Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / રાજેશ વ્યાસ 'મિસ્કિન' : The sweet of happiness, the bitter of sorrow, all thirst for happiness

GSTV શતરંગ / સુખના સુખડ, દુ:ખના બાવળ,બધાંય સુખના તરસ્યા

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ / સુખના સુખડ, દુ:ખના બાવળ,બધાંય સુખના તરસ્યા
સોર્સ : GSTV

- શબ્દ સૂરને મેળે

App Store

સુખડ અને બાવળ

સુખનાં સુખડ જલે રે

મારા મનવા!

દુ:ખનાં બાવળ બળે -

બળે રે જી... દુ:ખનાં બાવળ બળે.

સુખડ જલે ને થાય ભસમની ઢગલી ને

બાવળના કોયલા પડે -

મારા મનવા!

તરસ્યા ટોળે વળે.

વળે રે જી... દુ:ખનાં બાવળ બળે.

કોઈનું સુખ ખટરસનું ભોજન,

કોઈ મગન ઉપવાસે.

કોઈનું સુખ આ દુનિયાદારી,

કોઈ મગન સંન્યાસે,

રે મનવા!

કોઈ મગન સંન્યાસે,

સુખનાં સાધન ને આરાધન

લખ ચકરાવે ચડે...

ચડે રે જી... તરસ્યા ટોળે વળે.

કોઈ પરમારથમાં સુખ શોધે,

કોઈ પરદુ:ખે સુખિયા :

ભગત કરે ભગતીનો ઓછવ,

કોઈ મંદિરના મુખિયા,

રે મનવા!

કોઈ મંદિરના મુખિયા :

સમદુખિયાંનો શંભુમેળો

ભવમાં ભેગો મળે,

મળે રે જી... લખ ચકરાવે ચડે.

રંગવિલાસી ભોગી દીઠા,

જોગી બ્રહ્મવિલાસી :

પામર સુખ, અજરામર સુખના

સહુને દીઠા પ્યાસી,

રે મનવા!

સહુને દીઠા પ્યાસી,

બધા ઝઝૂમે -

બધા ઝઝૂમે ઝંખી-ડંખી

સળગે કે ઝળહળે,

હળે રે જી... ભવમાં ભેગા મળે.

સુખનાં સુખડ જલે રે

મારા મનવા!

દુ:ખનાં બાવળ બળે.

- વેણીભાઈ પુરોહિત

સુખ અને દુ:ખ એ એક જ સિક્કાની બે બાજુ છે. કોઈ એવું નહીં હોય જેના જીવનમાં દુ:ખ નહીં હોય અને કોઈ એવું નહીં હોય જેના જીવનમાં સુખ નહીં હોય. પણ જાણે પારકે ભાણે લાડુ મોટો લાગે છે. બધાં જ સુખની પાછળ દોડી રહ્યા છે. માત્ર દરેકના સુખનો પ્રકાર અલગ છે. વેણીભાઈ પુરોહિતની આ કવિતાનું શિર્ષક છે સુખડ અને બાવળ. સુખડ સૌને ગમે બાવળ કોઈને ન ગમે. સુખડ ખૂબ મોંઘું. સુખડની સરખામણીમાં બાવળ સરળતાથી મળી જાય. સુખડની મીઠ્ઠી સુગંધ આકર્ષે. બાવળની શૂળ જરાકેય કાળજી ન રાખો તો વાગી જાય. ચંદનના ઝાડ છાંયડો આપે. બાવળનો છાંયડો પણ ન હોવા બરાબર જ સુખડ અને બાવળ બે નામે સાથે બોલીએ એની સાથે જ આવા આવા તો અનેક વિચાર એક સાથે આવી જાય. પણ, ના આ કવિતામાં શરૂઆત જ આપણા સુખડ અને બાવળના સંદર્ભોને ધડ-મૂળથી બદલી નાંખે એ રીતે કરવામાં આવી છે. લાકડુ તો લાકડું છે. એ સુખડનું હોય કે બાવળનું.

સુખના સુખડ જલી રહ્યા છે અને દુ:ખના બાવળ બળી રહ્યા છે. સુખડ કિંમતી છે એટલે જલી રહ્યા એમ વાત કરી છે અને બાવળ સરળતાથી મળે છે એટલે બળી રહ્યા એમ લખ્યું છે. પણ હકિકતમાં તો સુખડ અને બાવળ બંનેના ભાગ્યમાં તો બળવાનું જ છે. પણ, હા બળી ગયા પછી પણ દુ:ખનું મૂલ્ય વધારે છે. દુ:ખની ઉપયોગિતા વધારે છે. સુખડ બળી જાય પછી માત્ર રાખની ઢગલી રહી જાય છે. જ્યારે બાવળ બળી જાય પછી બાવળમાંથી કોલસા પડતા હોય છે. હે મારા મન દુ:ખ કિંમતી છે.

