Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / મૃગેશ વૈષ્ણવ : Identify unwanted intrusive thoughts

GSTV શતરંગ/ અનિચ્છનીય ઘુસણખોર વિચારોને ઓળખો

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ/  અનિચ્છનીય ઘુસણખોર વિચારોને ઓળખો
સોર્સ : GSTV

- વેદના-સંવેદના

App Store

- આ વિચારો માત્ર વિચારો છે. એ તમારા ઈરાદા નથી. તમે એ વિચારોનો પીછો કરીને નહીં પણ એને સમજવાથી અને સ્વીકારવાથી ખરા અર્થમાં તમે એનાથી મુક્ત થવા લાગશો.

આજે તમને હું કેટલાક પ્રકારનાં અનિચ્છનીય, નિરર્થક, હાનીકારક, હિંસક અને ઘુસણખોર વિચારો વિશે વાત કરવા માંગુ છું. આવા વિચારો કોઈપણને આવી શકે છે. આવા વિચારો જો તમને આવે તો તમે અસ્વસ્થ બની શકો છો. સતત ચિંતાનો અનુભવ કરી શકો છો. કારણકે તમે પોતે પણ તમારા આવા વિચારોનો વિરોધ કરવા ખૂબજ પ્રયત્નો કર્યા હોઈ શકે છે પરંતુ તમને એમાં ઝાઝી સફળતા મળી ન હોય એવું બન્યું હોઈ શકે.

હું તમને આવા વિચારોના કેટલાક સ્પષ્ટ અને સટીક ઉદાહરણો આપું છું. આ પાછળનો મારો ઉદ્દેશ એ છે કે આવા વિચારો માત્ર તમારા સુધી સીમિત નથી. એનો વ્યાપ ઘણો મોટો છે. ઘણીવાર મોટાભાગના લોકો આવા વિચારોને ખોટા અને શરમજનક ગણી અપરાધભાવ અનુભવે છે અને તેનો ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કરે છે જ્યારે કેટલાક લોકો આ વિચારોને નરમ શબ્દોમાં રજુ કરે છે. યાદ રાખો, તમારા મનમાં પણ જો આવા વિચારો આવતા હોય તો તમે ખરાબ માણસ નથી. તમારા વિચારોમાં કંઇક અનોખું, વધારે ઘૃણાસ્પદ કે વધારે ગંભીર હોય એવું કંઈ નથી.

આમાંના કેટલાક ઉદાહરણો વાંચતી વખતે તમારું મન જો થોડીક અસ્વસ્થતા અનુભવે તો એ સ્વાભાવિક છે. આ અસ્વસ્થતા જ તમને તમારા વિચારોની પીડામાંથી બહાર નીકળવામાં મદદ કરે છે. આવા ઉદાહરણોથી તમને એક વાતની ખાતરી થાય છે કે આવા વિચાર કરનાર તમે એકલા નથી. અહીં આપેલા ઘુષણખોર વિચારોના પ્રકારો અને તેનાથી થઇ શકતી સંભવિત હરકતોથી તમે વાકેફ થઇને તમે તમારી લાગણીઓને સમજવાની, સ્વીકારવાની અને માનસિક સુસજ્જતા કેળવી આગળ વધવાની શરૂઆત કરી શકો છો.

જે લોકો આવા વિચારોના શિકાર છે તેઓ પાગલ, ભ્રષ્ટ કે ખતરનાક માણસો નથી. તેઓ પણ તમારી અને મારી જેમ સામાન્ય લોકો છે. તેઓ પણ સારા દિલવાળા કોમળ અને સહાનુભુતિ રાખનારા લોકો છે. તેઓને પણ ખબર નથી પડતી કે આવા ઘુષણખોર વિચારો તેમને કેમ આવે છે? આવા વિચારો તેમનામાં પણ ભય અને અપરાધભાવની લાગણી પેદા કરી શકે છે. શક્ય છે કે અહીં અપાયેલા ઉદાહરણમાં તમને તમારુંજ પ્રતિબિંબ દેખાય. તો તમને રાહત થશે કે હું પણ આવા વિચારો કરનાર કોઈ એકલો નથી.

સૌ પ્રથમ આપણે મૌલિક રીતે અસ્વીકાર્ય લાગતા વિચારોની ચર્ચા કરીએ છીએ.

