Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / વિક્રમ વકીલ : If you want to reduce stress, sleep more!

GSTV શતરંગ: ફાંદ ઘટાડવી હોય તો વધુ ઊંઘો!

Timeછેલ્લું અપડેટ : 17 Dec 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: ફાંદ ઘટાડવી હોય તો વધુ ઊંઘો!
સોર્સ : GSTV

- હરતાં ફરતાં

App Store

- વિક્રમ વકીલ

કોઈ વાર રાત્રે ઊંઘ ન થાય તો કંઈ પેટ ન વધી જાય, પણ હંમેશાં જો રાત્રે ઊંઘ ન આવતી હોય તો આપમેળે પેટ આગળ આવવા લાગે છે. કોલંબિયા યુનિવર્સિટીમાં થયેલા એક અભ્યાસ પરથી જાણી શકાયું છે કે ૧૮ હજાર લોકોની ઊંઘની ટેવને ધ્યાનમાં લેવામાં આવી તો જેઓ રાત્રે ૪ કલાકથી ઓછું ઊંઘે છે તેવા લોકોમાંના ૭૩ ટકા લોકો રાત્રિના ૭થી ૯ કલાકની ઊંઘ લેનારા લોકો કરતાં વધુ મેદસ્વી છે. જેઓ ૬ કલાકની ઊંઘ રાત્રે લે છે તે લોકો પણ ૭થી ૯ કલાકની ઊંઘ લેનારાઓ કરતાં ૨૩ ટકા વધુ મેદસ્વી છે. તો બીજી બાજુ જે લોકો રાત્રે રોજની દસ કલાકની ઊંઘ લે તેઓ ૭થી ૯ કલાકની ઊંઘ લેનારા કરતાં પણ ૧૧ ટકા ઓછા મેદસ્વી છે. તમે પૂરતી ઊંઘ રાત્રે ન લઈ શકો ત્યારે તમારી ભૂખ ઉઘાડતા હોર્મોન વધુ પડતું ખાનારા જેવા બની જાય છે. તમારા લેપ્ટિન (ફેટને રેગ્યુલેટ કરતો હોર્મોન) હોર્મોનનો સ્તર નીચે ઉતરે છે અને તમારા પ્રેલિન (ફેટને સંગ્રહિત કરતો હોર્મોન) હોર્મોન તૂટી પડે છે. તેના કારણે ભૂખ વધી જાય છે. આવાં હોર્મોનલ પરિવર્તનો શરીરની ચયાપચયની ક્રિયાને નુકસાન પહોંચાડનારાં અને શરીરમાં વધુ પડતી ચરબીનો સંગ્રહ કરવાના સંકેત સમાન છે. તાજેતરમાં થયેલા અભ્યાસોએ શોધી કાઢયું છે કે એક તંદુરસ્ત વ્યક્તિ જો રોજ માત્ર ૪થી ૭ કલાક ઊંઘ લે તો તેના લોહીમાં ગ્લુકોઝ અને ઇન્સ્યુલિનનું ઊંચું પ્રમાણ રહે છે અને વજન ઉતારવા મથતા લોકોની પાચનની ક્રિયા માટે આ સ્થિતિ ગંભીર ગણી શકાય, કારણ કે વધારાનું ઇન્સ્યુલિન શરીરને ફેટનો સંગ્રહ કરવા દબાણ કરે છે.

