Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ડૉ. ચંદ્રકાંત મહેતા : Why can't today's people become pure, virtuous, and excellent human beings?

GSTV શતરંગ: આજનો માણસ શુધ્ધ, સાત્વિક અને ઉત્તમ માનવી કેમ બની શક્તો નથી?

Timeછેલ્લું અપડેટ : 01 Oct 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: આજનો માણસ શુધ્ધ, સાત્વિક અને ઉત્તમ માનવી કેમ બની શક્તો નથી?
સોર્સ : GSTV

- ગુફતેગો

App Store

- ડો.ચંદ્રકાન્ત મહેતા

- જીવનને રૂપાળું 'વન' બનાવવાને બદલે માણસે તેને 'જંગલ' બનાવી દીધું છે. માટે આપણને 'માણસો' તો મળે છે પણ 'માણસ' પામવામાં નિરાશા સાંપડે છે.

'માણસો' તો જોઇએ તેટલા મળે, પણ જોઇએ તેવા 'માણસો' ભાગ્યે જ મળે - આમ કેમ ?

પ્રશ્નકર્તા : કે.એન.રાજદેવ, દેવનંદન રેસિડેન્સી, રતનપર, સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર)

પ રમાત્માની લીલા જેવું આ વિશાળ વિશ્વ એમાં વસે છે, ભારતના ૧૪૮ કરોડ માનવીઓ. ૨૦૨૪ના આંકડા મુજબ વિશ્વની વસ્તી ૮૧૪ અબજ, ૨૧ કરોડ છે.

માનવજાતિનો આદી પિતા મનુ. મનુના પુત્ર માટે માનવ, મનન કરવાની શક્તિ માટે માનવ. હિન્દીમાં જયશંકર પ્રસાદે 'કામાયની' નામનું મહાકાવ્ય રચ્યું છે તેમાં શ્રદ્ધા માટે 'કામાયની' અને બુધ્ધિ માટે 'ઇડા' શબ્દ વાપર્યો છે.

માણસની જન્મદાત્રી માતા કામાયની અને પાલક માતા ઇડા એટલે કે બુધ્ધિ. માણસ આ બન્નેમાં મુંઝાએલો રહે છે. ક્યારેક એ અતિ શ્રદ્ધાવાન બની જાય છે. તો ક્યોરક બુધ્ધિપ્રધાન. અંતે માણસ એ નિષ્કર્ષ પર પહોંચે છે કે 'હું માનવી, માનવ થાઉં તો ઘણું. માનવ, દાનવ અને દેવ એ ત્રણેયમાં માનવને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. કર્મની ફિલ્સૂફી મુજબ પૂર્વ જન્મનાં સંચિત કર્મો પૈકી અમુક સારો નરસો ભાગ જેને આપણે પ્રારબ્ધ કે ભાગ્ય કહીએ છીએ તે માણસે ભોગવવો પડે છે. કર્મનો આ સિદ્ધાંત માણસને ડરાવવા માટે નહીં, પણ આત્મદર્શન કરાવવા માટે છે. મનુષ્યત્વથી ઊંચું જીવન જીવી તમે દુર્ગુણોથી દૂર રહો અને સદ્ગુણોની સતત વૃધ્ધિ કરો એટલે દેવત્વની દિશામાં તમારી યાત્રા શરૂ થાય. 'માનવ થાઉં તો ઘણું' (લે. બહાદુરશા પંડિત)ની પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ પૂ.શ્રી માતાજીના શબ્દો ટાંકતાં કહેવામાં આવ્યું છે કે ધ્યેય વગરનું જીવન હંમેશાં દુઃખપૂર્ણ છે. મનુષ્યે પહેલાં ઉચિત મનુષ્યત્વ પ્રાપ્ત કરવાનું છે. ચાર્લ્સ નોર્ટનના માતાનુસાર ઉપયોગી કામ કરવું, હિંમતથી સત્ય વસ્તુ કહેવી અને સુંદર વસ્તુનું ચિંતન કરવું - માણસ એક જિંદગીમાં આટલું કરી શકે તો ઘણું છે.

