શતરંગ / પ્રશ્ન, પોલ અને પંચાત પરિષદ
- નોન ફિલ્ટર્ડ સ્ક્રીનશોટ HQ નામના એક ટિક્ટોક એકાઉન્ટમાં કો'ક હળીખોર દ્વારા હાયપ

- નોન ફિલ્ટર્ડ
સ્ક્રીનશોટ HQ નામના એક ટિક્ટોક એકાઉન્ટમાં કો'ક હળીખોર દ્વારા હાયપોથેટિકલી સાત સ્ત્રીઓને એક સવાલ પૂછવામાં આવ્યો કે જંગલમાં તમે એકલા હોવ તો કોની સાથે રહેવાનું પસંદ કરો? અજાણ્યા પુરુષ સાથે કે જંગલી રીંછ સાથે? સાતમાંથી છ સ્ત્રીઓએ જંગલી રીંછ પર પસંદગી ઢોળી! આ પોલ દુનિયાભરમાં વાયરલ થયો ને સિંહથી બોર થયેલી આપણી પબ્લિક પણ રીંછ રીંછ રમવા નીકળી પડી. સ્ત્રી પુરુષ સહુ પોતપોતાના પોલ્સ સાથે બૂથ કેપ્ચર કરવા કૂદી પડ્યા. એક્ઝિટ પોલની જેમ જ અહીં પણ અલગ અલગ ચેનલો, ઉપ્સ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં જે તે આઇડિયોલોજી (રાઈટીસ્ટ/લેફ્ટીસ્ટ નહીં, ફેમિનિસ્ટ/મેલિસ્ટ) મુજબ વિરુદ્ધ ધારણાઓ બંધાઈ. એક પક્ષ મુજબ રીંછડાને સિલેક્ટ કરનાર બળ-બુધ્ધિ વિનાની બળદિયણ અને અજાણ્યા પુરુષને સિલેક્ટ કરનાર સ્માર્ટ એન્ડ સ્ટ્રોંગ! જ્યારે અન્ય પક્ષના દાવા પ્રમાણે રીંછભાઈને સિલેક્ટ કરનાર પુરુષોથી પ્રતાડિત અને અજાણ્યા ભાઈને સિલેક્ટ કરનાર પુરુષોની પશુતાથી અજાણ ભોળી ભામિની! આ સિવાયના અન્ય નાનામોટા પક્ષો તથા અપક્ષોના મતો-મંતવ્યોને લઘુમતીમાં હોવાને કારણે ધ્યાનમાં લેવામાં આવ્યા નથી એવા આક્ષેપો પણ સામે આવ્યા છે.
જો કે સમયની સાડીબારી રાખ્યા વગર દિવસરાત દીકરી તરફથી આવતા અવનવા પ્રશ્નોના ઝંઝાવાત સામે રોજ ઝઝૂમતી હું પ્રથમ તો આ અદ્ભુત પ્રશ્ન વાંચીને જ આઘાતમાં આવી ગઈ. અહીં પ્રશ્નકર્તાઓને મારે માત્ર એટલું જ પૂછવાનું થાય કે મારે એકલીએ જંગલમાં જવું જ શું કામ જોઈએ? છતાંય હાયપોથેટિકલી જો હું જંગલમાં છું, અને મારી સામે એક અજાણ્યો પુરુષ છે અને એક જંગલી રીંછ છે, તો પણ મારું રેશનલ મગજ સિચ્યુએશનની સેફ્ટી ઓડિટ કરીને કોઈ નિર્ણય લે એ પહેલાં રીંછભાઈ એમનું ડાયેટ ડીસાઈડ કરી ચૂક્યા હોય ને? બુદ્ધિશાળી બૈરું એ કહેવાય જે બંનેને પડતા મૂકી સીધી દોટ મૂકે, રીંછભાઈની વિરુદ્ધ દિશામાં અને 'જસ્ટ ભાઈ' થી વધારે ઝડપે!
આ તો જો કે લોજીકલ વાત થઈ. પણ ઇલેક્શનમાં ય લોજિક ન લગાવતી આપણી જડ જનતાને આવા સિમ્પલ સિલેક્શનમાં લોજિક લગાવવા કહેવું એના કરતાં પેલી બચી ગયેલી એક ભેંસને ભાગવત ભણાવવી સહેલી પડે! એમાં ય આજકાલ તો મહામાનવ પણ મગજ સાવ બાજુ પર મૂકીને બોલે એવો માહોલ જામ્યો છે. એમાં આપણા મનની વાત ક્યાં કોઈના ઘૂંટણે પહોંચવાની? આપણે નિર્દોષ ભાવે એમનો ટેમ્પો ફેરવવા જઈએ ને સામે આપણો હિસાબ ક્યારે થઈ જાય ખબર પણ ન પડે! એટલે પ્રશ્નની પંચાત મૂકીને મેં મારું ધ્યાન મોબાઈલને બદલે મારી સામે તાકી રહેલા મારા ભોળા ભગત, 'રિલોમણી' રમણ તરફ કેન્દ્રિત કર્યું.
હું: શું કામ છે?
ભો. ભ. (ભોળો ભગત): એક વાત પૂછવી હતી.
હું: તું જાણે છે હું અનસ્ક્રિપ્ટેડ સવાલોના જવાબ નથી આપતી.
ભો. ભ.: તારા ‘કારભાર’ વિશે નથી.
હું: એ તો પુછાય પણ નહીં તારાથી.
ભો. ભ.: અરે, સાવ નિર્દોષ સવાલ છે.
હું: એ હું નક્કી કરીશ. તું પૂછ જલ્દી. પણ એટલું જણાવી દઉં કે જવાબ મળવાની ગેરંટી નહી. ને સવાલ ન ગમ્યો તો શું થશે તું જાણે છે ને?
ભો. ભ.: દરોડા, આઈ મીન બરાડા?
હું: સજા પણ થઈ શકે! હવે પૂછ જલ્દી. બે કલાકથી એક જ ડ્રેસમાં છું. વાઘા નહીં બદલાય તો વિફરીશ.
ભો. ભ.: જંગલમાં તું એકલી હોય તો કોની સાથે રહેવાનું પસંદ કરે? અજાણ્યા પુરુષ સાથે કે જંગલી રીંછ સાથે?
હું: ..............
ભો. ભ.: ?????????
હું: આ જ સવાલ વિપક્ષ એટલે કે પુરૂષપક્ષ એટલે કે તને પૂછવામાં આવે તો? જંગલમાં તું મારા વગર એકલો હોય તો કોની સાથે રહેવાનું પસંદ કરે? કોઈ જાણીતી/અજાણી સ્ત્રી સાથે કે સિંહણ સાથે?
ભો. ભ.: પણ... મારે એકલાએ, તારા વગર જંગલમાં જવું જ શું કામ જોઈએ?
હું: મેં કોઈ કામ કહ્યું હોય, જે તું ભૂલી ગયો હોય, તો તું ઘરે પાછો આવે કે જંગલ ભણી ભાગે?
ભો. ભ. (બારણા ભણી ભાગતા): ઘરખર્ચની વ્યવસ્થા કરવાની છે. આવું છું મંગળસૂત્ર વેચીને...
- કૃતિ શાહ








