Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / મહેશ યાજ્ઞિક : The village gathered after hearing screams from the house of a famous and popular man

GSTV શતરંગ / પરગજુ અને લોકપ્રિય માણસના ઘરમાંથી ચીસો સાંભળીને ગામ ભેગું થઈ ગયું

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ / પરગજુ અને લોકપ્રિય માણસના ઘરમાંથી ચીસો સાંભળીને ગામ ભેગું થઈ ગયું
સોર્સ : GSTV

- ક્રાઈમવૉચ

App Store

- ઉત્તમભાઈને જો હાર્ટ એટેક જ આવ્યો હોય તો પછી આ કાન કેમ કપાયો? ચોંકી ઉઠેલા વિષ્ણુએ તરત આજુબાજુ નજર ફેરવી...

- બોબી ગોગોઈ

- દીપજ્યોતિ

- પકડાયેલ દીપજ્યોતિ અને સાથી વત્તા દાગીના

સંબંધોના સાથિયામાં સ્નેહ, લાગણી અને પરસ્પર વિશ્વાસના રંગો જોવા મળે તો એને અત્યંત આદર્શ પરિસ્થિતિ કહી શકાય, પરંતુ હવે એવું નથી રહ્યું. આજકાલ તો આ બધાં સમીકરણ જાણે બદલાઈ રહ્યાં હોય એવા કિસ્સાઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. અત્યારે તો સંબંધોના સાથિયામાં લોહીનો લાલઘૂમ રંગ પણ જોવા મળે છે.

આજની ઘટના છેક પૂર્વોત્તરમાં આવેલા આસામ રાજ્યની છે. વર્ષો અગાઉ પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે પૂર્વોત્તર રાજ્યોનું રહસ્યમય ધૂંધળું ચિત્ર જ નજર સામે રહેતું હતું. એ સમયનું આસામ તો ખૂબ વિશાળ હતું. ઈ.સ. ૧૯૭૦ પછી આસામમાંથી નાગાલેન્ડ, મણીપુર, મિઝોરામ અને મેઘાલય જેવા રાજ્યો અલગ કરવામાં આવ્યા. નાનપણમાં કામરૂ દેશની જાદૂગરણીઓ અને ત્યાં બધી સ્ત્રીઓનું રાજ ચાલે છે- એવી જાતજાતની વાર્તાઓ પણ સાંભળેલી છે.આજની કથામાં પણ વાત તો બે સ્ત્રીઓની જ છે.

આસામ રાજ્યમાં બ્રિટિશરોએ શરૂ કરાવેલી ચાની ખેતી આજે તો ભારતભરને ચા પૂરી પાડે છે. કાઝિરંગા નેશનલ પાર્ક અને માનસ નેશનલ પાર્ક પ્રવાસીઓથી ભરચક રહે છે. આસામના દિબુ્રગઢ જિલ્લામાં બારબરૂઆ શહેરને અડીને જમીરા વિસ્તારમાં લાહોન ગામ આવેલું છે. લાહોનમાં રહેતા આડત્રીસ વર્ષના ઉત્તમ ગોગોઈની પ્રતિષ્ઠા પરદુ:ખભંજન તરીકેની હતી. ઉત્તમ ગોગોઈને લોકો સંકઈ કહીને જ બોલાવતા હતા. (આસામી શબ્દ સંકઈના પ્રોફેસરથી માંડીને સેવાભાવી સુધીના અનેક અર્થ થાય છે.) ધંધાદારી માણસ તરીકે તો આખા જિલ્લામાં ઉત્તમની શાખ ખૂબ ઊંચી હતી. એ ઉપરાંત, ગામના કોઈ પણ માણસને કંઈ પણ મદદની જરૂર હોય તો એ દોડીને ઉત્તમની પાસે જ આવે અને ઉત્તમ એનું કામ પતાવી આપે.

ઉત્તમ ગોગોઈનું પત્નીનું સાચું નામ તો નોબોમલ્લિકા હતું, પરંતુ એણે આ લાંબુ નામ ટૂંકાવીને પોતાનું નામ બોબી કરી નાખ્યું હતું. ઉત્તમ ગોગોઈની જીવનશૈલી તો તદ્દન સીધીસાદી હતી, પરંતુ બોબીની વાત અલગ હતી. તેત્રીસ વર્ષની બોબી (સોનોવાલ) ગોગોઈ રૂપાળી ફેશનેબલ સ્ત્રી હતી.