સુખ અને દુ:ખ વિશે દરેકના મનમાં જુદા-જુદા ખયાલ હોય છે, જુદી-જુદી વ્યાખ્યા હોય છે. કોઈને ભાવતા બત્રીસે પકવાન મળી જાય અને પોતે સુખી છે એનો અનુભવ કરે. કોઈ ઉપવાસ કરે, પેટમાં અન્નનો દાણો પણ ન નાંખે અને પરમ પ્રસન્નતા અનુભવે. કોઈ આ દુનિયાદારીને સુખ ગણે અને કોઈ આ દુનિયાથી અળગા રહીને સન્યાસમાં સુખ માને. સુખ મેળવવાના જે-જે સાધનો છે, જે-જે આરાધનાઓ છે એણે જ જાણે લક્ષ-ચોર્યાસી જન્મોના ચક્કરો જાણે ઊભા કર્યા છે.

કોઈ પરમાર્થમાં સુખ શોધી રહ્યા છે અને કોઈ બીજાને દુ:ખ દઈને સુખનો અનુભવ કરે છે. ભક્તોને ભક્તિનો ઉત્સવ છે અને કોઈ ભક્ત નહીં, એ ભક્ત અને ભગવાનની વચ્ચેના મુખિયા બનીને સુખનો અનુભવ કરે છે. આ આખો સંસાર તો સમદુ:ખિયાઓનો શંભુમેળો છે. કોઈ વધારે સુખી નથી અને કોઈ ઓછું દુ:ખી નથી. કંઈક ભોગી રંગવિલાસમાં સુખ પ્રાપ્તિ કરી રહ્યા છે. કંઈક જોગી બ્રહ્મવિલાસ કરી રહ્યા છે. કોઈને ક્ષણિક સુખ જોઈએ છે. કોઈને શાશ્વત સુખ જોઈએ છે પણ બધાય સુખના તરસ્યા છે. બધાને એક જ તરસ છે સુખની. બધાય ઝઝૂમી રહ્યા છે. બધાય સુખને ઝંખી રહ્યા છે. બધા જ પોતાની જાતને કે બીજાને ડંખી રહ્યા છે. બધા જ સળગી કે ઝળહળી રહ્યા છે, બધાં જ આ સંસારમાં ભેગા મળીને સુખની પાછળ દોડી રહ્યા છે અને સુખના સુખડ સળગી રહ્યા છે, દુ:ખના બાવળ બળી રહ્યા છે. કવિતા ફરી-ફરીને વાંચવી ગમે એવી છે. બધાં જ સુખ ઇચ્છીએ છીએ અને મળે છે દુ:ખ. સુખ હોય કે દુ:ખ, સુખડ હોય કે બાવળ માત્ર સળગવાનું જ છે.

વેણીભાઈનું એક બીજું ગીત અહીં આ ક્ષણે યાદ આવી રહ્યું છે. આપણે સૌ કરવતથી વહેરેલા હોઈએ, ઝેરણીથી ઝેરેલા હોઈએ તોય લાગણીના માણસ છીએ. ઘોંઘાટની ઘાણીમાં પીલી નાંખેલા હોય તો ય આપણે લાવણીના માણસ છીએ. આપણે ગમે તેટલી આગમાં શેકાયેલા હોઈએ તોય વાવણીના માણસ છીએ. જીવનમાં ચડતી-પડતી દરિયાના મોજા જેવી ચાલ્યા કરે છતાં આપણે આવ-જા ના માણસ છીએ. આવણી અને જાવણીના માણસ છીએ. ચડતી અને ઉતરતી ભાંજણીના, ચડતા અને ઉતરતા ક્રમના માણસ છીએ.

માણસ

કરવતથી વહેરેલા

ઝેરણીથી ઝેરેલાં,

કાનસથી છોલેલાં

તોય અમે લાગણીનાં માણસ.

બોમ બોમ બીડેલાં પંખાળાં સાંબેલાં,

તોપ તોપ ઝીંકેલાં, આગ આગ આંબેલાં,

ધણધણ ધુમાડાના

બહેરા ઘોંઘાટ તણી ઘાણીમાં પીલેલાં :

તોય અમે લાવણીનાં માણસ.

ખેતરનાં ડૂંડાંમાં

લાલ લાલ ગંજેરી,

શ્યામ શ્યામ સોનેરી,

ભડકે ભરખાયલ છે : દાણા દુણાયલ છે :

ઊગવાના ઓરતામાં વણસેલાં કણસેલાં -

તોય અમે વાવણીનાં માણસ.

ભૂખરાં ને જાંબુડિયાં... દૂધિયાં પિરોજાં,

દીઠા ને અણદીઠા દરિયાનાં મોજાં,

માતેલાં મસ્તાનાં ઘૂઘરિયાં સોજાં :

કાંઠેથી મઝધારે

સરગમને સથવારે,

તોય અમે આવણી ને જાવણીનાં માણસ.

ચડતી ને ઊતરતી ભાંજણીનાં માણસ.

કરવતથી...

- રાજેશ વ્યાસ 'મિસ્કીન'