Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ડૉ. કુમારપાલ દેસાઈ : Oil is the origin of terrorism? The biggest revelation of global politics!

ઓઇલ એ જ આતંકવાદનો જન્મદાતા છે? વૈશ્વિક રાજનીતિનો સૌથી મોટો ખુલાસો!

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
ઓઇલ એ જ આતંકવાદનો જન્મદાતા છે? વૈશ્વિક રાજનીતિનો સૌથી મોટો ખુલાસો!
સોર્સ : gstv

પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

App Store

આ જે યુદ્ધનો જ્વર અને સત્તાનું ઝનૂન માનવજાતિનું કલંક બની ગયા છે. રશિયાનું વિસ્તારવાદી વલણ યુક્રેનને ભાંગીને ભુક્કો કરવા માગે છે અને એના પર પ્રભુત્વ સ્થાપવા ચાહે છે. જ્યારે વિસ્તારવાદી ચીનનો ડ્રેગન હોંગકોંગ અને મકાઉ પર પ્રભુત્વ મેળવ્યા પછી હવે તાઈવાનને ગળી જવા માગે છે. યુદ્ધના આંકડાઓ એ માત્ર સ્ટેટેસ્ટીકનો વિષય બની રહ્યા છે. એને માનવીય યાતનાઓ, ભૂખમરો, બેહાલી, વિનાશ, જીર્ણશીર્ણ થઈ ગયેલા મકાનો, વૃક્ષોનું નિકંદન એ કશું દેખાતું નથી, કારણ કે હિંસાને મૃત્યુનું આલિંગન સૌથી વધુ પસંદ છે.

અમેરિકામાં જેટલી લોકોની વસ્તી છે એના કરતા વધુ બંદૂકોની સંખ્યા છે. આ પૃથ્વી પર ત્રીસ ત્રીસ સંસ્કૃતિનો ઉદય અને અસ્ત થયો અને છતાં માનવી સાચા અર્થમાં સંસ્કૃત બન્યો નથી. વિજયના ઉન્માદની વ્યર્થ દોડમાં એ આગળ ધસી રહ્યો છે અને પરિણામે ક્રૂરતા અને સંહાર માનવઅસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન બની ગયાં છે. વિખ્યાત ફિલોસોફર અને અણુયુદ્ધ સામે અહિંસક સવિનય કાનૂનભંગના આંદોલનનું નેતૃત્વ લેનાર તથા એ માટે ૮૯મા વર્ષે કારાવાસ વહોરી લેનાર બર્ટ્રાન્ડ રસેલે Conquest of happinessમાં એક માર્મિક રહસ્ય ઉદ્ધાટિત કર્યું છે. તેઓ કહે છે, 'હિટલર નેપોલિયનને અનુસર્યો, નેપોલિયન જુલિયસ સીઝરને, જુલિયસ સીઝર એલેકઝાંડર ધ ગ્રેટને (સિકંદરને) અને એલેકઝાંડર ધ ગ્રેટ શક્તિના દેવતા એપોલોને અનુસર્યો. જે કદી હતો જ નહીં.'

રશિયામાં ફાંસીના કેદીઓનો સર્વે કરવામાં આવ્યો, તો એક મહત્ત્વનું તારણ એ નીકળ્યું કે મોટાભાગના ખૂંખાર કેદીઓને બાળપણમાં કોઈ ને કોઈ પ્રાણીને મારવામાં આનંદ આવતો હતો. આજે માનવી એટલો હિંસક બન્યો છે કે પોતાની નવી બંદૂક બરાબર ચાલે છે કે નહીં તે જોવા માટે થોડાક લોકોને ગોળીથી ફૂંકી દેતાં એનું રૃંવાડુંય ફરકતું નથી. kill for the sake of Killingનું મહિમાગાન થવા લાગ્યું છે. બે-પગો હોવા છતાં એનામાંથી ચોપગાની હિંસા ગઈ નથી.