નહીં પળાતો ઇંગ્લેન્ડનો ક્રિસમસ ઍક્ટ

તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લાં ૫૪૨ વર્ષથી ઇંગ્લેન્ડમાં એક કાનૂન હતો કે ક્રિસમસને દિવસે પ્લમ-પુડિંગ એટલે કે પ્લમ નામના ફળમાંથી પુડિંગ ન બનાવી શકાય, તે કાનૂન ૧૯૯૦થી રદ કરાયો છે. આવા જ બીજા ક્રિસમસને લગતા વિચિત્ર કાયદાઓ હતા જેનું પાલન કદી થયું નથી. બીજા એક જૂનો કાનૂન છેક ૧૪૪૮ની સાલથી છે. તે મુજબ નાતાલને દિવસે કોઈ પણ વેપારી પોતાની વેપારની ચીજો પ્રદર્શનમાં મૂકી શકતો નથી, પરંતુ આ કાનૂનને કોઈ પાળતું નથી. ઊલટાનું નાતાલથી લગભગ એક મહિના પહેલાં જ વેપારીઓ તેમના માલનું પ્રદર્શન કરે છે. ક્રિસમસ ઍક્ટ ૧૫૫૧ પ્રમાણે નાતાલને દિવસે ઇંગ્લેન્ડના તમામ નાગરિકોએ (પછી તે ભલે મુસ્લિમ હોય) દેવળમાં જવાનું ફરજિયાત હતું. એ પછી ૧૮૩૧માં એક ધાર્મિક કાનૂન બ્રિટનમાં પસાર થયો તે પ્રમાણે નાતાલને દિવસે કોઈ શિકાર માટે જઈ શકતું નથી કે કોઈ ગંભીર પ્રવૃત્તિ કરી શકતું નથી. જોકે આ કાનૂનનો ગેરલાભ પણ લેવાયો છે. કોઈ દારૂ પીને મોટર ચલાવે તો ગંભીર પ્રવૃત્તિ કરવાના પ્રતિબંધને કારણે પોલીસ તેને પકડી શકતી નથી. ગુનેગારને પકડવો તે પણ ગંભીર પ્રવૃત્તિ, કારણ કે નાતાલને દિવસે કોઈને કોર્ટનો સમન્સ રજૂ કરી શકાતો નથી. નાતાલનું ભોજન લેતા હોય ત્યારે પોલીસ કોઈ વિક્ષેપ પાડી શકતી નથી. નાતાલની ઉજવણી સમાનરૂપે થવી જાઈેએ તેવો 'ઍક્ટ ઑફ યુનિફોર્મિટી' નામનો કાનૂન છે. નાતાલ પહેલાં બ્રિટનના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ફાધર ક્રિસમસ અગર તો સાન્તાક્લૉઝ જેવો વેશ પહેરીને દરવાજે ઊભા રહેવાની નોકરીઓ ખૂબ મળે છે. એક સ્ત્રીએ ફાધર ક્રિસમસ બનવા માટે અરજી કરી પણ તેને નોકરી ન મળતાં તેણે ૪૩૯ વર્ષ જૂના કાનૂન હેઠળ કોર્ટમાં ધા નાખી હતી.

બીજા વિશ્વયુધ્ધ વખતે પેરિસ કઈ રીતે બચ્યું?

ફ્રાંસની વિશેષતા અ છે કે યુરોપીયન સંઘમાં સૌથી વધારે બાળકો પેદા કરવાનો વિક્રમ ફ્રાંસનો છે, પ્રતિ મહિલા ૧.૮૮ બાળકોનો સરેરાશ છે. ફ્રેંચો ઉત્તમ ખોરાક લેતા હોવા છતાં બહુ લાંબું જીવે છે, પુરુષો ૭૬.૭ વર્ષો, અને સ્ત્રીઓ ૮૩.૮ વર્ષોની સરેરાશ છે, જે વિશ્વના સૌથી લાંબું જીવનારા લોકોની સરેરાશ સાથે છે. ફ્રાંસમાં નાના નાનાં ગામો અને નગરોમાં પ્રતિ વર્ષે ૭ કરોડ ૭૦ લાખ પ્રવાસીઓ-પર્યટકો આવે છે, જે જગતભરનો રેકર્ડ છે. એનાથી દેશને કેટલો આર્થિક લાભ થાય છે? ૩૫ બિલીઅન યુરો, એટલે ૨૪ બિલીઅન પાઉંડ! દ્વિતીય વિશ્વયુદ્ધનો અક પ્રખ્યાત કિસ્સો છે. સાથી રાજ્યોની સેનાઓ પેરિસ તરફ ધસી રહી હતી, અને હિટલરે આદેશ છોડયો હતો કે પૂરા પેરિસને આગ લગાવી દો! એ વખતે પેરિસનો જર્મન ગવર્નર હતો, જનરલ ડીટ્રીચ વોન ચોલ્ટ્રીટ્ઝ. હિટલરના ફોન પર ફોન આવતા રહ્યા. પેરિસ સળગી રહ્યું છે? અને આ મહાન જર્મન સેનાપતિ પેરિસની મહાન સંસ્કૃતિ ભૂંસાઈ ન જાય એ માટે હિટલરના હુકમનો અનાદર કરતો રહ્યા, અને અનાદર કર્યો! પેરિસ બચી ગયું. નહીં તો યુરોપનું સૌથી ખૂબસૂરત અને જીવંત નગર ભસ્મ થઈ જાત. અને સાથે સાથે યુરોપીય સંસ્કૃતિનો એક અભિન્ન અંશ પણ ભગ્નાવશેષ થઈ જાત.