ઉત્તમ અને બોબીને સંતાનમાં એક માત્ર દીકરી. આ સોળ વર્ષની દીકરી માનસી (આ નામ કાલ્પનિક છે) બારબરૂઆની સ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. પિતા ઉત્તમ તો આખો દિવસ એમના ધંધામાં રચ્યાપચ્યા હોય એટલે માનસીને જે કંઈ કેળવણી કે સંસ્કાર મળ્યા એ માતા બોબી પાસેથી જ મેળવેલા હતા.

શુક્રવાર, તારીખ ૨૫-૭-૨૦૨૫ ની સવારે આખું ગામ સ્તબ્ધ હતું. ગઈ આખી રાત ધીમો ધીમો વરસાદ ચાલુ રહ્યો હતો. સવારના સાડા સાત વાગ્યે બોબીએ ઘરની બહાર આવીને ચીસાચીસ શરૂ કરી દીધી. એની સાથે માનસી પણ રડારોળ કરીને ચીસો પાડતી હતી. ઉત્તમની છાપ તો સેવાભાવી તરીકેની હતી અને એના ઘરમાંથી આ રીતે રોકકળના અવાજ આવ્યા, એ સાંભળીને આખું ગામ એમના ઘર પાસે દોડી આવ્યું.

'રાત્રે ઘરમાં લૂંટ કરવા ડાકૂઓ આવેલા. એ લોકો પૈસા અને દાગીના લૂંટી ગયા. એ જોઈને ઉત્તમને એકદમ પરસેવો પરસેવો થઈ ગયો! આ પ્રેશરથી એમને હાર્ટ એટેક આવી ગયો! બે-ત્રણ મિનિટમાં જ એમણે દેહ મૂકી દીધો!'  લોકોને આટલી જાણકારી આપીને બોબીએ રડીને ઉમેર્યું. 'સત્તર વર્ષનો અમારો સાથ પાંચ મિનિટમાં જ ખતમ થઈ ગયો!' આ સાંભળતી વખતે બધાના ચહેરા ઉપર ઉદાસી છવાઈ ગઈ હતી. આડત્રીસ વર્ષનો હસતો-રમતો પરગજુ માણસ અચાનક મૃત્યુ પામે એની પીડા દરેક ગ્રામવાસીના હૈયામાં હતી. બધા લોકો ઉત્તમના ભાઈ વિષ્ણુની રાહ જોઈ રહ્યા હતા. વિષ્ણુ આવે અને ઘરની અંદર જાય, એ પછી જ આપણે અંદર જવાય, એવી સમજદારી સાથે લોકો રાહ જોઈને ઊભા હતા.

બોબીએ વિષ્ણુને ફોન કર્યો હતો, પણ એ સમયે એ ગામથી વીસ માઈલ દૂર હતો. ફોન સાંભળીને વિષ્ણુ હાંફળોફાંફળો દોડી આવ્યો. સગા ભાઈના અવસાનના સમાચાર જાણીને એ પણ ભાંગી પડયો હતો. બોબીએ એને પણ ધાડપાડુઓ અને હાર્ટ એટેકની વાત કહી. વિષ્ણુ ઘરમાં પ્રવેશ્યો એટલે એની સાથે ગામના દસેક અગ્રણીઓ પણ એની સાથે પ્રવેશ્યા. બેઠકખંડની વચ્ચોવચ ઉત્તમનું શબ ચત્તુપાટ પડયું હતું. ભાઈના શબને વળગીને વિષ્ણુ ધૂ્સકે ધૂ્સકે રડતો હતો ત્યારે પાસે ઊભેલા દરેકની આંખ પણ ભીની થઈ ચૂકી હતી. ઓરડાની ભીંતમાં જડેલા બંને કબાટ ખુલ્લા હતા અને એમાંથી ફેંદાયેલી વસ્તુઓ નીચે વિખરાયેલી પડી હતી. 

