Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / હસ્મુખ ગજ્જર : Restrictions in the Gulf of Hormuz threaten global crisis in crude oil, gas and food

GSTV શતરંગ: હોર્મુઝ ખાડીમાં પ્રતિબંધથી ક્રૂડ ઓઇલ ગેસ અને ફૂડના વૈશ્વિક સંકટનો ખતરો

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: હોર્મુઝ ખાડીમાં પ્રતિબંધથી ક્રૂડ ઓઇલ ગેસ અને ફૂડના વૈશ્વિક સંકટનો ખતરો
સોર્સ : GSTV

અમેરિકા ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના યુધ્ધમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું નામ ખૂબ ચર્ચાયું છે. ઇરાન અને ઓમાન વચ્ચેના સાંકળા દરિયાઇ માર્ગની અડચણો અને નાકાબંધી જેવી સ્ફોટક પરિસ્થિતિના પગલે ક્રૂડ ઓઇલ અને ગેસના અનેક ટેન્કરો અટવાયેલા છે. દુનિયાના મોટા ભાગના દેશો પોતાની જરુરિયાતો એક બીજા પર અવલંબન ધરાવે છે કારણ કે પૃથ્વી પર કોઇ પણ દેશને કુદરતે પોતાની જરુરિયાતના રિસોર્સ એક સરખા આપ્યા નથી. ઇરાન,કતાર અને સાઉદી અરબ સહિતના ગલ્ફ દેશો પાસે ક્રૂડ ઓઇલ અને ગેસનો ભંડાર છે. ભારત પાસે ખેતી અને ઉધોગો સારા એવા પ્રમાણમાં છે પરંતુ ક્રૂડ તેલ, ગેસ અને રાસાયણિક ખાતરો મોટા પાયે આયાત કરવા પડે છે. ચીન જેવો દેશ રેર અર્થ મિનરલ અને મેન્યુફેકચરિંગમાં આગળ પડતો છે. જાપાન પાસે ટેકનોલોજી અને સંશોધનો છે પરંતુ લોખંડ સહિતની ધાતુઓ અને રેર અર્થ મિનરલની આયાત કરવી પડે છે. વિશ્વમાં કોઇ એક જગ્યાએ યુધ્ધ કે અન્ય કારણોસર સપ્લાય અટકે ત્યારે તેની અસર વૈશ્વિક અર્થતંત્ર પર થતી હોય છે. ૨૪ ફેબુ્રઆરી ૨૦૨૨માં યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ શરું થયું ત્યારે દુનિયામાં પેટ્રોલ અને ડિઝલ સહિતની ચીજ વસ્તુઓના ભાવ વધારાએ મુશ્કેલી સર્જી  હતી. 

App Store

ઇરાન અને ઓમાનની વચ્ચેના સાંકળા હોર્મુઝ દરિયાઇ માર્ગથી  વિશ્વનો ૨૦ ટકા જેટલો ક્રુડ અને ગેસનો જથ્થો પસાર થાય છે.