પૈસા લૂંટયા લૂંટારાઓએ, ભોગવ્યું બેંકે

ઓસ્ટ્રિયાના વિયાના શહેરની ઓસ્ટ્રિયા ક્રેડિટ બેંકના પોતાના ખાતામાંથી એક સ્ત્રી ૨૦ હજાર પાઉન્ડ લઇને ઘરે જતી હતી. તે બેંકમાંથી નીકળીને માંડ થોડા ફલાંગ ચાલી હશે ત્યાં તો પૂરી તૈયારી સાથે આવેલા સમડી ગેંગના બે સદસ્યો ત્રાટક્યા. ગઠિયાઓએ પ્રથમ તો બાઇની આંખોમાં પેપર સ્પ્રે છાંટયો અને બીજી પળે બાઇના હાથમાંથી ડોલરનું પડીકું પડાવીને ભાગ્યા. ચોર પાછા મળતા હશે? એવું વિચારીને બાઇએ કોર્ટમાં ચોરને બદલે બેંકની વિરુદ્ધ કેસ ઠોકી દીધો. તેણે દલીલ કરતાં કહ્યાં કે કેશિયરે મને આવડી મોટી રકમ છાને ખૂણે આપવાને બદલે બધા માણસોની વચ્ચે આપી તે ગઠિયાઓ જોઈ ગયેલા. 

એટલે પૈસાની ચોરી માટે બેંક જવાબદાર છે. જજને વાત ગળે ઊતરી ગઈ. તેણે સ્ત્રીની તરફેણમાં ચુકાદો આપ્યો અને બેંકે ફરિયાદી સ્ત્રીને ૧૦ હજાર પાઉન્ડ ચૂકવવા અવો આદેશ આપ્યો.

સૌથી જૂનો રોગ, માથાનો દુઃખાવો : સુમેરિયન કવિઓએ શિરદર્દ વિશે કવિતાઓ પણ લખી છે

સંશોધકોએ જોયું કે જગતનો સૌથી જૂનો અને હેરાન કરનારો રોગ હોય તો માથાનો દુખાવો છે. સુમેરિયન કવિઓએ માથાના દુખાવા વિષે કવિતાઓ લખી છે. એક કવિએ તો લખેલુ કે માથાનો દુખાવો માણસને છતી આંખે આંધળો બનાવી દે છે. મહાન ફિલસૂફ અરિસ્ટોટલે પણ માથાના દુખાવા વિષે નિબંધ લખ્યો છે. પ્રમુખ જહૉન કાલ્વીન, ક્વીન મેરી ટયુડર, ફ્રેન્ચના રાજાની રાણી મડમ પૉમ્પાદોર, સંત પાલ, જુલિયસ સીઝર, લીઓ ટૉલસ્ટૉય, ચાર્લ્સ ડિકન્સ, પ્રમુખ જેફરસન, ચાર્લ્સ ડાર્વિન, ફ્રોઇડ વગેરે માથાના દુખાવાના વી.આઇ.પી. દર્દીઓ હતા.