Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ભવન કચ્છી : Can disaster be turned into opportunity?

GSTV શતરંગ: આફતને અવસરમાં ફેરવી શકાશે?

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: આફતને અવસરમાં ફેરવી શકાશે?
સોર્સ : gstv

- વિવિધા

App Store

- ભવેન કચ્છી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઠરાવ પર  તેની ઇન્ક પેનથી થયેલ હસ્તાક્ષરથી એક જ ઝાટકે અમેરિકામાં ઊંચા પગાર સાથે એચ વન બી વિઝા પર નોકરી કરવાના સ્વપ્નસેવીઓ પર જાણે કાળી શાહી છાંટી હોય  તેવી સ્થિતિ નિર્માણ પામી છે. વડાપ્રધાન મોદી કહે છે કે ભારતનો સૌથી મોટો દુશ્મન હોય તો તે કોઈ દેશ નહીં પણ આપણે અન્ય દેશો પર નિર્ભર રહીએ છીએ તે છે. 'ચિપથી શિપ' સુધી બધામાં ભારતે આત્મનિર્ભર રહેવું પડશે તેવો કોલ તેમણે દેશવાસીઓને આપ્યો તેમાં પણ ખોટું નથી. પણ સુવાક્યોની સાથે સરકારે જમીની  એટલે કે ગ્રાઉન્ડ લેવલ પર કેવી સ્થિતિ છે તે અંગે પણ જાણકારી રાખીને 'બ્રે૨ઇન ગેઇન'ની નક્કર ફોર્મ્યુલા બનાવવી જોઈએ.

યુવા પેઢીની આકાંક્ષા

યુવા પેઢી માત્ર ડોલર કે પાઉન્ડની કમાણી માટે અમેરિકા,કેનેડા,ઓસ્ટ્રેેલિયા, બ્રિટન, ન્યૂઝીલેન્ડમાં નોકરી માટે સ્થાયી નથી થતી પણ તેઓને તેમના પરિવાર અને સંતાનો માટે ગુણવત્તાસભર જીવનની તલાશ છે. છેલ્લા વર્ષોમાં ભારતીયો વધુને વધુ સંખ્યામાં વિશ્વના દેશોમાં પ્રવાસી તરીકે ફરતા થયા છે.અમેરિકા અને યુરોપ તો ખરા જ પણ નજીકના કહી શકાય તેવા સિંગાપોર અને દુબઈનો પ્રેવાસ કર્યા પછી પણ તેઓને એહસાસ થાય છે કે ભારતનું રોજિંદુ જીવન કેવું દોઝખ સમાન છે. વિદેશમાં ખાડા ખાબોચિયા વગરના રસ્તા, સ્વછતા, ટ્રાફિક નિયમનો, હરવા ફરવા માટેના ખુલ્લા પાર્ક, સસ્તુ અને બોજમુકત શિક્ષણ, કાયદાનો ડર, ભેળસેળ વગરના ખાદ્ય પદાર્થો, પ્રદૂષણની ઓછી માત્રા, સરકારના નીચલા વિભાગથી ઉપર સુધી પ્રવર્તતો ભ્રષ્ટાચાર વગરનો માહોલ, માથાભારે અને અશિક્ષિત નેતાઓની તુમાખીની ચિંતા નહીં અને પ્રત્યેક નાગરિકના જીવ અને જીવનનું સન્માન તેમણે નજીકથી અનુભવ્યું છે. ભારતમાં ભારે હતાશાજનક સ્થિતિ પ્રવર્તે છે.

યુવા પેઢી ભારતનું સામાજિક જીવન, સંસ્કૃતિ અને વાનગીઓ, ભોજન બધું જ વિદેશમાં યાદ કરે છે પણ તેઓ કહે છે કે વિદેશમાં માણસ માત્રનું આદર અને સન્માન છે.

વંશીય હુમલાનો ખોફ

હા, છેલ્લા થોડા વર્ષોથી અમેરિકા,કેનેડા અને અન્ય દેશોમાં સ્થાયી થયેલી યુવા પેઢીની પ્રગતિ તેમજ રોજગારીથી હતાશ થયેલા ગોરાઓના ભારતીયો પર હુમલા વધ્યા છે. અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડમાં તો સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ત્યાં નોકરી મેળવી આબાદ થયેલા વિદેશી નાગરિકોને હાંકી કાઢવા જાહેરમાં દેખાવ કરતા થયા છે.

