શતરંગ / અમીરોની અમીરી ઓછી થાય તો જ ગરીબોની ગરીબી ઘટે
- અર્થ અને તંત્ર તાજેતરમાં જે વૈશ્વિક અસમાનતા અહેવાલ

- અર્થ અને તંત્ર
તાજેતરમાં જે વૈશ્વિક અસમાનતા અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે તે એમ જણાવે છે એક ભારતમાં સૌથી ઉપરના એક ટકા લોકો 22.6 ટકા આવક ધરાવે છે અને સૌથી ઉપરના દસ ટકા લોકો 57.7 ટકા આવક ધરાવે છે. વચ્ચેના ચાલીસ ટકા લોકો અને સૌથી નીચેના પચાસ ટકા લોકો માત્ર 15 ટકા આવક ધરાવે છે. ભારતમાં દસ ટકા ધનવાનો દેશની 77 ટકા સંપત્તિ ધરાવે છે એમ ઓક્સફામ સંસ્થાનો એક અહેવાલ કહે છે. 2017માં જે સંપત્તિનું સર્જન થયું તેમાંથી 73 ટકા સંપત્તિ એક ટકા ધનાવાન પાસે ગઈ અને સૌથી ગરીબ 6.7 કરોડ લોકોને માત્ર એક ટકા જ સંપત્તિ મળી! આમ, ધનવાનો ખૂબ ધનવાન બની રહ્યા છે એ એક હકીકત છે. આ ભયંકર અસમાનતા ઓછી કરવાની જવાબદારી કોની?
ભારતના બંધારણમાં આમુખમાં દરજ્જો અને તકની સમાનતા ઊભી કરવી તેવો આદર્શ લખવામાં આવ્યો છે. બંધારણમાં ભાગ-4માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કલમ-38(2) પણ કહે છે કે રાજ્ય એટલે કે સરકાર “આર્થિક અસમાનતા લઘુતમ કરવાનો પ્રયાસ કરશે અને દરજ્જો, સવલતો અને તકોની અસમાનતા ઘટાડવાનો” પ્રયાસ કરશે. આમ, સરકારે આર્થિક અસમાનતા ઘટાડવા માટે કામ કરવું જોઈએ એમ બંધારણ કહે છે. પરંતુ દેશમાં અસમાનતા વધી રહી છે અને તે ઘટાડવા માટે સરકાર ઝાઝો પ્રયાસ પણ કરતી નથી. સરકાર આ અસમાનતા ઘટાડવા માટે સઘન પ્રયાસ કરે તે જરૂરી છે. સંપૂર્ણ સમાનતા કદાચ અસંભવ છે પણ અસમાનતા ઘટે તે માટે તો પ્રયાસ થવા જ જોઈએ.
પ્રત્યક્ષ વેરા એટલે એવા વેરા કે જે વ્યક્તિ કે કંપની કે સંસ્થાની આવક કે નફા પર નાખવામાં આવે. ભારતમાં આવા વેરામાં આવક વેરો, કંપની વેરો, બક્ષિસ વેરો, શેરબજારમાં થતા સોદા પરનો વેરો વગેરે વેરાનો સમાવેશ થાય છે. પરોક્ષ વેરા એટલે વસ્તુઓ અને સેવાઓ પર નાખવામાં આવતા વેરા. તેમાં કસ્ટમ જકાત, આબકારી જકાત અને જીએસટી જેવા વેરાનો સમાવેશ થાય છે. આબકારી જકાત એટલે ઉત્પાદન પર લાગતો વેરો. કોઈ વસ્તુ કોઈ કારખાનામાં ઉત્પન્ન થાય અને તે બજારમાં વેચાય તે પહેલાં જ એ વેરો લાગે છે. કસ્ટમ જકાત એટલે આયાત અને નિકાસ પર નાખવામાં આવતો વેરો.
અસમાનતા ઘટાડવા માટેનું એક સાધન કરવેરા છે. સરકાર ધનવાનો અને વૈભવી ચીજો પર વધુ વેરા નાખે અને તે ગરીબો માટે ખર્ચે તો અસમાનતા ઘટે. પણ ભારતમાં એવું થઈ રહ્યું નથી લાગતું. 2020-21માં જીડીપીના સંદર્ભમાં પ્રત્યક્ષ વેરાનું પ્રમાણ 4.79 ટકા થયું છે અને પરોક્ષ વેરાનું પ્રમાણ 5.48 ટકા થયું છે. પ્રત્યક્ષ વેરાનું પ્રમાણ પંદર વર્ષમાં સૌથી નીચે ગયું છે અને પરોક્ષ વેરાનું પ્રમાણ ચાર વર્ષમાં સૌથી વધારે થયું છે. કેન્દ્ર સરકારની પરોક્ષ વેરાની આવકનું પ્રમાણ જીડીપીના સંદર્ભમાં વધ્યું છે કારણ કે આબકારી જકાતની આવક આગલા વર્ષ કરતાં 63 ટકા અને કસ્ટમ જકાતની આવક 23 ટકા વધી છે.
બીજી તરફ, કંપની વેરાની આવક 18 ટકા ઘટી છે અને કેન્દ્ર સરકારની કુલ કર આવકમાં કંપની વેરાનો ફાળો 22.5 ટકા જેટલો થયો છે કે જે છેલ્લાં દસ વર્ષમાં સૌથી ઓછો છે. કંપની વેરો કંપનીઓના નફા પર નાખવામાં આવે છે. કુલ કર આવકમાં આબકારી જકાતનો ફાળો 2018-19માં 11.1 ટકા હતો અને તે તેના પછીના વર્ષે 11.9 ટકા થયો હતો. 2020-21માં તે મોટા પ્રમાણમાં વધીને 19.2 ટકા થયો હતો.
