ફિરોઝ શાહ કોટલાનું ક્રિકેટ મેદાન તૈયાર થતું હતું, ત્યારે એક પેવેલિયનને લોર્ડ વેલિંગ્ટનનું નામ આપવા માટે વિઝ્ઝીએ મોટું દાન આપ્યું હતું. 

એ પછી વળી એક નવી સ્પર્ધા આ બંને રાજવીઓ વચ્ચે થઈ. ૧૯૩૪માં ભારતની રાષ્ટ્રીય સ્પર્ધા તરીકે રણજી ટ્રોફીનો પ્રારંભ કરવામાં આવ્યો. આ સમયે વિઝ્ઝીએ સુવર્ણમંડિત વેલિંગ્ટન ટ્રોફી આપવાની દરખાસ્ત કરી હતી, પરંતુ એમની સામે પતિયાળાના મહારાજાએ રણજી ટ્રોફી આપી અને એમની દરખાસ્તનો સ્વીકાર થયો. ૧૯૩૨ની ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસ માટે વિઝ્ઝીએ ક્રિકેટ બોર્ડને ચાલીસ હજાર રૂપિયા આપ્યા હતા અને વિઝ્ઝીને ડેપ્યુટી વાઇસ કેપ્ટન બનાવામાં આવ્યા હતા. જોકે સ્વાસ્થ્ય અને ફોર્મ બંને બરાબર ન હોવાથી તેઓ ગયા નહોતા. 

વિઝ્ઝી રાજકારણમાં પાછા પડે તેવા નહોતા. ૧૯૩૬ની ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમના માટે સુકાની તરીકે એમનું નામ જાહેર થયું અને એ સમયના દિગ્ગજ ખેલાડીઓ લાલા અમરનાથ, સી.કે. નાયડુ અને વિજય મરચન્ટે વિઝ્ઝી ખેલાડી અને 

સુકાની તરીકે જરૂરી ક્ષમતા ધરાવતા નથી એમ સ્પષ્ટપણે કહ્યું. પરિણામે ટીમ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. 

વિઝ્ઝીની કારકિર્દીનો ઇતિહાસ તો ઘણો મોટો છે. કોમેન્ટેટર તરીકેના એમના કાર્ય અંગે પણ ભારે ટીકાઓ થતી હતી અને ૧૯૩૦- ૩૧માં મોઈન-ઉદ-દૌલા ગોલ્ડ કપ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો અને એમાં વળી પતિયાળા અને વિઝ્ઝીની રસાકસીભરી સ્પર્ધા જોવા મળી. વિઝ્ઝીની ટીમનું નામ હતું ફ્રીલૂટર્સ અને પતિયાળાની ટીમનું નામ રીટ્રાઈવર્સ. બંનેની ટીમમાં દેશ અને વિદેશના સુપરસ્ટાર ખેલાડીઓ ખેલતા હતા અને એમાં પણ ૧૯૩૪-૩૫ની ગોલ્ડકપ ટુર્નામેન્ટની ફાઈનલ સ્પર્ધામાં તો પંદર હજાર પ્રેક્ષકો જોવા માટે ઉમટયા હતા અને સિકંદરાબાદના જિમખાના ગ્રાઉન્ડ પર પતિયાળાની ટીમે વિઝ્ઝીની ટીમને પરાજય આપ્યો હતો. મહારાજાઓ વચ્ચેની આ સ્પર્ધા ઘણી રોમાંચક બની રહી. એનાથી ભારતીય ક્રિકેટ અને ક્રિકેટરોને સારો એવો લાભ થયો, પણ આજ સુધી ક્યારેય ભારતીય ક્રિકેટમાં પતિયાળા અને વિઝ્ઝી જેવી રાઈવલરી જોવા મળી નથી, એ હકીકત છે.

મનઝરૂખો 

નાટયલેખક, વિવેચક અને વીસમી સદીના અગ્રણી વિચા૨ક જ્યોર્જ બર્નાર્ડ શો (ઈ.સ. ૧૮૫૬થી ઈ.સ. ૧૯૫૦) એમના હાજરજવાબીપણા માટે જાણીતા હતા. ક્યારેક માર્મિક વ્યંગથી એ લોકોને ચમત્કૃત કરી દેતા હતા તો ક્યારેક વિનોદી વાતાવરણ સર્જી દેતા. આને પરિણામે એ સર્વત્ર લોકપ્રિય હતા. એમણે કરેલી ઘણી ૨મૂજો સમાજમાં પ્રચલિત હતી. આથી તેઓ જ્યાં જાય, ત્યાં લોકો એમને ઘેરી વળતા હતા. 

એક વખત જ્યોર્જ બર્નાર્ડ શો કોલેજના કાર્યક્મમાં મુખ્ય અતિથિ તરીકે ગયા. કાર્યક્રમ પૂર્ણ થયો એટલે તરત જ હંમેશની માફક એમના હસ્તાક્ષર લેવા માટે વિદ્યાર્થીઓ ધસી આવ્યા. કેટલાકને હસ્તાક્ષર આપીને જ્યોર્જ બર્નાર્ડ શો માંડ છુટકારો પામ્યા. એવામાં એક યુવાન હસ્તાક્ષરપોથી લઈને ધસી આવ્યો. એણે કહ્યું, ''સર, મને સાહિત્યનો ખૂબ શોખ છે અને મેં તમારાં તમામ નાટકો રસપૂર્વક વાંચ્યાં છે. તમે મારા પ્રિય લેખક છો.''

જ્યોર્જ બર્નાર્ડ શૉએ હળવા સ્મિત સાથે એની ભાવનાનો સ્વીકાર કર્યો. પેલા યુવાને પોતાની વાત આગળ ચલાવતાં કહ્યું, ''હું મારા જીવનમાં હજી સુધી મારી આગવી પહેચાન ઊભી કરી શક્યો નથી. હું કશુંક બનવા માગું છું અને એને માટે શું કરવું જોઈએ, તેનો સંદેશો લખીને તમે હસ્તાક્ષર કરો તો ખૂબ આભાર.'' જ્યોર્જ બર્નાર્ડ શોએ યુવાનની હસ્તાક્ષરપોથી હાથમાં લીધી. પોતાનો સંદેશ લખીને હસ્તાક્ષર કર્યા. યુવાન સંદેશો વાંચીને સ્તબ્ધ બની ગયો. બર્નાર્ડ શૉએ લખ્યું હતું, 

''બીજાના હસ્તાક્ષરો એકઠા કરવામાં પોતાનો સમય બરબાદ કરવાને બદલે બીજા તમારા હસ્તાક્ષર પ્રાપ્ત કરવા માટે આતુર રહે, તે માટે પુરુષાર્થ કરો. આગવી પહેચાન બનાવવા માટે સતત મહેનત કરવી અને સંઘર્ષનો સામનો કરવો જરૂરી છે.'' યુવાને આ સંદેશો વાંચ્યો અને કહ્યું, ''સર, હું આપનો સંદેશો જીવનભર યાદ રાખીશ અને મારી પોતાની એક આગવી પહેચાન ઊભી કરવા માટે પ્રયત્ન કરીશ.'' જ્યોર્જ બર્નાર્ડ શૉએ યુવાનની પીઠ થપથપાવી અને ભવિષ્યની શુભકામના પાઠવી.