Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ : True charity is meaningful charity!

GSTV શતરંગ: સાચું દાન એ સાર્થક દાન છે!

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: સાચું દાન એ સાર્થક દાન છે!
સોર્સ : GSTV

- ઝાકળ બન્યું મોતી

App Store

- કુમારપાળ દેસાઈ

ઉપદેશ સમાપ્ત થતાં સાધકો સ્વામીજીને ઘેરી વળ્યા. કોઈ સાધક પોતાની સાધના પ્રક્રિયામાં આવતાં અવરોધક પરિબળો વિશે પ્રશ્ન પૂછતો હતો, તો કોઈ સામાન્ય માનવી જીવનમાં કરેલી ભૂલનું પ્રાયશ્ચિત ચાહતો હતો. એવામાં ગામના નગરશેઠ આવ્યા. સ્વામીજીને પ્રણામ કર્યા અને એમનાં ચરણોમાં ધન અને શાલ મૂક્યા. સ્વામીજીએ એ ગ્રહણ કરવાને બદલે નજીકમાં સફાઈ કરતા કામદારને બોલાવીને કહ્યું,

'ભાઈ, તારી દીકરીના વિવાહ છે ને ! એ માટે તારે ધન અને શાલ જોઈશે ને ?'

સફાઈ કામદારે કહ્યું, 'હા સ્વામીજી, મને રાત-દિવસ એની જ ચિંતા સતાવે છે. લગ્ન તો લીધા છે, પણ ધન અને શાલ ક્યાંથી લાવીશ ?'

સ્વામીજીએ હસતા હસતા કહ્યું, 'અરે ભાઈ ! દુનિયામાં જેમ જરૂર છે, તેમ જરૂરિયાત પૂરી પાડનારા પણ છે. જો, આ શેઠ તારી પુત્રીના વિવાહને માટે શાલ અને સંપત્તિ લાવ્યા છે. તારી દીકરીના લગ્ન નિમિત્તે શેઠ તરફથી મળેલી આ ભેટ માનજે.'

સફાઈ કામદારના આનંદનો પાર ન રહ્યો. એણે આવી મદદની કલ્પના કરી નહોતી. એના મન પરથી એકાએક ચિંતાનો બોજ દૂર થયો. સ્વામીજીને પ્રણામ કર્યા. આભારવશ બનીને શેઠને દુઆ દેવા લાગ્યો.

નગરશેઠ હજી આશ્ચર્યમાં જ ડૂબેલા હતા. એમને થયું કે પોતે આ ભેટ તો સ્વામીજીને માટે લાવ્યા હતા અને એમણે તો બારોબાર સફાઈ કર્મીને આપી દીધી.

સ્વામીજી શેઠની મૂંઝવણ કળી ગયા અને બોલ્યા, 'શેઠજી, તમારા મનની વાત હું જાણું છું. જે બન્યું એનાથી તમે વિક્ષુધ્ધ થઈ ગયા છો, પરંતુ એનું રહસ્ય એ છે કે એ વ્યક્તિને શાલ અને સંપત્તિ આપવા જોઈએ, જેને ખરેખરી જરૂર હોય. આવા દાનને જ સાર્થક દાન કહી શકાય.'

નગરશેઠે કહ્યું,'સ્વામીજી, આજ સુધી દાનની ખબર હતી, પણ સાર્થક દાનનો ખ્યાલ નહોતો. આજે ખબર પડી કે દાન કયારે સાર્થક ગણાય.'

સ્વામીજીએ કહ્યું, 'જરા વિચાર તો કરો, એ વ્યક્તિ લગ્નમાં તમારા ધનનો ઉપયોગ કરશે અને એની પુત્રી શાલ ઓઢશે ત્યારે તમને કેટલા બધા આશીર્વાદ મળશે ! કેટલો મોટો પુણ્યલાભ મળશે ! સેવા કે દાન કરવું હોય તો જરૂરિયાતવાળા લોકોની સેવા કરો. એમને દાન કરો. આ જ સાચું દાન અને સાચી સેવા છે.'

સામાન્ય રીતે દાનની બાબતમાં સુપાત્ર દાનનો વિચાર કરવામાં આવે છે, પણ સાર્થક દાન વિશે બહુ ઓછા વિચારતા હોય છે. દાન એવી વ્યક્તિને આપવું જોઈએ કે જેને ખરેખર જરૂર હોય. જે દાનથી એના જીવનની વિટંબણા ઓછી થતી હોય. આજે તો દાન માત્ર કીર્તિ માટે અપાય છે. ક્યાંક રૂઢિને કારણે અપાય છે, પરંતુ સાચુ દાન તો સાર્થક દાન હોવું જોઈએ.