Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

GSTV શતરંગ: ભયભીત માનવી

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: ભયભીત માનવી
સોર્સ : GSTV

અ માસની અંધારી રાત હતી. એક ચોર ભરી બંદૂકે ચોરી કરવા કોઈના ઘરમાં ઘૂસ્યો.

App Store

હાથમાં બંદૂક હતી, પણ હૃદયમાં ભય હતો, ડરતાં ડરતાં તે મકાનમાં પ્રવેશ્યો, આજુબાજુ નજર નાખતો જાય, કોઈ જોતું નથી એની ખાતરી કરતો જાય.

ભયથી ધ્રૂજતા હાથે એણે બારણું ઉઘાડયું.

કેવું આશ્ચર્ય ! બારણું સાવ ખુલ્લું હતું, પણ ખુલ્લું બારણું જોઈને વળી એક શંકા થઈ. કોઈ કાવતરું તો નથી ને ?

જેવું બારણું ઉઘાડયું કે સામે એક માણસ ઊભેલો દેખાયો. એના હાથમાં બંદૂક હતી. હત્યારાના જેવો એનો વિકરાળ ચહેરો હતો.

પળનો ખેલ હતો. ચોરે વિચાર્યું કે નક્કી, આ પહેરેગીર હોવો જોઈએ અથવા તો એને જેર કરવા ભમતો ડિટેક્ટિવ હોવો જોઈએ.

ચોરને થયું કે હવે પાછા ફરવામાં મોત છે. લાંબું વિચારવાનો વખત નથી. જો પેલો બંદૂકમાંથી ગોળી છોડી દે, તો તેમાંથી બચવું મુશ્કેલ હતું. મોત સાવ સામે ઊભું હતું. એણે તરત જ ગોળી મારી.

એક ક્ષણમાં ખરાખરીનો ખેલ ખેલાઈ ગયો. ગોળીના અવાજથી શાંત વાતાવરણ ગાજી ઊઠયું, પરંતુ ચોરે જોયું તો એની ગોળીથી કોઈ વસ્તુ ચૂરેચૂરા થઈને વિખરાઈ ગઈ હતી.

એની સામે અરીસો હતો. આ અરીસાને એની ગોળી વાગી હતી. ભયને કારણે ચોર પકડાઈ ગયો.

આજે માનવીના હૃદયમાં સર્વત્ર ભય ફેલાયેલો છે. વ્યક્તિ ઘરમાં હોય કે બજારમાં હોય, શહેરમાં હોય કે સહેલગાહે હોય - પણ એને ક્યાંય સલામતી દેખાતી નથી. ભયના ઓથાર હેઠળ એ શ્વાસ લે છે.

સતત ભયથી પીડાતો માનવી અભયને ક્યાંથી જાણી શકે ? જે પોતે અભયને જાણી શકે નહીં, તે અન્યને કઈ રીતે અભયનું દાન કરી શકે ?

વાસ્તવિક પરિસ્થિતિ તો સાવ જુદી છે. અભયની ભાવનાને અભાવે જે માનવી ભયભીત બન્યો છે. એના હૃદયમાં ભય છે, એથી જ એ સઘળે ડર અને બીકને જુએ છે. રાત-દિવસ એ એક યા બીજા ભયથી ધૂ્રજે છે. માનવી જેવો ભીતરમાં હોય છે, તેવું જ એને બહાર પ્રતિબિંબ દેખાય છે. એની અંદર ભય છે માટે જ બહાર બધે શત્રુ દેખાય છે.