૧૯૪૭ના ઓગસ્ટ મહિનામાં નોઆખલીમાં શસ્ત્રધારી ઉશ્કેરાયેલાં ટોળાં સામે નિ:શસ્ત્ર ગાંધી ઊભા રહ્યા અને ટોળાંને આ અનુકંપાની અડગ શિલા સામે નમવું પડયું. આ સમયે લોર્ડ માઉન્ટબેટને કહ્યું :
'જે કામ આપણે આખી બ્રિગેડિયર મોકલીને ન કરી શક્યા હોત તે કામ આ માણસે એકલાએ કર્યું છે, અને હિંદુસ્તાનની પૂર્વ પાંખને ભડકે બળતી બચાવી છે.'
આ સંદર્ભમાં અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે કહ્યું, 'યુદ્ધનું આદર્શ વાક્ય છે કે બળવાન લોકો જીવિત રહે અને દુર્બળ લોકો નાશ પામે અને શાંતિનું આદર્શ વાક્ય છે કે, 'બળવાન લોકો દુર્બળ લોકોને જીવન જીવવામાં સહાયતા કરે.'
યુદ્ધના નિવારણ માટે ભગીરથ પ્રયાસો કરવા પડશે. આજે હિંસાનું શિક્ષણ બધે મળે છે. સોશિયલ મીડિયાને કારણે બાળક નાની વયથી હિંસા તરફ દોરાય છે અને એક સમયે બે વ્યક્તિની હત્યા માટે તલવાર કે કટારી હતાં હવે ધરતી પર બંદૂક અને મશીનગન અને આકાશમાં મિસાઇલ્સ અને ડ્રોન છે. હિંસા, હત્યા કે યુદ્ધને તત્કાળ ઘણી પબ્લિસિટી મળતી હોય છે, યુદ્ધવિરોધી જ્યારે અહિંસક પ્રયોગ દીર્ઘ સમય અને અખૂટ ધીરજ માગે છે. આજના પ્રચારતંત્રોને એમાં બહુ આકર્ષણ લાગતું નથી. હિંસાનું શિક્ષણ આજે ચોપાસથી મળે છે, ત્યારે હવે અહિંસાના શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ. મનિષી આચાર્ય શ્રી મહાપ્રજ્ઞાજીએ 'અહિંસા પ્રશિક્ષણ'નો અભ્યાસક્રમ ઘડયો હતો અને હિંસાના દાવાનળ વચ્ચે અહિંસાયાત્રા યોજી હતી. અહિંસાનો આ અભ્યાસક્રમ વ્યક્તિત્વ નિર્માણ કરે અને માનવીના ચિત્તને પ્રશિક્ષિત કરે. શ્રી નારાયણ દેસાઈએ તો અહિંસક પ્રતિકારની ૧૭૮ પદ્ધતિઓ આલેખતું પુસ્તક લખ્યું છે.

વળી વિચારીએ કે કોઈ એવો દેશ છે કે જે જગતનો શાંતિમય દેશ હોય. આ સંદર્ભમાં 'ઇન્સ્ટિટયૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ ગ્લોબલ ઇન્ડેક્સ' મુજબ નાનકડો આઇસલેન્ડ આ વિશ્વનો સૌથી વધુ શાંતિભર્યો અને આરામદાયક દેશ છે. આ આઇસલેન્ડની વસ્તી અંદાજે ૩,૭૬,૨૪૮ છે. વિશ્વની સૌથી જૂની અને સૌથી લાંબો સમય ચાલતી પાર્લમેન્ટ અહીં જોવા મળે છે. બીજા દેશો કરતાં અહીં ટેક્સ સાવ નજીવો છે. એના નાગરિકોને વૈશ્વિક કક્ષાની આરોગ્યસેવા અને શિક્ષણ મળે છે. અહીં વ્યાપારમાં મોકળાશ અને સરકારી કામકાજમાં પારદર્શકતા છે. આઇસલેન્ડ પાસે કોઈ લશ્કર તો શું, એક સૈનિક પણ નથી. વધુમાં વધુ એના દરિયાકાંઠાનું રક્ષણ કરનારા થોડાં સશસ્ત્ર ગાર્ડ છે.

તાજેત૨ના વર્ષમાં આઇસલેન્ડમાં લગભગ બે હજાર મૃત્યુ નોંધાયાં છે. આઇસલેન્ડમાં કોઈ ખૂન થતું કેટલાંક વર્ષોથી જોવા મળતું નહોતું. માત્ર છેલ્લાં બાર વર્ષનાં ગાળામાં આવી બાવીસ ઘટનાઓ બની છે, પરંતુ આ દેશને યુદ્ધમાં કોઈ મૃત્યુ પામ્યું હોય એવો અનુભવ નથી અને એને કા૨ણે જ આઇસલેન્ડના લોકો શાંતિથી જીવી શકે છે. ક્યારેય આ વિશ્વ આવું શાંતિપૂર્ણ બને ખરું?

અહીં મને ઓટો વાન બિસ્માર્કના એ વિચારનું સ્મરણ થાય કે, 'જેણે યુદ્ધભૂમિ પર કરુણ મૃત્યુ પામતા સૈનિકના ચમકદાર નેત્રોમાં દ્રષ્ટિ નાખી છે, એ યુદ્ધનો પ્રારંભ કરતાં પહેલાં ઘણો વિચાર કરશે.'

ક્યારેક એમ પણ લાગે કે યુદ્ધને કારણે મૂળ સમસ્યાઓનું નિરાકરણ વધુ ગૂંચવાતું હોય છે અને અદ્યતન શસ્ત્રાસ્ત્રોના ઉપયોગને લીધે જાન- માલની ખુવારીનો આંકડો 'દિવસે ન વધે એટલો રાતે અને રાતે ન વધે એટલો દિવસે' વધતો જાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ(૧૯૧૪-૧૮)માં એક કરોડ માનવીઓ મૃત્યુ પામ્યાં અને બે કરોડ જેટલાં ઘવાયાં હતાં. બીજા વિશ્વયુદ્ધ(૧૯૩૯-૪૫)માં મૃત્યુનો આંક આશરે પાંચ કરોડ પાંસઠ લાખનો હતો. એમાંથી બે કરોડ જેટલા તો સોવિયેટ સંઘના લોકો હતાં. ૧૯૬૫- ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન સમયનાં યુદ્ધ સમયે દસ લાખ અને ત્રીસ હજાર માણસોની ખુવારી થઈ હતી. હવે તો ભય એવો છે કે હજાર કે લાખની સંખ્યામાં નહીં, પણ કરોડની સંખ્યામાં યુદ્ધમાં લોકો મૃત્યુ પામશે અને ઘાયલ થશે અને 'મહાભારત'ના કુરુક્ષેત્રના રણમેદાન પર ખેલાયેલું યુદ્ધ અઢાર દિવસમાં પૂર્ણાહુતિ પાડયું હતું, પણ આજના સમયમાં યુદ્ધના પ્રારંભ પછી એનો અંત મળવો મુશ્કેલ બની ગયો છે. ત્રણ-ત્રણ વર્ષ સુધી ચાલનારા યુદ્ધોના ઉદાહરણ આપણી આસપાસ જ યુદ્ધ વર્ષોનાં વર્ષો સુધી ચાલશે.

માત્ર જરૂ૨ છે, અહિંસામાં શ્રદ્ધાની. ૧૯૦૦થી ૨૦૦૬ સુધીના ડેટાનું વિશ્લેષણ કરતા રાજકીય વૈજ્ઞાનિકો એરિકા ચેનોવેથ અને મારિયા સ્ટેફને શોધી કાઢયું છે કે અહિંસક સફળતાનો દર ૫૩ ટકા હતો, જ્યારે હિંસક ઝુંબેશની સફળતાનો દર માત્ર ૨૬ ટકા હતો. વળી હિંસક બળવો સરમુખત્યારશાહી અને જનતાના દમનનાં નવાં સ્વરૂપોનો ઉદ્ભવ કરે છે. જ્યારે અહિંસક પ્રતિકાર સરમુખત્યારશાહીના અંત પછી સ્થિર, શાંતિપૂર્ણ અને લોકશાહી શાસનની સંભાવના વધારે છે. યુદ્ધો થોડા સમયનાં હોય કે લાંબા સમયનાં, પરંતુ ભયાનક વિનાશ અને રક્તપાત તરફ દોરી જાય છે અને એમાં લાંબો સશસ્ત્ર સંઘર્ષ વિરોધીઓને બાહ્ય સમર્થન ૫૨ અને બીજા દેશોના સાથ પર નિર્ભર બનાવે છે.

આજે વિશ્વમાં અનેક દેશોમાં યુદ્ધવિરોધી આંદોલનો થઈ રહ્યાં છે. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ફ્રાન્સના લશ્કરમાં પરાધીન સેનેગલ દેશના વતની સેમ્બેને ઓસમનેને ફરજિયાત જોડાવું પડયું અને 'ફ્રી ફ્રેન્ચ ફોર્સ' વતી દ્વિતીય વિશ્વયુદ્ધમાં કામ કરવું પડયું. એ પછી આ લેખક, અભિનેતા, ફિલ્મદિગ્દર્શક અને નિર્માતા પોતાની માતૃભૂમિ ઉત્તર આફ્રિકાના સેનેગલ દેશમાં આવ્યો. સામ્રાજ્યવાદી ફ્રાન્સનાં યુદ્ધ કાજે શસ્ત્રો લઈ જતાં વહાણોની સામેના આંદોલનની એણે આગેવાની લીધી.
આ સંદર્ભમાં 'નેચર અહિંસક છે અને કલ્ચર હિંસક છે' એમ કહેનારી ગેબ્રિયલ હેલ્મર યાદ આવે છે. એણે બે વર્ષીતપ અને માસક્ષમણ કર્યા. એના પિતા ટૂંકા હાથને કા૨ણે જર્મન લશ્કરમાં ભરતી થતા રહી ગયા. પણ શાસકો કહે તે પાક એમને ઉગાડવો પડતો અને એની માતાને લશ્કરના હુકમ અનુસાર કોઈને કોઈ જગાએ કામે જવું પડતું. જૈન ધર્મમાં એને યુદ્ધ વિરોધી વિચારધારા જોવા મળી. યુનિવર્સિટી ઓફ સ્વિટ્ઝર્લેન્ડમાં એ અનુસ્નાતક થઈ. આજે એના રૂમમાં ફર્નિચર નથી. આટલી હિંસા પણ શા માટે? કાર અને વિમાનના પ્રવાસનો ત્યાગ કર્યો અને કહે છે કે જેમ ત્યાગ કરું છું, તેમ વધુ સમૃદ્ધ હોવાનો અનુભવ થાય છે. ટ્રેન કે બસને બદલે એન્ટવર્પની કડકડતી ઠંડીમાં સાઇકલ પર ફરે છે અને માને છે કે આ ઓઇલનો ઉપયોગ એ જ આતંકવાદનો જન્મદાતા છે.

તાજેતરમાં થયેલો ફ્લોટિલા સત્યાગ્રહ જેમાં ૪૪ દેશની ૪૪ નૌકામાં પાંચસો માણસો ગાઝાના અછતગ્રસ્તોને મદદ કરવા ગયા હતા. એમણે ઇઝરાયલના હુમલાની ચિંતા કરી નહીં.

દક્ષિણ કોરિયાની લેખિકા હાન કાંગે ગાઝામાં થતા બોમ્બમારાને કારણે પોતાને મળેલા નોબેલ પારિતોષિકની ઉજવણી કરી નહીં. આ રીતે જગતભરમાં અહિંસાનો ઉદ્ધોષ થતો રહે છે અને એ જ આવતીકાલની આશા છે.

