Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / રાજેશ વ્યાસ 'મિસ્કિન' : It's holiday now, my dear, our night is over...

GSTV શતરંગ: રજા ત્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી...

Timeછેલ્લું અપડેટ : 01 Oct 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: રજા ત્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી...
સોર્સ : GSTV

- શબ્દ સૂરને મેળે

App Store

- રાજેશ વ્યાસ 'મિસ્કીન'

જશે, ચાલી જશે, ગઈ, 

એ વિચારે રાત ચાલી ગઈ,

ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ ?

તમે જ્યાં આંખ મીંચી કે બધે અંધકાર ફેલાયો,

તમે જોયું અને એક જ ઈશારે રાત ચાલી ગઈ.

હજી તારાની સાથે જ્યોત્સ્નાની વાત કરતો'તો

હજી સાંજે તો આવી'તી સવારે રાત ચાલી ગઈ.

જુઓ રંગભેદથી બે નારીઓ ના રહી શકી સાથે,

ઉષા આવી તો શરમાઈ સવારે રાત ચાલી ગઈ.

તમારા સમ 'અમીન' ઊંઘી શક્યો ના રાતભર આજે,

પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ.

- 'અમીન' આઝાદ

શૂન્ય પાલનપૂરીએ ગઝલના સંદર્ભમાં 'અરૂઝ' નામનું એક અમૂલ્ય પુસ્તક લખ્યું છે. તેમાં ગઝલના શેરમાં વિચાર સૌન્દર્ય પ્રગટાવવા માટે ક્યાં પાંચ ગુણો મહત્વના છે તેની ચર્ચા કરી છે. ગઝલના શેરમાં સચ્ચાઈ, સરળતા, સંસ્કારિતા, ઊંડાણ અને ચોટ હોવા જોઈએ. વિચારની સચ્ચાઇના ઉદાહરણમાં તેમણે જલન માતરીનો એક શેર મૂક્યો છે.

કૈં એવું મસ્ત દિલ હતું 

નિજ વેદના મહીં,

વીતી ગઈ છે રાત સવારે 

ખબર પડી.

માત્ર સુખ વખતે જ નહીં, દુઃખમાં પણ સમયનો ખ્યાલ નથી રહેતો. તમે જેમાં ડૂબી જાવ એમાં જો ખરા હૃદયથી ડૂબી ગયા હો તો સમયનો ખ્યાલ નથી રહેતો. ક્યારેક એક માળા પૂરી કરતા પણ કેટલોય સમય ગયો હોય તેવું લાગે અને ક્યારેક થોડાક સમયમાં કેટલીયે માળાઓ થઈ ગઈ એમ લાગે. સમયને મન સાથે સંબંધ છે. ક્યારેક પ્રિય વ્યક્તિની સાથે વાત કરવામાં, એને મળવામાં એવા ડૂબી જવાય છે કે કેટલા સમયથી પાણી પણ નથી પીધું એનો ખ્યાલ જ નથી રહેતો.

'રાત ચાલી ગઈ' અમીન આઝાદની એવી સુંદર ગઝલ છે કે એક જમાનામાં આ ગઝલ તેમણે મુશાયરો પૂરો થતો હોય ત્યારે રજૂ કરવી જ પડે. આ ગઝલના ભાવવિશ્વમાં ડોકિયું કરીએ. રાત પડી હોય હજુ તો માંડ ૯-૧૦ વાગ્યા હોય પછી વિચારીએ કે આ રાત ક્યારે પૂરી થશે ? પછી પાછું ઘડિયાળ સામેય જોઈ લેતા હોઈએ, સવાર થવાને હજુ કેટલા કલાકની વાર છે એ પણ વિચારતા હોઈએ અને આવા વિચારોમાં ને વિચારોમાં મનોમન ગોઠડી કરવા મંડીએ. ખબર જ ન રહે કે ક્યારે રાત પૂરી થઈ ગઈ અને સવાર પડતી જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે હજુ હમણા તો રાત પડી'તી ત્યાં સવાર પડી ગઈ. કવિએ સરળ શબ્દોમાં એવા સુંદર ચિત્રો આપ્યા છે કે આપણને પણ થાય કે આવું તો આપણે પણ અનુભવ્યું છે.

કવિએ જુદા-જુદા શેરમાં કેવી સરસ કલ્પનાઓ કરી છે ? પ્રિય પાત્રએ જરા આંખ મીંચી લીધી અને આ પૃથ્વી ઉપર અંધારૂ થઈ ગયું. સ્હેજ આંખ ઉઘાડી અને જ્યાં જોયું ત્યાં તો એક જ ઈશારે રાત ચાલી ગઈ. અરે હજુ હમણાં તો આકાશના તારાઓની સાથે ચાંદનીને વાત કરતા હતા, હજુ હમણાં તો સાંજ પડી'તી અને રાત પૂરીએ થઈ ગઈ ! ગઝલના ચોથા શેરમાં ઉષા અને નિશા બંને સ્ત્રીઓ ઈર્ષ્યાને કારણે સાથે ન રહી શકી એ વાત કરી છે. જેવી ઉષા આવી કે નિશા ચાલી ગઈ. સમગ્ર ગઝલમાં ખરેખર તો આખી રાત ઉંઘ નથી આવી, જુદી-જુદી કલ્પનાઓ કરી છે. અને એ કલ્પનાઓના સહારે રાત પૂરી થઈ છે એ વાત કરવામાં આવી છે. પરંતુ એક-એક પળ ગણી ગણીને વિતાવી હોવા છતાં જાણે રાત એક ઝબકારે ચાલી ગઈ હોય એ વાત કરવામાં આવી છે.

