Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ડૉ. કુમારપાલ દેસાઈ : Pride in knowledge brings envy along with arrogance!

GSTV શતરંગ: જ્ઞાનનો ગર્વ અહંકારની સાથે ઇર્ષા લાવે છે!

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: જ્ઞાનનો ગર્વ અહંકારની સાથે ઇર્ષા લાવે છે!
સોર્સ : GSTV

- ઝાકળ બન્યું મોતી 

App Store

- કુમારપાળ દેસાઈ

બન્યું એવું કે બે મહાપંડિતો એક જ પ્રયોજન અર્થે એક શ્રેષ્ઠીને ત્યાં આવી પહોંચ્યા. આ મહાપંડિતો પોતાના શાસ્ત્રોમાં પારંગત હતા અને એમની વિદ્વત્તાની કીર્તિ સર્વત્ર વ્યાપ્ત હતી. જો એક મહાપંડિતને ખ્યાલ હોત કે બીજા મહાપંડિત આ સમયે આ સ્થળે આવવાના છે તો તેઓ આવ્યા ન હોત, પરંતુ સંજોગ એવો સધાયો કે બંને એક સાથે આવ્યા.

શ્રેષ્ઠીના ભવ્ય દિવાનખંડમાં સામસામે બેઠા, પણ પરસ્પર સામે નજર ન મેળવે. પંડિતાઈના અહમ્ને કારણે એમનાં ભવાં ઊંચે તણાયેલા હતા.

શ્રેષ્ઠી વિદ્યાનો ઉપાસક હતો. જ્ઞાનીઓ પ્રત્યે અગાધ આદર ધરાવતો હતો. વિદ્યાતપનું એને મન ઘણું મોટું મૂલ્ય હતું. એણે બંને મહાપંડિતોનું હૃદયના ઉમળકાથી સ્વાગત કર્યું અને પોતાની કૃતાર્થતા પ્રગટ કરી. એક મહાપંડિત સ્નાનવિધિ માટે સિધાવ્યા ત્યારે એ શ્રેષ્ઠીએ બીજા મહાપંડિતને પૂછ્યું, 'પંડિતજી, સ્નાન કરવા પધારેલા મહાપંડિતની વિદ્વતા વિશે આપનો શો અભિપ્રાય છે.'

બીજા પંડિતે કહ્યું, 'એની વિદ્વત્તા ? એ કંઈ વિદ્વત્તા કહેવાય ? એ તો ગર્દભ છે, ગર્દભ.'

શ્રેષ્ઠીએ શાંતિથી આ વાત સાંભળી લીધી. થોડી વારે બીજા પંડિતજી સ્નાવિધિ માટે ગયા, ત્યારે પહેલાં પંડિતજીને પૂછ્યું, 'મહારાજ, આ આપના સાથી પ્રકાંડ વિદ્વાન લાગે છે.'

બીજા પંડિતજીએ કહ્યું, 'અરે વિદ્વાન - બિદ્વાન કશું નથી, એ તો સાવ બળદ જેવા છે. 

બુદ્ધિની બાબતમાં જડ બળદની સ્પર્ધા કરે તેવા છે.'

શ્રેષ્ઠીએ શાંતિથી વાત સાંભળી લીધી. થોડીવારે ભોજનનો સમય થયો. બંને મહાપંડિત ભોજનગૃહમાં ઉપસ્થિત થયા. શેઠનો એક નોકર એ પંડિતની પાસે એઠું-જૂઠું ભોજન લઈને આવ્યો અને એમની સમક્ષ મૂક્યું.

બીજો નોકર થાળીમાં ઘાસ લઈને આવ્યો અને બીજા મહાપંડિત સમક્ષ રાખ્યું. આ બંને નોકરોએ મહાપંડિતોને ભોજન ગ્રહણ કરવા વિનંતી કરી.

બંનેનો કોપ ફાટી નીકળ્યો. ધુંવાપુંવા થઈને એમણે કહ્યું, 'શ્રેષ્ઠીને બોલાવો. એમણે અમારું ઘોર અપમાન કર્યું છે. પંડિતોના આવા અપમાન માટે એમને પ્રાયશ્ચિત કરવું પડશે.'

શ્રેષ્ઠીવર્ય આવ્યા અને બંને પંડિતોએ જોરશોરથી કહ્યું, 'અરે, અમારા પ્રત્યે ઘોર ઘૃષ્ટતા તમે આચરી છે. તમારે તમારા આવા દુષ્કૃત્યનું પરિણામ ભોગવવું પડશે.'

શ્રેષ્ઠી કહે, 'પંડિતરાજ, આમાં દુષ્કૃત્ય શું છે ? મારી ક્ષતિ થઈ હોય તો હું જરૂર પ્રાયશ્ચિત કરું, પણ આને માટે કદી નહીં કરું.'

પહેલાં પંડિતે કહ્યું, 'જરા વિચાર તો કરો, તમે આ બીજા પંડિતના ભોજનથાળમાં ઘાસ મૂક્યું છે. શું તેઓ ઘાસ ખાશે ?'

શ્રેષ્ઠીએ કહ્યું, 'હા જી, હમણાં જ મેં આપની સાથે પૃચ્છા કરી હતી કે સાથેના પંડિત કેવા છે, ત્યારે આપે કહ્યું હતું કે એ તો જડ બળદ જેવા છે. બળદને માટે તો ઘાસ જ હોય ને !

બીજા પંડિતે પહેલા પંડિતનો બચાવ કરતા કહ્યું, 'શ્રેષ્ઠીવર્ય, તમારી અક્કલ ચારો ખાવા ગઈ લાગે છે. મારા મિત્ર મહાપંડિતના થાળમાં આવો એઠવાડ મૂકવાનો હોય !

શ્રેષ્ઠીએ હાથ જોડીને કહ્યું, 'મેં આપને એમના વિશે પૂછ્યું હતું, ત્યારે તમે જ કહ્યું હતું કે આ પંડિત નથી, પણ ગર્દભ છે અને તેથી ગર્દભ ખાય તે ભોજન એમની થાળીમાં મૂક્યું છે. આપે એકબીજાનો જે પરિચય આપ્યો, તે પ્રમાણે મે કર્યું છે, એમાં મારી ભૂલ શી ? હું તો આપને મહાપંડિત માનીને આદર આપતો હતો, પરંતુ આપે સ્વયં પરસ્પરનો પરિચય આપી દીધો.'

શ્રેષ્ઠીની વાત સાંભળીને ઇર્ષાળુ પંડિતોને શરમ આવી. મનમાં પારાવાર પસ્તાવો થયો. તેઓ વિચારવા લાગ્યા કે જ્ઞાનનો ગર્વ માણસમાં અહંકારની સાથે કેવી ઇર્ષા લાવે છે. આવી પંડિતાઈ શા કામની?

પહેલા પંડિતે કહ્યું, 'શ્રેષ્ઠવર્ય, આપે અમારી આંખ ખોલી નાખી. જે વ્યક્તિ પોતાના સાથીની પ્રગતિ જોઈ શકતો નથી, તે સ્વયં પ્રગતિ કરી શકતો નથી.'

બીજા પંડિતે કહ્યું, 'આજે અમને એ પણ સમજાયું કે સ્વયં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે પોતાના સાથીની પ્રતિષ્ઠા કરવી, એને વિશે આદર અને માન રાખવું એ અતિ આવશ્યક છે.'

શ્રેષ્ઠીએ ચાકરોને કહ્યું, 'આ મહાપંડિતો માટે તૈયાર કરેલું પેલું મિષ્ટાન્નયુક્ત ભોજન લાવો.'