Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / જય વસાવડા : Vacation Reading: 25 Books to Read in 2026

GSTV શતરંગ/ વેકેશન વાંચન: 2026માં વાંચવા જેવા 25 પુસ્તકો

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ/ વેકેશન વાંચન: 2026માં વાંચવા જેવા 25 પુસ્તકો
સોર્સ : GSTV

- સ્પેક્ટ્રોમીટર

App Store

- જય વસાવડા

તો હાજર છે સિલ્વર જ્યુબિલી ઇયર વેકેશન આર્ટિકલ્સનું  તાજું રીડિંગ લિસ્ટ.

(૧) લેટ્સ કિલ ગાંધી : ગાંધીજીને વગર સમજ્યે ગાળો દેવાની તો ફેશન થઈ ગઈ છે. ટિપિકલ ગાંધીવિરોધી ફેક્ટરીમાં તૈયાર થયેલા ફાંકોઠોક મેસેજીસ ચાટી જનારાને પૂછો તો ગાંધીજીનું કે એમના સહયોગીઓએ લખેલું એક પુસ્તક  પણ વાંચ્યું ન હોય. ગાંધીહત્યાને બિરદાવીને નથુડા ગાંડાને દેશભક્ત ચીતરતા અપરાધી મનોરોગીઓ હોરર ઝોમ્બીની જેમ વધતા જાય છે. ગાંધીજી પાકિસ્તાનને ૫૫ કરોડ અપાવવા ઉપવાસ પર બેઠેલા, એ વાત જ ઐતિહાસિક જૂઠ છે તો એના કારણ આગળ ધરનારા કેવા ગપોડી હોય. પણ ગાંધી હત્યાના પ્રયાસો (ખુદ ગોડસે સામેલ હોય એવા) અગાઉ પણ થયેલા પણ એ મુકદ્દમા, અને એની સાથે જોડાયેલા તમામ જૂઠનો પર્દાફાશ કરતું આ પુસ્તક ગાંધીજીના એક્ટીવિસ્ટ પુત્ર તુષાર ગાંધીએ લખ્યું છે, ને કેયુર કોટકે ગુજરાતી અનુવાદ કર્યો છે. ઇતિહાસની સચ્ચાઈ જાણવા માટે ધ બેસ્ટ.

(૨) સીપિયાં : જાવેદ અખ્તરનું આ નવું પુસ્તક બેનમૂન છે. કબીર, રહીમ, વૃંદ, તુલસી વગેરે સદીઓ અગાઉ થઈ ગયેલા ભક્ત લોકકવિઓના  જીવન જીવવાનું ડહાપણ બે-ચાર પંક્તિઓમાં ઠાલવી દેતા દોહા પ્રસિદ્ધ છે. વર્ષોથી ગવાય- ચર્ચાય છે પણ જ્યારે બોલે, ત્યારે  કોઈ નવી ઇનસાઇટ મળે એવા જાવેદસા'બે જે અર્થઘટનો એના કર્યા છે, તે લાજવાબ છે. સરળ ભાષામાં એવી સમજૂતી છે કે જો દિમાગમાં ઉતરી જાય, તો જીવન જીવવાની દિશા બદલાઈ જાય ! નામ મુજબ છીપલામાંથી મોતી બહાર કાઢ્યાં છે અહીં !

(૩) તુબંતુંબા : 'ધ સિક્રેટ ઓફ ધ મેજીક ગ્રાઉડ' નામની ઝાંગ નિયાત્ચીની આ ચાઇનીઝ કથા પર ડિઝનીની નજર એકવીસમી સદીમાં પડી, એ પહેલા આપણા બાળ સાહિત્યસર્જક રમણલાલ સોનીની પડી ગઈ હતી, અને 'ગુજરાત સમાચાર'ના બાળ સામયિક 'બુલબુલ'માં એમણે હપ્તાવાર એનો અનુવાદ પણ છાપેલો ! હમણાં જ વિશ્વ સાહિત્યના અનુવાદોનો એમનો નવો સેટ બહાર પડયો છે, એમાં એક શાળાએ જતા છોકરાને બોલતું જાદુઈ તુંબડું મળે છે, એ કિતાબ પણ ફ્રેન્કેસ્ટાઇન કે ટાઇમ મશીન જેવા અનુવાદો સાથે ફરી બહાર પડી છે !

(૪) સિગ્નિફિકન્ટ અધર્સ : બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબજેક્ટ પરની બૂક છે આ ! વર્ષોથી લેખક, ચિત્રકાર, સંગીતકાર વગેરે ક્રિએટીવ પીપલના મ્યુઝ યાને પ્રેરણાની વાતો વહેતી હોય છે. સામાન્ય માણસ કરતા સર્જકનું ભાવવિશ્વ જુદું હોય ને  જેની કૃતિઓથી પ્રેમના અનુભવો થાય, એમનો વાસ્તવમાં પ્રેમ કેવો હોય ? આવા ક્રિએટીવ કપલ કહી શકાય એવી ૧૩ જોડીઓની વાત રસાળ રીતે અલગ અલગ લેખકોએ લખી છે અને વ્હીટની ચાડવિક તથા ઇઝાબેલ કોર્ટિવિરોને સંપાદન કર્યું છે. ફ્રિડા કાહ્લોથી વર્જીનિયા વુલ્ફ, જેસન પોવોકથી ઓગસ્તે રોંદો સુધીના નામોની પ્રેમકથાઓ ઓથેન્ટિક હિસ્ટ્રી સાથે વાંચવા મળશે આમાં !