વર્ષો પહેલા નાથાલાલ દવેની 'રાત થઈ પૂરી' નઝમ વાંચેલી. આ નઝમમાં આવતો મિસ્કીન શબ્દ ગમી ગયેલો અને મેં મિસ્કીન તખલ્લુસ રાખેલું. સતત વણઝારા રૂપે જીવતો એક પ્રવાસી એક રાત પૂરતો પ્રિય પાત્ર પાસે અટકે છે એ નૃત્યની મહેફિલ પણ હોઈ શકે. રાત ક્યાં પૂરી થઈ ગઈ એ ખબર ન પડી. રાત્રિના જામમાં તારાઓ હજુ તરતા હતા. પણ પછી તો બધુંય ડૂબી ગયું એ રાત્રીના જામમાં. અને એ જામમાં ચંદ્ર પણ ડૂબી ગયો. હવે એ પ્રિય પાત્રનો કંઠ પણ ગાતા-ગાતા થાકી ગયો છે, ગીત પણ થંભી ગયા છે અને એ ક્ષણે પેલો ચિરંતન પ્રવાસી પ્રિય પાત્રને કહે છે... રજા ત્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી.

સવારે ચાલ્યા જવાનું છે એ ખબર હતી એટલે જ એક રાત પૂરતી જ મહોબત માંગી હતી. આ શ્વાસોની વણઝાર તો ઉપડી છે બસ હવે છેલ્લી પ્યાલી ભરી લઈએ. આમ જુદી-જુદી વાત કરતા-કરતા એ પણ જણાવી દીધું છે કે અમે જ્યાં જઈશું ત્યાં તમારા પગની હિના, હોઠની લાલી, દેહમાંથી આવતી ખુશ્બૂ કશું જ નહીં હોય. કોઈ શરબત નહીં હોય, કોઈ મહેફિલ કે લિજ્જત નહીં હોય. આપણા રસ્તાઓ જુદા છે છતાં હૃદયમાં દર્દ 

કેમ થાય છે ? તમારા ગીતમાં ડૂબી જઈને મારું હૃદય પણ ગાતું થઈ ગયું છે પ્રિયે. હવે રજા આપો. વિદાયની આ નઝમ વાંચીએ.

અમારી રાત થઈ પૂરી

રજા ત્યારે હવે દિલબર ! અમારી રાત થઈ પૂરી,

મશાલો સાવ બૂઝી, તેલ ખૂટયું વાત થઈ પૂરી,

અમારી રાત થઈ પૂરી.

ભરાયો જામ રાત્રિનો, ઉપર તરતા હતા તારા,

ગયા ડૂબી બધા, ડૂબ્યો વળી મહેતાબ આસ્માને,

તમારો કંઠ થાક્યો, ગાન થંભ્યું, વાત થઈ પૂરી,

અમારી વાત થઈ પૂરી.

અનેરી એક રાત્રિની અમે માગી હતી મહોબત,

સવારે તો જવાનું હા ! હવે વાગી રહી નોબત,

અમારી ઊપડી વણજાર, હારો ઊંટની ચાલી,

અને છેલ્લી હવે પ્યાલી.

હવે છેલ્લી ચૂમી ને ભૂલવી બેહિસ્તની ઝાંખી,

તમારા પેરની હિના, ગુલાબી ઓઠની લાલી,

ભૂલી જાવી બદન કેરી અહા ! અણમોલ કસ્તૂરી,

અમી ખુશ્બો અને સુરખી તમારી આંખની ભૂરી,

અમારી રાત થઈ પૂરી.

જુઓ મસ્જિદ મિનારે એ ઝલક આફતાબની આવી,

પુકારે બાંગ મુલ્લા મસ્ત રાત્રે વાત થઈ પૂરી,

અમારી રાત થઈ પૂરી.

અમે જઈશું ત્યહાં દિલબર ! નહિ સાકી, નહિ શરબત,

ન આ ઝુલ્ફો તણી ખુશ્બો, નહિ મહેફિલ, નહિ લિજ્જત,

અમે મિસ્કીન મુસાફર - ગાનના શોખીન - નહિ ઇજ્જત,

અમારા રાહ જુદા ને છતાં આ દર્દ કાં થાતું ?

તમારા ગાનમાં ડૂબી જિગર મારું થયું ગાતું.

અને વાત આ થઈ પૂરી.

રજા ત્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી.