Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ડૉ. ચંદ્રકાંત મહેતા : A man charges the battery of his mobile phone but does not know how to charge the battery of his conscience

GSTV શતરંગ/ માણસ મોબાઈલ ફોનની બેટરી ચાર્જ કરે છે પણ અંત:કરણની બેટરી ચાર્જ કરતા નથી આવડતું

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ/ માણસ મોબાઈલ ફોનની બેટરી ચાર્જ કરે છે પણ અંત:કરણની બેટરી ચાર્જ કરતા નથી આવડતું
સોર્સ : GSTV

- ગુફતેગો

App Store

- માણસ આસુરી સંપત્તિનો ઉપાસક બનવાને બદલે દૈવી સંપત્તિનો આરાધક બને તો તેના જીવનમાં શાંતિ આપોઆપ પ્રગટે

આજના યુગમાં દરેકના જીવનમાં અશાન્તિ કેમ જોવા મળે છે?

પ્રશ્નકર્તા : ડી.કે.માંડવીઆ સ્ટેશન રોડ, પોરબંદર (સૌરાષ્ટ્ર)

આજનો યુગ વ્યસ્તતાનો યુગ છે. પારાવાર અપેક્ષાઓનો છે. જુદા જુદા પ્રકારની અમર્યાદ ભૂખનો જમાનો છે. માણસ આધિ-વ્યાધિ-ઉપાધિગ્રસ્ત રહે છે. તેને માટે માત્ર બાહ્ય કારણો જવાબદાર નથી. શાન્તિ એટલે ટાઢક, મનની પરિતૃપ્તિ, સંતોષ અને સમતા. સુખી કોણ? એનો ઉત્તર સંક્ષેપમાં જ આપવામાં આવ્યો છે. સંતોષ નર સદા સુખી. માણસનો સ્વભાવ આશક્તિપ્રધાન છે. શાન્ત રહેવા માટે અનાસસક્ત રહેવું પડે. અશાંન્તિ સ્વયંસર્જિત જ નથી હોતી. સમાજ, દેશ અને વિશ્વ સર્જિત પણ હોઈ શકે.

વિશ્વમાં બે પ્રકારનાં માણસો જોવા મળે છે. દૈવી ગુણો કે દૈવી સંપત્તિવાળા અને બીજા આસુરી ગુણો કે આસુરી સંપત્તિવાળા અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ દૈવી ગુણો બાબતે કહે છે કે જેનામાં ભયનો સંપૂર્ણ અભાવ હોવો, અંત:કરણ પૂર્ણ નિર્મળ હોવું પરમાત્માને સમજવા માટે તલ્લીનતા, સાત્વિક દાન કરવું, ઇન્દ્રિયોને પોતાના વશમા રાખવી, ભગવાન દેવતા, વડીલોની પૂજા કરવી. અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું. વેદશાસ્ત્રોનું પઠન-પાઠન તેમ જ ભગવાનના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું. આ ઉપરાંત અંત:કરણમાં સરળતા અને કોમળતા હોવી આવશ્યક છે. ઉદાત્ત સ્વભાવનો માણસ મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈનેય કષ્ટ આપતો નથી. યથાર્થ અને પ્રિય વચન ઉચ્ચારે છે. પોતાના પર અપકાર કરનાર ઉપર પણ ક્રોધ કરતો નથી. એ નિરાભિમાની હોય છે. કોઇનીયે નિંદા ન કરવી, સર્વ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખનારો તથા સંયમી હોય છે. એ અનાસક્ત તથા મૃદુ સ્વભાવનો હોય છે. લોક તથા શાસ્ત્રથી વિરુધ્ધ આચરવામાં લેષ લજ્જા થાય છે.

તેજ, ક્ષમા, ધૈર્ય, બાહ્યશુદ્ધિ, કોઈપણ પ્રત્યે શત્રુભાવ ન હોવો દંભનો અભાવ હોય છે.

બીજી તરફ આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિને નથી જાણતા તેથી તેમનું આચરણ શુધ્ધ હોતું નથી. સત્યભાષણપણું પણ તેમનામાં જોવા મળતું નથી. દૈવી સંપત્તિ લઇને જન્મેલા લોકોની જેમ વિકૃત સ્વભાવધારી આસુરી સંપત્તિધારી લોકોનાં પણ દુર્ગુણો ભગવાન શ્રીકૃષ્ણે વર્ણવ્યા છે.