ઇમિગ્રન્ટ્સ વિરોધી કે તરફી સ્ટેન્ડ લેવું તે રાજકીય પાર્ટીઓનો મુદ્દો બની ચૂક્યો છે. ટ્રમ્પ 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન 'ના એજન્ડા સાથે જ સત્તા પર આવ્યા છે. એકંદરે ભારતીયો વિરુદ્ધ ઝેર ફરી વળ્યું છે.ભારતની યુવા પેઢી હવે અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયા વગેરે છોડીને ભારત પરત આવવા તૈયાર પણ થઈ છે. વિદેશમાં તેઓએ મોંઘા ઘર, કાર બધું જ લોન પર લીધું છે તે જવાબદારીમાંથી મુક્ત થવું સહેલું નથી. આમ છતાં ભારત આવવા તૈયાર છે પણ તેઓ વિદેશમાં જે ગુણવત્તા સાથે જીવે છે તેની તુલના ભારત જોડે મનોમન કરતા જ નિરાશ થાય છે. જો કે એક વાત નક્કી કે જે હદે ભારતીય વિરોધી વૈમનસ્ય ફેલાઈ ચૂક્યું છે તે જોતા યુવા પેઢીને યોગ્ય પ્લેસમેન્ટ ભારતમાં મળે તો તેઓ પરત આવવા તૈયાર છે.

'બ્રેઇન ગેઇન' કઇ રીતે ?

ટ્રમ્પે એચ વન બી વિઝા માટે હવેથી અમેરિકાની કોઈ કંપની વિદેશના  એન્જિનિયરને નોકરી પર લેવા માંગતી હોય તો કંપનીએ એક લાખ ડોલર આપવાના રહેશે તેવી જાહેરાત કર્યા પછી ભારતના જે પણ વિદ્યાર્થીઓ હાલ અમેરિકામાં માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કરી રહ્યા છે તેઓને તેમજ વાલીઓને પેટમાં ફાળ પડી છે. ભારતના વિદેશ મંત્રાલયે તરત જ ચિંતા વ્યક્ત કરી અમેરિકાને સત્તાવાર  નિવેદન પહોંચાડયું છે કે ટ્રમ્પ સરકારના આવા નિર્ણય પછી વિદ્યાર્થી અને તેના પરિવાર પર ઘણી જ ઘાતક અસર પડી શકે છે.પરિવાર પર આર્થિક,સામાજિક અને માનસિક આઘાત જેવી વિપદા આવી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.અમેરિકાના મંત્રાલય જોડે આ પાસાઓને મિટિંગમાં સામેલ કરીશું તેવી હૈયાધારણ પણ અપાઈ છે.

તો નેતાઓનો એક એવો વર્ગ પણ હતો કે જેઓએ જેવો ટ્રમ્પે એક લાખ ડોલરની ફી બાબત આદેશ આપ્યો કે તરત જ મોદીને ખુશ કરવા નિવેદન આપ્યું કે 'ટ્રમ્પના આદેશને હકારાત્મકતાથી આવકારો.કેમ કે હવે ભારતની યુવા પ્રતિભા ભારતમાં જ રહેવાનું પસંદ કરશે.' આવા નિષ્ઠુર નેતા કે મંત્રાલયને એટલું જ કહેવાનું કે વિદેશમાં માસ્ટર ડિગ્રી માટેનો અભ્યાસ કરવા ગયેલ વાલીએ સરેરાશ રૂ.ચાલીશ લાખની ફી ભરી હોય છે.હવે તેમના સંતાનને વિદેશમાં તે માસ્ટર ડિગ્રી મેળવીને બહાર આવશે તે પછી નોકરી મળવાની શક્યતા ઘટી ગઈ છે તેથી ટ્રમ્પની આવી જાહેરાતથી તેઓ રાતોરાત ચાલીશ - પચાસ લાખના દેવામાં ડૂબી ગયા હોવાનો આઘાત અનુભવી રહ્યા છે. ભારતની યુવા પેઢી ભારતમાં પરત આવશે કે હવે વિદેશમાં માસ્ટર કરવા જવાનું પ્રમાણ ઘટશે તે ખરું પણ ભારતમાં તેઓને ઊંચા પેકેજ સાથે નોકરી મળે તેવી શક્યતા છે ખરી? કેટલા આવા યુવાનોની પ્રતિભાનો ઉપયોગ થઈ શકે તેવી ભારતની પોતાની વિશ્વસ્તરીય કંપનીઓ છે. 'બ્રેઇન ગેઇન' માટે સરકાર કોઈ નક્કર આયોજન ધરાવે છે? શું ભારત આગામી ૨૫ વર્ષમાં પણ વિશ્વમાં છવાઈ જાય તેવી કોઈ પ્રોડક્ટ મૂકી શકે તે માટેનો કોઈ રોડમેપ  છે?

ટેલેન્ટના ઉપયોગનો પડકાર 

અત્યાર સુધી તો ભારતની યુવા પેઢી અમેરિકા સહિત વિશ્વના અન્ય વિકસિત દેશોમાં નોકરી માટે મોટી સંખ્યામાં જતી હોઈ કેન્દ્ર સરકારની આટલી યુવા પેઢીને તેઓ નોકરી નહોતી આપી શકતા તે નબળાઈ છૂપાઈ જતી હતી.હવે તો અમેરિકા સહિત વિદેશમાં નોકરીની તક ઘટી હોઈ યુવા પેઢી નાછૂટકે ભારતમાં જ રહેશે. બેરોજગારીના કે ટેલેન્ટ પ્રમાણે નોકરી નહીં આપી શકવાના આંકડા વધશે.

માની લો કે ભારતની યુવા પેઢી ભારતમાં રહીને ગૂગલ કે ફેસબુક જેવી કંપનીઓ ખોલી શકવાની ક્ષમતા ધરાવતી હોય તો પણ ભારતમાં અમલદારશાહી  કે પારદર્શક રીતે પ્રોજેક્ટ ક્લિયર થાય તેવું વાતાવરણ છે ખરું? 'બ્રેઇન ગેઇન' માત્ર પ્રતિભાશાળી યુવા પેઢી ભારતમાં રહે તેથી થઈ નથી જતું. એક મુક્ત કલ્ચર અને વાતાવરણ હોવું જોઈએ.જેને ઈકો સિસ્ટમ કહેવાય.જેનો ભારતમાં સદંતર અભાવ છે.ભારતમાં જે પણ સ્ટાર્ટ અપ થયા છે તેમાં મહત્તમ તો ચીજવસ્તુની ડિલિવરી કરતી કંપનીઓના છે.ભારતને જરૂર છે પોતાની ગૂગલ, મેટા, એપલ અને એમેઝોન જેવી કંપનીની. ખરેખર તો અમેરિકા અને અન્ય દેશોની ટોચની વૈશ્વિક કંપનીઓ ભારતની ૧૪૦ કરોડથી વધુ વસ્તીનું બજાર મેળવીને જ તેઓનો મહત્તમ ધંધો કરે છે. ભારત પોતે જ પ્રોડક્ટ બનાવીને ઘરમાં જ ધંધો જાળવી રાખે ટ્રમ્પની  જાહેરાત જ બેક ફાયર પુરવાર થાય. પણ ભારત માટે તે શક્ય નથી લાગતું.પરિવર્તન  રૂપાળા સ્લોગનથી ન થાય. આત્મનિર્ભર બનવા કરતા આત્મમંથન કરવાની જરૂર છે.