ક્રૂડ અને ગેસ જ નહી રાસાયણિક ખાતરો અને અનાજ-ફૂડના માલવાહજ જહાજોના આવન જાવનનો મુખ્ય જળ રસ્તો છે.  અનાજ સહિતની જીવન જરુરીયાતની ચીજવસ્તુઓ મંગાવતા યુએઇ, કતાર, કુવૈત, ઓમાન, બહેરીન અને સાઉદી અરબ જેવા ખાડી દેશો માટે હોર્મુઝ જળમાર્ગ જીવનરેખા સમાન છે. આથી જો ઇરાન યુધ્ધનો કોઇ નિવેડો ના આવે અને હોર્મુઝ કટોકટી  યથાવત રહેશે  તો અફાટ રણ ધરાવતા દેશોમાં ખાવા પીવાની વસ્તુઓનો પુરવઠો ખૂટી શકે છે. સુરક્ષિત ભંડારો થોડાક મહિનામાં જ ખતમ થઇ શકે છે. ખાડી દેશો પોતાની જીવન જરુરિયાતનું ૮૦થી ૯૦ ટકા અનાજ, માંસથી લઇને ડેરી ઉત્પાદકો અને ખાધ્ય તેલ વિદેશથી લાવવા માટે  હોર્મુઝ પર નિર્ભર છે. આવી સ્થિતિમાં રાશનિંગ કોટા સિસ્ટમ અથવા તો લાલ સાગર અને ઓમાનની ખાડી જેવા વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા માટે પણ મજબૂર થવું પડશે. ખેત ઉત્પાદનો માટે મહત્વના એવા એમોનિયા, ફોસ્ફેટ અને સલ્ફર જેવા ખાતરોનો ૨૦ ટકાથી વધારે હિસ્સો ખાડી દેશોમાંથી આવે છે. વિશ્વમાં જેનો સૌથી વધારે વપરાશ થાય  છે તે યુરિયા એક નાઇટ્રોજન ખાતર છે જેમાં કતાર દેશ દુનિયાની સપ્લાય ચેનનો ૧૦ ટકા જેટલો ઉત્પાદન હિસ્સો ધરાવે છે. ગત સપ્તાહે ઇઝરાયેલ ઇરાનના સૌથી મોટા ગેસ ફિલ્ડ સાઉથ પાર્સ  પર હુમલો કર્યો તેના બદલામાં ઇરાને  કતારના સૌથી મોટા એલએનજી અને ફર્ટિલાઇઝર હબ રાસ લફ્ફાન પર મિસાઇલ હુમલો કરતા વિશ્વના ઉર્જા બજારમાં હાહાકાર મચી ગયો હતો. 

કતારના આ વિશાળ ગેસ ફિલ્ડને નુકસાન થવાથી વર્ષે ૧૭ ટકા ગેસ ઉત્પાદન ઘટવાનું ૨૦ બિલિયન ડોલરનું વર્ષે નુકસાન થવાનો અંદાજ છે. એનર્જી માળખાને ફરી કાર્યાન્વિત કરવા મહિનાઓ લાગી શકે છે. ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાન યુધ્ધમાં એક તો ઉર્જા માળખા પર નુકસાન અને બીજુ કે હોર્મુઝ સ્ટ્રેટ પરનો અવરોધ એમ બેવડો માર સહન કરવો પડયો છે.  સંયુકત રાષ્ટ્રસંઘની સંસ્થા યુએનસીટીએડી મુજબ દર મહિને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માંથી ૧૩.૩ લાખ ટન ખાતરની નિકાસ થાય છે.

 આથી જો આ દરિયાઇ માર્ગ માત્ર એક મહિના માટે પણ જો બંધ રહે તો દુનિયાભરમાં ખાતરની તંગી પડી શકે છે. મકાઇ, ઘઉં અને ચાવલ જેવા પાકોની પેદાશ ઓછી થવાનો પણ ખતરો રહે છે. કેટલાક ધન ધાન્ય પાકોનું ઉત્પાદન વધારવા નાઇટ્રોજન ખાતર (યુરિયા)ની વિશેષ જરુર પડે છે. ભારત સહિત સમગ્ર દક્ષિણ એશિયા, બ્રાઝિલ અને યુરોપિય સંઘ પર ખાતરોની  ઉપલબ્ધતા પર વિપરિત અસર પડી શકે છે. કૃષિ પેદાશોના બે અગ્રણી દેશ બ્રાઝિલ પોતાની જરુરિયાતના ૪૦ ટકા નાઇટ્રોજન અને ભારત બે તૃતિયાંશ નાઇટ્રોજન ખાતરો માટે ખાડી દેશો પર નિર્ભર છે.  

