શતરંગ / સુરતાની વાડીનો મીઠો મોરલો: કવિ કલાપી
- શબ્દ ઝણકાર કવિ કાન્તે કેવી સરસ વિશેષતા આપી છે: “સુરતાની વાડીનો મીઠો મોરલો.” આ મ

- શબ્દ ઝણકાર
કવિ કાન્તે કેવી સરસ વિશેષતા આપી છે: “સુરતાની વાડીનો મીઠો મોરલો.” આ મીઠો મોરલો કહો કે, મુનશી કથિત “પ્રણય અને અશ્રુના કવિ.” કે કહો “ગુજરાતના વર્ડ્સવર્થ” કે પછી “ગુજરાતના ઓમાર ખય્યામ” કંઈ કેટલીક ઉપમાઓથી નવાજેલાં અને વિખ્યાત થયેલા એવા આપણા રાજવી કવિ કલાપી.
9મી જૂન, એટલે ગુજરાતના રાજવી કવિની પુણ્યતિથિ. આ રાજવી કવિ એટલે બીજું કોઈ નહીં, અમરેલીના કવિ કલાપી. કવિ કલાપી એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. કવિ કલાપીને ત્રણ પત્નીઓ હતી: પ્રથમ રમાબા (રાજબા) જે કચ્છના રાજકુંવરી હતા, બીજા પત્ની આનંદીબા (કેસરબા) જે કોટડાના રાજકુંવરી અને ત્રીજા પત્ની શોભનાબા જે રમાબા સાથે આવેલ દાસી હતા જેનું બીજું નામ મોંઘી હતું. કવિ કલાપી ખુબ નિર્મળ અને સ્નેહી વ્યક્તિત્વ હતા.
ગુજરાતી સાહિત્યમાં તેમનું માતબર પ્રદાન છે અને ખાસ તો તેઓ પ્રણય કાવ્યો માટે જાણીતા છે. ગુજરાતી કવિતાના સર્વાધિક લોકપ્રિય કવિઓમાં એક છે. કવિ કલાપીનું યુવા વયે અવસાન થયું છતાં તેમની કૃતિઓ ચિરંજીવ બની રહી. કવિ કલાપી મૂળ તો પ્રણયના કવિ છે એમ કહીએ તો જરા બેમત નથી. :
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
કવિ કલાપી એ જીવનમાં ખૂબ સંઘર્ષ, વિરહ વેઠ્યા છે અને તેમના આજ જીવનરૂપી યાત્રામાંથી નિપજતાં કાવ્યો “એક ઘા”, “આપની યાદી” તેમજ “ગ્રામ્ય માતા” હજુ પણ બધાને યાદ છે. સુખ્યાત ખંડકાવ્ય “ગ્રામ માતા”ની આ પંક્તિ જુઓ :
“રસહીન ધરા થઈ છે, ધ્યાન હીન થયો નૃપ; નહિ તો ના બને આવું, બોલી માતા રડી રહી.”
રાજવી કવિ કલાપીએ ગદ્ય લેખન, પ્રવાસ વર્ણન, ડાયરી, અનુવાદ, આત્મકથન તેમજ પત્રરૂપે કર્યું છે. કવિ કલાપીના નામે “કલાપી પુરસ્કાર” જે ગુજરાતી ગઝલકારોને અપાતો વાર્ષિક પુરસ્કાર છે. કવિ કલાપીના સાહિત્ય સર્જન ઉપરાંત, એમનું અંગત જીવન પણ ચર્ચામાં રહ્યું છે. પણ સાચા ભાવક માટે જરૂરી છે કવિ અને કવિની કવિતા. વાત કરીએ એમનાં પ્રણય ત્રિકોણની, તો કલાપીએ નાનપણમાં જ મોટાભાઈને ખોયાં અને 14 વર્ષની વયે માતાને પણ ખોયાં. જેનાં કારણે તેઓ અંતર્મુખી થયા. તેના મનમાં વૈરાગ્ય લઈ લેવાનો વિચાર પણ ક્યારેક આવતા પણ ત્યારે જ પ્રવેશ થાય છે તેમના જીવનમાં રમાબાનો. વૈરાગ્યનો સ્થાન હવે પ્રેમમાં બદલાયો. 1લી ડિસેમ્બર, 1889ના એક સાથે એક જ દિવસે બે કન્યાઓ સાથે લગ્ન થયાં. ક્ષત્રિય પરંપરા પ્રમાણે કચ્છના રોહા ના કુંવરી રાજબા જેમના રૂપ અને ચાતુર્યથી આકર્ષાયા હતા. અને બીજા, કોટડા સાંગાણીનાં કુંવરી કેસરબા ખાંડા. રાજકોટની કોલેજમાં અભ્યાસ ચાલુ હતો ત્યારે તેમના લગ્ન થયા. તેઓ અક્સર પત્નીના પ્રેમમાં પત્રો અને કાવ્યો લખતા અને ત્યારથી આ પ્રણય ત્રિકોણનો ત્રીજો ખૂણો મળે છે. અને આ ત્રીજો પ્રણય ખૂણો એટલે મોંઘી. રમાબા કચ્છથી પરણીને આવ્યા તે સમયની પરંપરા પ્રમાણે મોંઘી નામની 6-7 વર્ષની દાસી પણ તેમના સાથે આવી હતી. “કલાપીના કેકારવ”માં કથિત, ‘માત્ર પાંચ મિનિટની મુલાકાતમાં સોળેક વર્ષના કલાપીને માધુર્યની મૂર્તિ સમાન રમાબાની દાસી મોંઘી પ્રત્યે વાત્સલ્ય ભાવ જાગ્યો.’ એમને રમાબા અને મોંઘી સાથેનો પ્રેમભાવ પોતાના કાવ્યમાં પણ અર્પિત કર્યો છે:
“તુને ન ચાહું, ન બન્યું કદી એ,તેને ન ચાહું, ન બને કદી એ;
ચાહું છું તો ચાહીશ બેવને હું, ચાહું નહીં તો નવ કોઈને હું.”
કેટલો નિર્મળ સ્નેહ! કવિ કલાપીએ પોતાના પ્રેમની કબૂલાત એમનાં પત્રો દ્વારા, સર્જન દ્વારા કરી છે:
“મોંઘી, મારુ હૃદય સાથે લેતી ગઈ, વાત્સલ્ય શું છે? એ હું પહેલી વખત સમજ્યો. લગ્ને મને બે સ્ત્રીઓ આપી પણ આણંદી સાથેનું અંતર હંમેશા અકબંધ જ રહ્યું, ને રમાના દિલને હું સમજી જ ન શક્યો, એની આ દાસીમાં કોણ જાણે શું હતું.”
એમની બીજી ચિરંજીવી કૃતિ એ એમની ગઝલ : “જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની….”
કવિ કલાપીની પુણ્યતિથિ નમન રૂપે એમની જ પંક્તિ અર્પણ :
“એક જ રંગ નિભાવવો નિત્યે,
નવરંગી નવ થાવું.”
- પાયલ અંતાણી