મનઝરૂખો
સતત ચાર વખત અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં વિજેતા બનનાર ફ્રેન્કલિન રૂઝવેલ્ટ એવા એકમાત્ર પ્રમુખ છે કે જેણે બાર વર્ષ સુધી આ ગૌરવવંતો હોદ્દો શોભાવ્યો હતો.

પ્રથમ વિશ્વયુદ્ધ સમયે અમેરિકાના નૌકાદળના મદદનીશ સચિવ તરીકે ફ્રેન્કલિન રૂઝવેલ્ટે યુરોપનાં યુદ્ધમેદાનોનો પ્રવાસ કર્યો; પરંતુ ૧૯૨૧ના ઓગસ્ટમાં રૂઝવેલ્ટને લકવો થતાં ગરમ પાણીના ઝરામાં તરવા માટે જવું પડતું. એ સમયે આવા ગરમ પાણીના ઝરાનો લાભ લકવા ધરાવતા ગરીબ દર્દીઓને મળતો નહોતો, તેથી ફ્રેન્કલિન રૂઝવેલ્ટે ગરમ પાણીના ઝરા ખરીદી લીધા અને ઘણાં વર્ષો સુધી દર્દીઓને ઓછા ખર્ચે સા૨વા૨ની સગવડ કરી આપી. ધીરે ધીરે તબિયતમાં સુધારો થતાં રૂઝવેલ્ટે રાજકારણમાં પુનરાગમન કર્યું. ૧૯૨૮માં અને ૧૯૩૦માં ન્યૂયોર્કના ગવર્નર તરીકે ચૂંટાયા. એ પછી ડેમોક્રેટિક પક્ષ તરફથી પક્ષાઘાતની અસર ધરાવતા રૂઝવેલ્ટ ૧૯૩૨માં પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા રહ્યા અને ૧૯૩૩માં માર્ચ મહિનામાં પુન: પ્રમુખ બન્યા. એમના નેતૃત્વ અને અનુભવોને કા૨ણે તેઓ પ્રમુખ તરીકે ચૂંટાતા રહ્યા, એટલું જ નહીં, પણ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન શારીરિક મુશ્કેલીઓ ધરાવતા રૂઝવેલ્ટ ઘણી વાર વિદેશના પ્રવાસે ગયા. પ્રમુખ રૂઝવેલ્ટે ચર્ચિલ અને સ્ટાલિન જેવા રાજપુરુષો સાથે યુદ્ધ અંગે અને એ પછી શાંતિના સમય અંગે ચર્ચાઓ કરી. ૧૯૪૪માં રૂઝવેલ્ટ ચોથી વાર અમેરિકાના પ્રમુખ બન્યા. દેશમાં અને વિદેશમાં અનેક પ્રવાસો કરતા રૂઝવેલ્ટ પક્ષાઘાતની શારીરિક મુશ્કેલીઓ હોવા છતાં ક્યારેય થાકતા નહીં. લાંબા પ્રવાસ બાદ પણ એમના ચહેરા પર તાજગી દેખાતી હતી.

એક વાર અમેરિકાના આ કર્મઠ પ્રમુખને કોઈએ પૂછયું, ''આટલો બધો શ્રમ ઉઠાવો છો અને આટલી બધી શારીરિક પીડા સહન કરો છો, એનું રહસ્ય શું?'' પ્રમુખ રૂઝવેલ્ટે કહ્યું, ''અડગ સહનશક્તિ. તમે જે માણસને જુઓ છો એને પક્ષાઘાત પછી પગનો અંગૂઠો હલાવવાનું પૂરેપૂરું શીખતાં બે વર્ષ લાગ્યાં હતાં. આ જ સહનશક્તિએ મને હંમેશાં કામના થાકને બદલે નવી તાજગી આપી છે.''