રશિયા, ચીન, અમેરિકા અને મોરકકો જેવા ખાતર ઉત્પાદક દેશોએ ઉત્પાદન ક્ષમતા વધારવી પડશે. ચીને ફોસ્ફેટ અને નાઇટ્રોજન જેવા ખાતરો પરની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે આ પ્રતિબંધ ઉઠાવી લેવાની ફરજ પડી શકે છે. ભારત જેવા દેશોએ પુરતી આયાત ના થઇ શકે તેવા કિસ્સામાં અછતને પહોંચી વળવા ઘર આંગણે ખાતર ઉત્પાદન વધારવું પડશે. ખાધ્ય અને અખાધ્ય વસ્તુઓની કિંમત નકકી કરવામાં ક્રુડ તેલ અને ગેસની મોટી ભૂમિકા હોય છે. ટ્રેકટર જેવા ખેતીના મશીનો, પાકને બજાર સુધી પહોંચાડતા વાહનો,આ ઉપરાંત ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજ માટે પણ ઉર્જા મહત્વની છે. યુધ્ધ રીતે આર્થિક નબળા દેશોની તો યુદ્ધ કમર તોડી નાખે છે. ખેત ઉત્પાદનોમાં ખર્ચ વધશે તો તેનો પોષણક્ષમ ભાવોની પણ  માંગ ઉઠતી રહેશે. કતારની ગેસ રિફાઇનરી પરના હુમલા પછી ઇઝરાયેલે ઉર્જા ક્ષેત્રો પર હુમલા નહી કરવાની વાત કરી છે જે રાહત આપનારી બાબત છે. જો કે ઇરાનનો  ક્રુડ ભંડાર ગણાતા ખાર્ગ ટાપુ  પર કબ્જો મેળવવાની નવી લડાઇ ફાટી નિકળે કે ઇરાનમાં સૈન્ય ઉતારવામાં આવે કે પછી રાબેતા મુજબ ઇરાન -ઇઝરાયેલ એક બીજાના આર્થિક ક્ષેત્રો પર મિસાઇલ, ડ્રોન અને એર સ્ટ્રાઇક કરતા રહેશે ત્યાં સુધી ઉર્જા સ્થાનોને જોખમ રહેવાનું છે. ઇરાનના નવા સર્વોચ્ચ નિયુકત નેતા મોજતબા ખામેનીઇનો સંદેશ ઇરાની ટીવી પર વાંચવામાં આવ્યો જેમાં જણાવાયું હતું કે એક પ્રમુખ વૈશ્વિક શિપિંગ માર્ગ હોર્મુઝ દબાણના હથિયાર તરીકે આગળ જતા પણ બંધ રહેશે. અમેરિકાએ હોર્મુઝ ખાડીની ઇરાન દ્વારા થઇ રહેલી નાકાબંધીને અટકાવવા યુરોપ અને સહયોગી નાટો દેશોને મદદ માટે વિનંતી કરી હતી. યોગ્ય પ્રતિસાદ ના મળતા હાલ પુરતા તો અમેરિકા-ઇઝરાયેલ જોખમ લઇને હોર્મુઝ સ્ટ્રેટ ઇરાન પાસેથી છોડાવવા ઘાતક પ્રયાસો કરી શકે છે. ૧૯૮૧થી ૧૯૮૮ સુધી ઇરાન અને ઇરાક વચ્ચે ફારસની ખાડી અને હોર્મુઝ સ્ટ્રેટમાં ખતરનાક ઓઇલ ટેન્કર યુધ્ધ ફાટી નિકળ્યું હતું. આંતરરાષ્ટ્રીય દરમિયાનગીરીથી ઓઇલ ટેન્કરોને રક્ષણ આપીને હોર્મુઝ ખાડી પાર કરાવવામાં આવતા હતા. ફરી ક્રૂડ અને ગેસના કારોબારમાં હોર્મુઝ જંગનું મેદાન બન્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય હોર્મુઝ ક્રાઇસિસનો કેવી રીતે નિકાલ આવે છે તેના પર વિશ્વની શાંતિ અને સમૃધ્ધિનો મદાર રહેલો છે.