સામાન્ય રીતે એક એવી છાપ છે કે ગરીબો વેરા ભરતા નથી અને માત્ર ધનવાનો જ વેરા ભરે છે, પણ એવું નથી. આ સંદર્ભમાં બે મુદ્દા મહત્ત્વના છે:
(1) પ્રત્યક્ષ વેરા ધનવાનો પર વધારે નાખવામાં આવતા હોય છે એટલે તે ગરીબો અને ધનવાનો વચ્ચેની ખાઈ ઓછી કરે છે. જો જીડીપીના સંદર્ભમાં તેનું પ્રમાણ ઘટે છે તો તેનો અર્થ એ છે કે સરકાર દેશમાં પ્રવર્તમાન અસમાનતા ઓછી કરવાનો પ્રયાસ ઓછો કરે છે. આથી ભારતનું અર્થતંત્ર પ્રતિગામી(regressive) છે એમ કહેવાય.
(2) પરોક્ષ વેરા માત્ર ધનવાનો જ ભરે છે એવું નથી. તે ગરીબો પણ ભરે છે કારણ કે અનેક વસ્તુઓ એવી છે કે જે ગરીબો પણ વાપરે છે કે જેના પર આબકારી જકાત, કસ્ટમ જકાત અને જીએસટી જેવા કેન્દ્ર સરકારના વેરા લાગેલા હોય છે. દા.ત. ગરીબો જે કપડાં પહેરે છે તેના પર જીએસટી લાગેલો જ છે. એવું જ બીજી અનેક વસ્તુઓના સંદર્ભમાં કહી શકાય. આ સંદર્ભમાં એમ કહી શકાય કે કેન્દ્ર સરકાર ધનવાનો પાસેથી જેટલા વેરા ઉઘરાવવા જોઈએ તેના કરતાં તેટલા વેરા ઉઘરાવતી નથી.
પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા બંનેની કેન્દ્ર સરકારની આવક વરસોવરસ વધે જ છે. પણ તેમાં પ્રત્યક્ષ વેરાનો ફાળો વધારે હોવો જોઈએ અને તે વધવો જોઈએ. જો એમ થાય તો જ આર્થિક અસમાનતા ઘટાડવા માટે સરકારે નક્કર પગલાં લીધાં એમ કહેવાય. ઉપરોક્ત આંકડાકીય વિગતો એમ દર્શાવે છે કે ભારતમાં લાંબા ગાળે પણ કરવેરાના માળખામાં સાવ નજીવા ફેરફારો થયા છે અને તેથી અસમાનતા વધતી જ જાય છે.
જેમને ભયંકર આર્થિક અસમાનતાની સામે વાંધો નથી તેઓ જ, એક ક્રિકેટરને એક છગ્ગાના કે એક સદીના કરોડ રૂપિયા મળે એનું સમર્થન કરી શકે!! અસમાનતા એ કુદરતની કે ઈશ્વરની દેન નથી પણ એ સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક વ્યવસ્થાનું પરિણામ છે એ સમજવાની આવશ્યકતા છે.
જો મનુષ્યના કર્તૃત્વ ને લીધે જ અસમાનતા પેદા થતી હોય તો તે દૂર કરવાના તો ઠીક, પણ શક્ય તેટલી ઓછી કરવાના પ્રયાસો કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. દુનિયાભરમાં આ કામ સરકારોએ કરવાનું છે એમ તાત્ત્વિક રીતે પ્રથમ વિશ્વ યુદ્ધ પછી સતત સ્વીકારાયું છે. સરકારો એમાં મોટે ભાગે નિષ્ફળ ગઈ છે એ એક જુદો જ મુદ્દો છે. પણ એ કામ સરકારનું છે એમ સ્વીકારવામાં આવ્યું એટલા માટે જ સમાજના બધા લોકોને માટે સામાજિક સલામતીની વ્યવસ્થા સરકારોએ કરવાનું શરૂ કર્યું છે.
મહાત્મા ગાંધીએ કહેલું કે, “કરોડપતિઓ અને ભિખારીઓ બંને એક જ રોગનાં જુદાં જુદાં ચાંદા છે." એટલે અમીરો હોવા એ ગૌરવની બાબત નથી પણ શરમની બાબત ગણાવી જોઈએ. જો ધર્મ સમાનતા સ્થાપવામાં નિષ્ફળ જાય અને ધનપતિઓ જાતે ગાંધીએ કહ્યું હતું તેમ, પોતાની સંપત્તિના ટ્રસ્ટી ના બને અને સમાજ માટે પોતાની સંપત્તિ ના વાપરે તો કાયદો કરીને એ સંપત્તિ લઈ લેવા સિવાય બીજો કયો માર્ગ બાકી બચે? અમીરોની અમીરી ઓછી કર્યા વિના ગરીબી દૂર પણ નહિ થાય અને અસમાનતા પણ નહિ ઘટે. આ વાત ડાબેરી કે સામ્યવાદી કે સમાજવાદી ભલે લાગે, પણ એ સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહિ.
- હેમન્ત્કુમાર શાહ