અનિચ્છનીય અને ઘુષણખોર વિચારોનાં પ્રથમ પ્રકારમાં આવા વિચારો હોય છે જે નૈતિક રીતે અત્યંત અસ્વીકાર્ય, અસહ્ય અને શરમજનક લાગતા હોય છે. આવા વિચારોમાં અન્ય કોઈને ઈજા કરવાનાં કે પોતાને હાનિ પહોંચાડવાના ખ્યાલો, અયોગ્ય યૌન ખ્યાલો, અશુદ્ધ ધાર્મિક ખ્યાલો અને ઘૃણા જગાડતા ખ્યાલો સામેલ હોય છે.

આવા ખ્યાલો મનમાં આવે ત્યારે વ્યક્તિ ખૂબ જ ગભરાય જાય છે. પોતાને ખરાબ, નીચ કે પાપી સમજી બેસે છે અને આ ખ્યાલો વિષે કોઈને પણ કહેતા શરમ અનુભવે છે પરંતુ અહીં એક વાત સમજવી જરૂરી છે કે આવા ચિત્ર-વિચિત્ર ખ્યાલો એક માનસિક પ્રક્રિયા છે. તમને આવા ખરાબ વિચારો આવે એટલે તમે ખરાબ માણસ નથી કે તમે કોઈ ખરાબ કામ કરવાના પણ નથી.

આ વિચારો માત્ર વિચારો છે. એ તમારા ઈરાદા નથી. તમે એ વિચારોનો પીછો કરીને નહીં પણ એને સમજવાથી અને સ્વીકારવાથી ખરા અર્થમાં તમે એનાથી મુક્ત થવા લાગશો.

હાનિકારક અને આત્મહાનીબદ્ધ ખ્યાલો - એક મૌલિક ઘોર અસ્વસ્થતાની સમજ

ઘણા લોકો એવા અનિચ્છનીય અને ઘુષણખોર ખ્યાલોથી પીડાય છે. જેમાં પોતાને કે બીજાને ઈજા પહોંચાડવાના વિચારો હોય છે. આવા વિચારો મૌલિક રીતે ખૂબ અસ્વીકાર્ય લાગતા હોય. તેમાં પણ ખાસ કરીને આવાં વિચારો જ્યારે નિર્દોષ, લાચાર કે આપણા પ્રિયજનો વિશે હોય તો એ વ્યક્તિને વધારે વ્યાકુળ કરી શકે છે. જોકે તેમાં કોઈ ઈરાદો સામેલ નથી હોતો પણ મન સામે એવા દ્રશ્યોની હારમાળા સર્જાય છે. 

એક માતાએ કહ્યું કે એની દીકરીએ એક હોરર ફિલ્મ જોઈ હતી. ત્યારથી તેનું મન વારંવાર એવા ખ્યાલો લાવતું રહે છે કે પરિવારજનોને એ છરીથી ઈજા પહોંચાડી તો નહીં દેને? એ દીકરી અત્યંત કોમળ હૃદયની છે. તે બધાને પ્રેમ કરે છે અને મદદરૂપ થવા માંગે છે. છતાં પણ આ ખ્યાલો એને એટલાબધાં ડરાવવા લાગે છે તે ઘરમાં બધીજ છરીઓ છુપાવવા માટે લોકોને તાકીદ કરે છે. જોકે આજસુધી તેણે કોઈ ઉપર છરીથી હુમલો કર્યો નથી કે હુમલો કરવાની તેની માનસિકતા પણ નથી.

બીજા એક વૃદ્ધ પિતાએ કહ્યું કે પહેલગાવ હુમલાની ઘટના પછી મને સતત એવો ખ્યાલ આવતો હતો કે મારો યુવાન પુત્ર ત્યાં હોત તો એનું શું થાત? હું મારા દીકરાને દિલથી પ્રેમ કરું છું તો પછી મને આવા વિચારો કેમ આવે છે? અમદાવાદમાં બોઇંગ પ્લેન ક્રેશની ઘટના બની ત્યારથી મને સતત એવો વિચાર આવે છે કે મારો દીકરો પ્લેનની નીચે ચગદાઈ તો નહીં ગયો હોયને? શું મને તેના હાડકા અને ડીએનએ મળશે ખરા? જોકે મને ખબર છે કે મારો દિકરો બેંગ્લોરની આઈટી કંપનીમાં કામ કરે છે અને તે મને ખૂબજ વહાલો છે 

તો પછી મને એના વિશે આવા વિચારો કેમ આવે છે?

કેટલાક લોકો એવું કહે છે કે તેઓ પોતાના ઘરની બાલકનીમાં ઉભા રહી શકતા નથી. કારણ જ્યારે પણ તેઓ બાલકનીમાં ઉભા થાય ત્યારે તેમને વિચાર આવે છે કે 'મારાથી બાલકનીની નીચે કૂદી તો નહિ જવાય ને?' એમાં પણ બાલકનીની રેલીંગની ઉંચાઈ જો ઓછી હોય તો તેની નજીક જતા તેમને ખૂબ જ ગભરામણ થાય છે. જોકે આવા લોકો હતાશાનો શિકાર હોતા નથી અને આત્મહત્યા કરવાનો તેમનો કોઈજ ઈરાદો હોતો નથી. છતાં પણ તેમને આવા ભયાનક ઘુસણીયા વિચારો આવે છે.

એક યુવાનને દોરડું કે દોરડા જેવી વસ્તુને જોતવેંત એના શયનકક્ષનાં હુક પર લગાવવાની ઈચ્છા થાય છે. આવું કર્યા પછી તેને સતત ડર લાગતો રહે છે કે મારાથી ગળેફાંસો તો નહીં આપી દેવાયને? જોકે આવું બનવાની કોઈ જ શક્યતા નથી પરંતુ આવા ભયાનક ઘુષણખોર વિચારો તેને વારંવાર આવે છે.

એક નવજાત શિશુની માતાને પોતાની દીકરીને ઉપાડતા ડર લાગે છે કારણ તેને એવું લાગે છે કે તે બાળકને ક્યાંક હાથમાં લઇને બારીમાંથી કે સીડીઓથી નીચે તો ફેંકી નહીં દે ને ?

અહીંયાં આપેલા ઉદાહરણોમાં વ્યક્તિને પોતાને આવતા ખ્યાલો એટલા બધાં વ્યથિત કરે છે કે તેને સમજાતું નથી કે તેની સાથે શું થઇ રહ્યું છે. કારણ આ વિચારોને તેના સ્વભાવ, વ્યક્તિત્વ કે તેની અંતરની ઈચ્છાઓ સાથે કોઈ જ સંબંધ નથી. છતાં પણ આવા વિચારો માટે તે પોતાની જાતને દોષી માનવા લાગે છે. હકીકતમાં આવા કોઈપણ ખરાબ કાર્યનો તેમનો કોઈ જ ઈરાદો ન હોવા છતાં પણ આવા વિચારોથી તેઓ સતત ગભરાયેલા રહે છે. હકીકતમાં આ વિચારો બહુ સામાન્ય છે અને ઘણાં સારા અને ભલા લોકોના મનમાં પણ તે આવતાં જ રહે છે.

અહીં મૂળ વાત એક સમજી લેવા જેવી એ છે કે આવા ખ્યાલો એક વિચારમાત્ર છે. તે વાસ્તવિક ઈરાદાઓ નથી. જો આપણે તેમને સમજવાની અને ઓળખવાની કોશિશ કરીએ અને સાચા દ્રષ્ટિકોણથી બોલાવીએ તો તેમની અસર ઓછી થવા લાગે છે. અને આપણને એ સત્ય સમજાય છે કે આવા ખ્યાલો એ આપણું મૂળ સ્વરૂપ નથી.

'ફોરબીડન સેક્સ્યુલ થોટ્સ' અને અશુદ્ધ અથવા અપવિત્ર ખ્યાલોની ચર્ચા આપણે અગાઉના પ્રકરણમાં કરી ગયા છીએ એટલે આવા ખ્યાલોને આપણા મૂળ સ્વરૂપ અને ઈરાદાઓ સાથે કોઈ સંબંધ નાતી તે જોઈ ગયા. 

આવા ખ્યાલો મોટે ભાગે આપણા મનનાં અનિચ્છનીય અને દબાયેલા ભાગોમાંથી ઉદ્દભવેલા હોય છે. તે આપમેળે આવે છે અને આપમેળે જાય છે. જો આપણે એને ગંભીરતાથી ન લઈએ તો એ આપણને કોઈ નુકસાન પહોંચાડી શકતા નથી.

ન્યુરોગ્રાફ

તમારું મન તમારા હૃદયથી અલગ છે. તે ઘણીવાર એવી વાતો કરે છે જે તમારું હૃદય સ્વીકારી શકે જ નહીં. યાદ રાખો તમારા ખ્યાલો,તમારા વિચારો એ તમને નથી. તમે આ વિચારોને કેવી રીતે સમજો છો તે મહત્વપૂર્ણ છે.

- મૃગેશ વૈષ્ણવ