વિલિયમ ચેનિંગ પોતાનું જીવનદર્શન વર્ણવતાં કહે છે : ઓછાં સાધનો સાથે પણ સંતુષ્ટ રહીને જીવવું, વૈભવ વિલાસ કરતાં સૌજન્યશીલ લાલિત્ય શોધવું, ફેશન કરતાં સુરુચિપૂર્ણ સૌંદર્યની ખોજ, માનનીય નહીં પણ આદરને પાત્ર બનવું, સંસ્કાર સમૃદ્ધ બનવું માત્ર ધનવાન નહીં.

તેઓ ઉમેરે છે કે સઘન વિદ્યાપ્રાપ્તિ માટે વિચારવું, શાન્ત ચિત્તે ચિંતન કરવું, સૌમ્ય સંવાદ, કાર્યમાં નિખાલસતા, બાળકોને પ્રેમ અને મહાત્માઓને ખુલ્લે દિલે મોકળા મને સાંભળવા સૌને સહી લેવા અને સઘળાં કામો વીરતાપૂર્વક કરવાં.

વિલિયમ ચેનિંગનું આજીવન દર્શન આજના અશાન્ત યુગના માનવી માટે શાન્તિદાયક સંદેશો છે.

આજના માનવીમાં ધૈર્ય અને સહિષ્ણુતાનો ઝરો સૂકાઈ ગયો છે. એને બધું ઝટપટ જોઇએ છે. સિધ્ધિ પણ સાધના વગર ઓછી મહેનતે મળે એવા તેના અભરખા હોય છે.

માણસ સુખના કેન્દ્રો, ધન-વૈભવ, સત્તા અને અધિકારપ્રિયતામાં શોધે છે. પોતાની ધીરજની આકરી કસોટી થાય તે તેનાથી સહન થતું નથી. માણસને મોબાઈલ ફોનની બેટરી ચાર્જ કરતાં આવડે છે પણ પોતાના અંત:કરણની બેટરી ચાર્જ કરતાં નથી આવડતું. આજના યુગમાં દરેક માણસ પોતાના અહંકારથી પીડિત છે. એને નમ્રતા ગમતી નથી. સંવાદને બદલે વિવાદમાં ઉતરવાનું વધુ પસંદ કરે છે. નાની વાતમાં રજનું ગજ કરે છે અને શાન્તિ માટે સમાધાન કરવા ઇચ્છતો નથી. જિંદગીમાં તેની અનુકૂળતા જ ખપે છે એટલે પ્રતિકૂળતા આવતાં તે હેબતાઈ જાય છે. અશાન્ત બની જાય છે.

પોતે કેમ અશાન્ત છે, અને શોધવા માણસે આત્મદર્શન કરવું જોઇએ. અંતરિક્ષમાં એ પહોંચી શકે છે પણ અંત:કરણના ઊંડાણ સુધી પહોંચવા મથવા તૈયાર નથી.

આજના માણસનું જીવન અશાન્ત હોવાનું એક કારણ સહજતાનો અભાવ અને ભારોભાર કૃત્રિમતા છે. એને દરેક પ્રવૃત્તિ માટે સમય છે પણ આત્મ સુધારણા માટે સમય નથી.જગત તો જ સુખી બની શકે, એ લોકોના જીવનમાં પ્રેમ અને સેવાને અગ્રિમ સ્થાન હોય. આજનો માણસ આત્મકેન્દ્રી બની ગયો છે. માણસ નશા અને આદતોની નાગચૂડમાંથી મુક્ત થવની કોશિશ કરતો નથી. દરેકને સત્તા જોઇએ છે. અધિકાર જોઇએ છે. ત્યાગ માટે માણસે જતું કરવાની તૈયારી રાખવી નથી. એનનું મન એકાગ્ર બની શક્તું નથી પરિણામે સુખોની શોધમાં એ ભટક્યા કરે છે. માણસ સલાહ આપવામાં શૂરો છે પણ કોઇની ગ્રહણીય અને ઉપકારક વાત સાંભળવા તૈયાર નથી. ઉન્નત જીવન એટલે ઉન્નત વિાચરો ઇર્ષ્યા દ્વેષ, ચિંતા, ભયગ્રસ્તતા આપણી શાન્તિ સામે અસંખ્ય પ્રશ્નો ઉભા કરે છે. જિંદગીની કોઈપણ પરિસ્થિતિને અભિશાપ માનવાને બદલે ઇશ્વરનો પુરસ્કારવો એમ માનવામાં જ શાણપણ છે.

- ડો.ચંદ્રકાન્ત મહેતા