Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

GSTV શતરંગ: આધિ-વ્યાધિ-ઉપાધિ - કમ્પલસરી : નો ઓપશન

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: આધિ-વ્યાધિ-ઉપાધિ - કમ્પલસરી : નો ઓપશન
સોર્સ : gstv

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

App Store

શું આજે માણસે આધિ-વ્યાધિ અને ઉપાધિમાં જ જીવવાનું ?

પ્રશ્નકર્તા : નૈષધ દેરાશ્રી, ૨૦ નાલંદા સોસાયટી, ગાયત્રી હોસ્પિટલ સામે, જામનગર (સૌરાષ્ટ્ર)

જી વન ક્યારેય દુ:ખ મુક્ત રહ્યું નથી પણ માણસની સહિષ્ણુતા જુદા-જુદા પ્રકારની હોય છે. સંતો વધુ સહિષ્ણુ હોય છે અને દુ:ખની લેશમાત્ર પરવા કરતા નથી. તેઓ માને છે કે જિંદગીમાં દુ:ખો તો સહજ છે એનાથી ગભરાવાનું ન હોય એમને પડકારવાનાં જ હોય. કબીર 

કહે છે -

''દેહ ધરેકા રોગ હૈ !

સબ કાહુકો હોય,

જ્ઞાની ભુકતે જ્ઞાનસે

મુરખ ભુગતે રોય''

જેમને આપણે દિવ્ય પુરુષો કે અવતારો માનીએ છીએ તેઓ પણ ક્યાં દુ:ખ મુક્ત હતા ? રામ હોય કે કૃષ્ણ, ગૌતમ હોય કે મહાવીર, ઈસુ મસીહ હોય કે મહમ્મદ પેગંબર, ગુરુનાનક હોય કે અન્ય દૈવી પુરુષ એમણે દુ:ખની અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું જ પડયું હતું. અહીં આધિ-વ્યાધિ-ઉપાધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ ત્રણ પ્રકારનાં દુ:ખોનો અર્થ સમજીએ.

* આધિ : જે ત્રણ પ્રકારના દુ:ખોમાંનું એક છે. જે દૈવયોગે થાય છે. તે ટાઢ, તાપ, દુકાળ, મરકી આદિથી થતાં દુ:ખ.

    આધિભૌતિક : દુ:ખને પોતાના શરીર રૂપ સંધાનથી ઉત્પન્ન હોય અને ઈન્દ્રિયનો વિષય હોય તે અને તેનાથી ઉત્પન્ન થતું જે દુ:ખ તે આધિભૌતિક દુ:ખ. જેમ કે, ચોર, વાઘ, સર્પ વગેરે.

* આધ્યાત્મિક દુ:ખ : દુ:ખનો ત્રીજો પ્રકાર તે આધ્યાત્મિક દુ:ખ. આત્માને આશ્રયે રહેવાવાળાને સ્થૂળ-સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન દુ:ખ જેને અધ્યાત્મ તાપ પણ કહે છે જેમકે રોગ, ભૂખ, તરસ, શોક, મોહ આદિથી થતું દુ:ખ. કર્મ પ્રમાણે સુખ-દુ:ખોની પ્રાપ્તિ માણસને થતી જ હોય છે. ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કર્મમાંથી જેટલાં દુ:ખ કે સુખ મનુષ્યના લલાટે લખાયાં હોય છે તે સમય મુજબ આવતાં-જતાં હોય છે. પાપ, પુણ્ય અને મિશ્રિત એ પ્રકારે પણ કર્મના ત્રણ ભેદ છે. કુદરતનાં તત્વો પણ ચડતી-પડતીનાં દુ:ખોથી મુક્ત નથી. સવારે ખીલેલા ફૂલના નશીબે સાંજે કરમાવાનું હોય છે. વહેતા ઝરણાંએ પણ અનેક સંકટો વચ્ચેથી પોતાનો માર્ગ કાઢવાનો હોય છે. સવારે ઉગેલા સૂર્યે સાંજે આથમવાનંા નિશ્ચિત છે. આમાંના કોઈ પણ આધિ-વ્યાધિ કે ઉપાધિની ફરિયાદ કરતાં નથી.

આપણે દુ:ખોને સહજ દ્રષ્ટિથી જોવાં જોઈએ. કવિ રાજેન્દ્ર શાહના શબ્દોમાં કહીએ તો :

ભાઈ ! રે આપણા દુ:ખનું કેટલું જોર ?

''આપણે ના કાંઈ રંક

ભર્યો - ભર્યો માંહયલો

કોશ અપાર

આવવું હોય તેને

આવવા દો,

મૂલવશું નિર્ધાર.

ભાઈ રે ! આપણા

દુ:ખનું કેટલું જોર ?''

દુ:ખ માણસને માંજે છે. તેના ધૈર્યની કસોટી કરે છે. તેની સહિષ્ણુતાની પરીક્ષા કરે છે. એટલે ખુમારી પૂર્વક કહેવું જોઈએ કે,

''આવવું હોય તેને આવવા દો

મૂલવશું નિર્ધાર.''

દુ:ખને અભિશાપ માનવાને બદલે ઈશ્વરે મોકલેલો પ્રસાદ માનવું જોઈએ. સર વિલિયમ હેમિલ્ટને ઉચિત જ કહ્યું છે કે આ પૃથ્વી પર માણસથી મહાન બીજું કાંઈ નથી અને માણસમાં તેના મનથી બીજું કંઈ પણ મહાન નથી. પ્રભુએ તો સર્જેલું છે સુખ મન મનનું માની લે છે દુ:ખ આ રૂડી-રૂપાળી ધરતી.

''આ નીલ-નીલ નભની

નિત નવ્ય શોભા,

આ રૂપ અને રસતણું

કાવ્ય વસુંધરાનું

આવ્યા ન અહીં તો

ક્યાં મળત આ બધું

માણવાનું ?''

કોઈ પણ યુગનો માનવી આપણી જેમ આધિ-વ્યાધિ- ઉપાધિને વશ રહ્યો છે. તેથી દુ:ખનો વસવસો રાખવો નહીં, સુખ-દુ:ખ આખરે તો વસ્તુ ઘટના કે વ્યક્તિ અથવા પરિસ્થિતિ પ્રત્યેનો માણસનો દ્રષ્ટિકોણ છે. આવા દ્રષ્ટિકોણનો આધાર માણસના રાગદ્વેષ વગેરે કારણો અને પરિબળોથી પ્રભાવિત હોય છે. પહેલું સુખ તે જાતે નર્યાં માણસનું આરોગ્ય એ સૌથી મહત્વની વસ્તુ છે. બધાં જ રોગો ઈશ્વર કે પ્રકૃતિદત્ત નથી હોતા. ઘણા બધા રોગો મનુષ્યના ખાન-પાન કે વિહારમાંથી જન્મેલા હોય છે. પ્રાચીનકાળમાં રોગો ઓછા હતા. અને મૃત્યુ નિયંત્રક ઔષધો પણ ઓછાં હતાં. આજે ઘણા રોગો દવાની આડ અસરથી થાય છે.

માણસને દુ:ખને ખંખેરીને જીવતાં નથી આવડતું. એટલે દુ:ખનો ટોપલો ઉંચકીને માણસ ફરિયાદ સાથે જીવે છે. દરેક યુગનું જીવન આધિ-વ્યાધિ અને ઉપાધિથી મુક્ત નહોતું જ.