આઘાતથી ભાંગી પડેલા વિષ્ણુની આંખ અચાનક ચમકી. ઉત્તમના શબ સામે એણે ફરી વાર ધ્યાનથી જોયું. ઉત્તમના કાન પર કોઈએ પ્રહાર કર્યો હોય, એ રીતે કાન ચિરાઈ ગયો હતો અને ત્યાંથી નીકળેલું લોહી જામીને કાળું પડી ગયું હતું! ઉત્તમભાઈને જો હાર્ટ એટેક જ આવ્યો હોય તો પછી આ કાન કેમ કપાયો? ચોંકી ઉઠેલા વિષ્ણુએ તરત આજુબાજુ નજર ફેરવી. ઉત્તમની લાશથી થોડે દૂર એક છત્રી ખુલ્લી પડી હતી. છત્રી અને કપાયેલો કાન જોઈને વિષ્ણુએ તરત જ મનોમન તાળો મેળવ્યો કે રાત્રે વરસાદ હતો, પણ લૂંટારાઓ ક્યારેય છત્રી લઈને ના આવે! બોબીભાભી કે ભત્રીજી માનસી તો રાત્રે ક્યાંય બહાર ગયા નથી, એટલે કે કોઈ અન્ય વ્યક્તિ આ છત્રી લઈને ઘરમાં આવેલ હશે અને એણે જ ઉત્તમભાઈની હત્યા કરી હશે! બોબીભાભી એ સમયે ઘરમાં જ હશે અને એની સંપૂર્ણ સંમતિ સાથે જ ઉત્તમભાઈની હત્યા થઈ હશે! પતિની હત્યા કરાવીને એ શાણી સીતા બનીને અત્યારે હાર્ટ એટેકની વાર્તા ઉપજાવીને ગામલોકોને ગેરમાર્ગે દોરી રહી છે!

ઘરની બહાર ગામની સ્ત્રીઓ પણ આવેલી હતી. બોબી અને માનસી એમની વચ્ચે બહાર જ ઊભા હતા. સમય બગાડયા વગર વિષ્ણુએ બારબરૂઆ પોલીસ સ્ટેશને ફોન કરીને સ્પષ્ટ કહ્યું કે મારા ઉત્તમભાઈની હત્યા કરવામાં આવી છે, અને એમાં બોબીભાભી પણ ભળેલી હોય એવી મને શંકા છે. તમે લોકો જલ્દી આવી જાવ.

પોલીસની ટીમ થોડી વારમાં જ આવી ગઈ. ઉત્તમ ગોગોઈની હત્યાની વાત સાંભળીને દિબુ્રગઢના સિનિયર એસ.પી. રાકેશ રેડ્ડીએ બારબરૂઆ પોલીસસ્ટેશનના ઈન્સ્પેક્ટરને જલ્દી તપાસ માટે તાકીદ કરી. પોલીસની જીપ સાથે એમ્બ્યુલન્સ આવી એ જોઈને બોબી ચોંકી ઉઠી, પણ કાચી સેકન્ડમાં જ એણે પતિના મૃત્યુની પીડાથી ભાંગી પડેલી સ્ત્રીની ભૂમિકા સંભાળી લીધી.

ફોરેન્સિક ટીમે એમનું કામ શરૂ કરી દીધું, પંચનામું કરીને પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી. પૂછપરછમાં બોબીએ પોલીસને  લૂંટારાઓ અને હાર્ટએટેકની જ વાત કહી. એ સમયની ગંભીરતા પારખીને પોલીસે વધુ પૂછપરછ ના કરી. અજાણ્યા હુમલાખોરો દ્વારા ભાઈની હત્યા કરવામાં આવી છે એવી પોલીસ પાસે ફરિયાદ નોંધાવીને વિષ્ણુએ ઈન્સ્પેક્ટરને કહ્યું કે આ કારસ્તાન મારી ભાભીનું જ હશે એવી મને શંકા છે. ભત્રીજી માનસી પણ મીંઢી છે, એ બધું જાણતી હશે છતાં બોલતી નથી! તમે એ દિશામાં તપાસ કરજો.

ઘરમાં લૂંટફાટ થઈ હોય એવો સીન ઊભો કરવામાં આવેલો, પરંતુ ફોરેન્સિક ટીમની તપાસમાં એ ભોપાળું પકડાઈ ગયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ હાર્ટએટેકનો નહોતો, બોથડ પદાર્થથી કરેલા પ્રહારોને લીધે મૃત્યુ થયું છે- એટલે કે આ કેસ હત્યાનો જ છે! પોલીસે હવે મા-દીકરીની આકરી પૂછપરછ શરૂ કરી. નવમા ધોરણમાં ભણતી સોળ વર્ષની માનસી પહેલા ભાંગી પડી અને એણે જે કબૂલાત કરી એ સાંભળીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા.