ચીન સામે જુઓ

ભારતે એ રીતે પણ વિચારવાની જરૂર છે કે એચ વન બી વિઝા પૈકી ૭૧ ટકા તો ભારતીયો મેળવે છે.અમેરિકાની યુનિવર્સિ૨ટીઓમાં ૭૦ ટકા ભારતીય વિધાર્થીઓ છે. ચીનની સરેરાશ ૧૫ ટકા જ છે.તેનો અર્થ એમ કે ચીનના વિધાર્થીઓ માસ્ટર કરવા માટે અમેરિકા આવે તેનું પ્રમાણ ઘણું જ ઓછું છે. આ જ કારણે એચ વન બી વિઝા કે અમેરિકામાં નોકરી કરતા ચીની યુવાનો ભારત કરતા પાંચમાં ભાગના છે. આનું કારણ એ કે ચીનમાં એન્જિનિયરોને માટે નોકરીની તકો ચીનમાં જ સર્જાતી  હોય છે. ચીનમાં ડિગ્રી અને માસ્ટર ડિગ્રીના અભ્યાસનું સ્તર સર્જનાત્મક છે તેથી તેઓ માસ્ટર તેમના દેશમાં જ પૂર્ણ કરીને ચીનમાં જ જોબ મેળવે છે. આપણું એન્જિનિયરિંગનું શિક્ષણ માત્ર વિધાર્થીઓને યંત્રવત સોંપેલ   કાર્ય જ કરાવી શકતું છે  પણ કંઈ એન્જિનિયરો કંઇ સર્જી શકતા નથી.આથી જ અમેરિકાના શિક્ષણશાસ્ત્રીઓનો એક બહોળો વર્ગ ભારતની એન્જિનિયરિંગ કુનેહને એક ઉપજાવી કાઢેલ (હાઈપ)અને ઓવરરેટેડ ગણાવે છે.એચ વન બી વિઝા જ બંધ કરી દેવા જોઈએ તે હદની તેઓ સરકારને સલાહ આપી ચૂક્યા છે.

ચીનના એન્જિનિયરો ગૂગલ પર નિર્ભર નથી તેઓએ વર્ષોથી 'વાઇબો' વિકસાવ્યું છે. ચીનની પોતાની વૈશ્વિક કંપનીઓમાં લેનોવો, ટેન્સેન્ટ, અલીબાબા, ટી.એસ.એમ.સી., હુવેઇ, બાઈડુ , જે.ડી. ડોટ કોમ, શિઓમી , નેટ ઇઝ, જેવી ૨૫થી વધુનો સમાવેશ થાય છે.૧૦૦ જેટલી કંપનીઓ તો વિશ્વની કંપનીઓ માટે પૂરક ભૂમિકા ભજવે છે.ભારત સ્ટાર્ટ અપની સંખ્યાની રીતે ચીન કરતા ઘણું આગળ છે પણ આ કંપનીઓ કઈ પ્રોડક્ટ કે સેવા આપે છે તે મહત્ત્વનું છે. 

ચીનની મહત્તમ સ્ટાર્ટ અપ એ.આઇ. સેક્ટરમાં કાર્યરત છે.

IPLની હરાજી

ભારતમાં આઇ.પી.એલ.ની ટી ૨૦ ક્રિકેટ લીગ સૌથી સફળ અને લોકપ્રિય છે. તેમાં ટોચના ક્રિકેટરો હરાજીમાં સાતેક અઠવાડિયાની એક સિઝન રમવા માટે ૧૫થી૨૫ કરોડ રૂપિયા મેળવે છે. બીજી હરોળના ખેલાડીઓ પાંચથી દસ કરોડ મેળવે છે. જેના નામ પણ જાણીતા ન હોય તેવા પણ બે કરોડ એક સિઝનમાં કમાય છે. ફ્રેન્ચાઇઝીઓ ખેલાડીઓને તેમની ટીમમાં સ્થાન આપવા હરાજીમાં તીવ્ર હરીફાઈમાં ઉતરી બેફામ રૂપિયા ઓફર કરે છે તે જોઈને ભારતની અન્ય ક્ષેત્રની પ્રતિભાશાળી યુવા પેઢીનું હતાશા સાથે દિલ કકળી ઉઠે છે.

વિદેશમાં પણ ખેલાડીઓ અને સેલિબ્રિટી ભારત કરતા પણ વધારે કમાય છે પણ ત્યાં અન્ય ક્ષેત્ર માટે પણ સપોર્ટ સિસ્ટમ અને શૈક્ષણિક સંસ્થાઓ, કંપનીઓનું પીઠબળ મળી રહે છે.

ખરેખર તો ભારતની યુવા પ્રતિભાની ખોજ કરીને તેના સ્વપ્નને સાકાર કરવા કંપનીઓએ તેને દત્તક લેવા હરાજી જેમ હોડમાં ઉતરવું જોઈએ.

આપણે આશા રાખીએ કે ટ્રમ્પે સર્જેલી આફતને ભારત અવસરમાં ફેરવે.

જ્ઞાન પોસ્ટ

'Thought frame your portrait, action paints it.'

- Charles Glassman