પણ મનુષ્ય આટલું કરી શક્તો નથી. કારણ કે એણે માત્ર ઐહિક સુખો તરફ નજર રાખવી છે અને એનો ભાર લાગે ત્યારે પરમ શક્તિનું સ્મરણ કરવું છે. સાધના વગર સિધ્ધિની તરસ એ માનવ જીવનની સૌથી મોટી નબળાઈ છે.

'ફરિશ્તે સે બહેતર હૈ,

ઇન્સાન બનના,

મગર ઇસ મેં પડતી હૈ,

મેહનત જિયાદા'

આજનો માણસ 'સાચો' અને ઉત્તમ માણસ કેમ બની શક્તો નથી ? કારણો અગણિત છે. જેમ કે :

સ્વાર્થ, બુધ્ધિની ભ્રષ્ટતા, અંતઃકરણની નિર્મળતાનો અભાવ.

ભોગવૃત્તિ, વાસનાઓની શરણાગતિ અને વિલાસમાં રાચવાની મનોવૃત્તિ

કામ, ક્રોધ, મદ, મોહ વગેરે ષડ્રિપુની શરણાગતિ, ભૌતિક સુખોને મહત્વ આપવાની મનોવૃત્તિ.

સ્પષ્ટ જીવનદર્શનનો અભાવ, દંભ, અહંકાર અને વેરવૃત્તિ તથા હિંસામાં રાચવાની વૃત્તિ.

ઉપદેશ સાંભળવાનો પ્રયત્ન પણ તેને જીવનમાં નહીં ઉતારવાનો પ્રમાદ.

કાયદાની અને ભગવાનની ઓછી થતી બીક અને બેફામ જીવન.

ભૌતિક સુખોનું આકર્ષણ, ધન અને સત્તાનું આકર્ષણ.

સ્વભાવમાં તામસિકતાને પ્રધાનતા, રાજસિકતાની ઉપાસના અને સાત્વિકતાની ઉપેક્ષા.

માણસનું વિશ્લેષણ કરતાં કવિ-લેખક નરેશ મહેતાએ કહ્યું છે -

'સત્ય દો,

સંકલ્પ દો,

દો - દો આસ્થાએ,

વ્યક્તિ મેં એક

બેઇમાન વ્યક્તિ

પેદા હો ગયા હૈ,

ઔર ઉસ બેઇમાનમેં

ન જાને કિતને બે-ઇમાન હૈ.'

જીવનને રૂપાળું વન બનાવવાને બદલે માણસે અંધ સુખભક્તિને વશ થઇ 'જંગલ' બનાવી દીધું છે માટે આપણે ઇચ્છીએ તેવો સજ્જન, પવિત્ર અને માનવતાવાદી માનવી શોધ્યો જડતો નથી.

ગોપાલદાસે 'નીરજ' પોતાની એક કવિતામાં આજના જગતનું યથાર્થ વર્ણન કરતાં ગાયું છે

'બિકાબિકી સબ ઓર

મચી હૈ, આને ઔર દો આનોં પર

અસ્મત બિકે દો

રાહો પર

પ્યાર બિકે દુકાનોં પર

ભગવાનોં કી બસ્તીમેં

હૈ, જૂલ્મ બહુત ઇન્સાનોં પર

તો એનો ઉપાય શો ? કવિ નીરજ સૂચવે છે -'

'ખિડકી હર ખુલવાતા ચલ

સાંકલ હર કરવાતા ચલ,

ઇસ પર ઉજિયારા ન હો તો,

દિલકા દિયા જલાતા ચલ'

દિલમાં દીવો નહીં પ્રગટાવવાની દાનતે જ માણસમાં પશુવૃત્તિને જીવતી રહેવા દીધી છે. આપણે એટલી જ આશા રાખી શકીએ કે

'પ્રભુ, અમને આપો એવા પવિત્ર કર્મયોગી અને માનવતાવાદી માણસો જેમને લોભ લાલચ સ્પર્શે નહીં, મેરુ પણ ચળે, પણ જેનાં મનડાં ચળે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડજી'.