તારીખ ૪-૮-૨૦૨૫ ના દિવસે પોલીસે બોબી ગોગોઈ અને માનસીની સાથે એકવીસ વર્ષના દીપજ્યોતિ નામના યુવાનની ધરપકડ કરી. દીપજ્યોતિના પંદર વર્ષના સગીર મિત્રની પણ ધરપકડ કરવામાં આવી. બોબી અને દીપજ્યોતિને કોર્ટમાં રજૂ કરીને એમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા. માનસી અને દીપજ્યોતિનો મિત્ર -એ બંને સગીર હોવાથી એમને જોરહટમાં આવેલા જુવેનાઈલ હોમમાં મોકલી આપવામાં આવ્યા. ઉત્તમ ગોગોઈ પ્રત્યે લોકોને એટલી બધી લાગણી હતી કે એમણે પોલીસસ્ટેશન પાસે ધરણાં કરીને આરોપીઓને સખત સજા માટેની માગણી કરી.

દિબુ્રગઢના સિનિયર એસ.પી. રાકેશ રેડ્ડીએ પ્રેસ કોન્ફરન્સમાં આરોપીઓને રજૂ કરીને મીડિયાને જાણકારી આપી. ઉત્તમ ગોગોઈની હત્યામાં પત્ની બોબી ગોગોઈ અને દીકરી માનસી જ માસ્ટર માઈન્ડ છે. હત્યાના કારણ સુધી પહોંચવા માટે અમારી તપાસ ચાલુ છે. દીપજ્યોતિ માનસીનો અંગત મિત્ર છે અને એ બંને વચ્ચે ખૂબ સારા સંબંધો છે. ગમે તે કારણસર બોબી પોતાના પતિથી છૂટકારો મેળવવા માગતી હતી. આ કામમાં એણે પોતાની દીકરી માનસીની મદદ માગી અને ગમે તે કારણસર માનસી પણ પોતાના પિતાની હત્યા કરવાના પ્લાનમાં સહભાગી બની ગઈ. 

માતાના કહેવાથી માનસીએ પોતાના પ્રેમી દીપજ્યોતિને પણ આ કાવતરામાં ભેળવ્યો. એ ત્રણેય સાથે મળીને હત્યાનું પ્લાનિંગ તો છેલ્લા ત્રણેક મહિનાથી કરી રહ્યા હતા. દોઢ મહિના અગાઉ દીપજ્યોતિએ પોતાની કારથી ઉત્તમ ગોગોઈને ટક્કર મારીને મારવાનો પ્રયત્ન કરેલો, પરંતુ એમનો એ પ્લાન નિષ્ફળ નીવડેલો. બોબીએ આ કામના વળતર તરીકે દીપજ્યોતિને રોકડા ચાર લાખ રૂપિયા અને સોનાના આઠેક તોલાના દાગીના આપ્યા હતા. પોલીસે એ તમામ દાગીના જપ્ત કરી લીધા છે અને રૂપિયા માટે પૂછપરછ ચાલુ છે. દીપજ્યોતિએ બતાવેલી જગ્યાએથી હત્યામાં વપરાયેલા લોખંડના પાઈપ પણ પોલીસે મેળવી લીધા છે.

આ પ્લાન પણ કદાચ નિષ્ફળ ગયો હોત તો ઉત્તમ ગોગોઈને ભડાકે દેવાની બોબીની ઈચ્છા હતી. એના કહેવાથી દીપજ્યોતિ નાગાલેન્ડ જઈને ત્યાંના શિવસાગર જિલ્લામાંથી રૂપિયા પિસ્તાળીસ હજારમાં એક પિસ્તોલ અને છ કારતૂસ ખરીદી લાવેલો. તારીખ ૭-૮-૨૦૨૫ ના દિવસે દીપજ્યોતિએ બતાવેલી જગ્યાએથી પોલીસને ચાર કારતૂસ મળ્યા છે. બે કારતૂસ અને પિસ્તોલ માટે દીપજ્યોતિની પૂછપરછ ચાલુ છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે સોળ વર્ષની દીકરી ધંધાદારી હત્યારી નથી, પરંતુ ખતરનાક પ્લાનિંગ અને ક્રૂરતાપૂર્વક રચાયેલા કાવતરામાં એ જે રીતે સહભાગી બની, એ તો ધંધાદારી હત્યારાને પણ ટક્કર મારે એવું કામ છે!

હજુ સુધી હત્યાના કારણ માટે બોબીએ મોં ખોલ્યું નથી. 

- મહેશ યાજ્ઞિક