(૫) શાખા ટુ નેશન : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આરએસએસને સો વર્ષ પૂરા થયા પછી તો ફિલ્મો પણ આવી ગઈ. પણ નવા સમયને સુપેરે સમજતા વિદ્વાન અને મિતભાષી સંઘના વરિષ્ઠ આગેવાન રામ માધવે સંપાદિત કરેલું આ પુસ્તક સંઘના વિવિધ ટોચના આગેવાનોના પ્રવચનોનું સંકલન છે. મતમતાંતર હોય, તો પણ અભ્યાસુ જીવોએ વાંચવા જેવું સંપાદન છે, જેમાં ભારત રાષ્ટ્ર બાબતે મૂલ્યવાન દ્રષ્ટિકોણ જોવા મળે એમ છે.

(૬) સનાતન સુવર્ણ મહાગાથા : સૂર્ય : વિશ્વની સૌથી પ્રાચીન પૂજાઓમાંની એક છે : સૂર્યપૂજા, તેજોમય આદિત્યને વિવિધ સંસ્કૃતિઓએ આદરથી જોઈને એવી કથાઓ રચી છે. ક્રિએટીવ ડિઝાઇનર મિતુલ ઠાકરે બોરિંગ ડિટેઇલિંગને બદલે એડવેન્ચર નોવેલનો હવે શિરસ્તો બનતો જતો રસ્તો પસંદ કર્યો. પહેલા ભાગ મહામાયામાં શક્તિની વાતો રસાળ રીતે રજૂ થઈ. આ સ્વતંત્ર પણ વાંચી શકાય એવા પુસ્તકમાં વિવિધ સંસ્કૃતિઓની સૂર્યની ચિક્કાર રસપ્રદ માહિતી સાથે નવી પેઢીને મજા પડે એવા થ્રીલર ફોર્મેટમાં.

(૭) શૂ ડૉગ : આ આત્મકથાનાત્મક પુસ્તક પણ છે ને મોટીવેશનલ બૂક પણ ! 'જસ્ટ ડુ  ઇટ'વાળી નાઇકી બ્રાન્ડની જગમશહૂર થઈ એ પહેલા એના સ્થાપક ફિલ નાઇટે પપ્પાના ૫૦ ડોલર ઉધાર લઈ, જાપાનના શૂઝમાંથી પ્રેરણા મેળવીને એક બ્રાન્ડ ક્રિએટ કરી. આજે એનો લોગો પણ બહુમૂલ્ય છે ! સસ્પેન્સ સ્ટોરીની જેમ ફિલ નાઇટે આ દાસ્તાન લખી છે બિઝનેસ સકસેસની. અંગ્રેજી સાથે હિન્દી અનુવાદ પણ ઉપલબ્ધ છે.

(૮) કથાથી કવિતા સુધી : હરીન્દ્ર દવે કવિ, પત્રકાર અને ગુજરાતી ભાષાના સમૃદ્ધ સર્જક. એમનું ગદ્ય વાંચવું એ લ્હાવો. લસરક ગળે ઉતરી જાય. પણ એમાં સર્જકતાની સુવાસ પણ દેખાય. આ પુન: પ્રકાશિત પુસ્તકમાં હરીન્દ્રભાઈની નજરે આપણા અને પરદેશના વિવિધ સર્જકોના વ્યક્તિચિત્રો શબ્દોથી ઉપસતા વાંચવાનો ખજાનો છે. મેઘાણીથી નેરૂદા, વ્હીટમેનથી કલાપી, બટ્રૉન્ડ રસેલથી ઉમાશંકર જોશી, હેનરી મિલરથી સ્વામી આનંદ જેવા સેંકડો શબ્દ સ્વામીઓ બાબતના લેખો ઉપરાંત વિવિધ કૃતિઓ પરના લેખો પણ છે.

(૯) ધ મેકર ઓફ ફિલ્મમેકર્સ : ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા એફટીઆઈઆઈએ ભારતમાં સિનેમાના ક્ષેત્રે અદ્ભુત પ્રતિભાઓ આપી છે : જયા બચ્ચનથી શત્રુઘ્ન સિંહા, શબાના આઝમીથી ડેની ડેંગ્ઝોપ્પા, મણિ કૌલથી સુભાષ ધાઈ અને યાદીમાં આખો લેખ ભરાઈ જાય એટલી ! સતીશ શાહ હોય કે કુંદન શાહ બધાની એ માતૃસંસ્થા. પણ એ વિધુ વિનોદ ચોપરાથી સુધીર મિશ્રાને ઘડતી સંસ્થા કેવી રીતે શરૂ થઇ ? અમેરિકામાં ૧૯૪૭માં ઓરસન વેલ્સ મેકબેથ બનાવતા હતા ત્યારે જગત મુરારી નામના સ્ટુડન્ટે પાઠ ભણી કેવી રીતે ભારતના સિને ઉદ્યોગની તકદીર બદલાવી ? એમના જ દીકરી રાધા ચટ્વા રસપ્રદ માહિતીથી તરબતર પુસ્તકના લેખિકા છે. ઘણું નવું જાણવા મળશે.

(૧૦) શિખંડી : અત્યારે પ્રાચીન પાત્રોને સજીવન કરીને નવલકથાઓ લખવાનો ટ્રેન્ડ છે. અભ્યાસુ કવિ અનિલે મૂળ કથાનકમાં સુરેખ રીતે કલ્પનાના રંગો પૂરીને મહાભારતના સ્ત્રી અને પુરૂખાતન બે મોડર્ન એંગલથી પણ મહત્વના પાત્ર શિખંડીનો રિવેન્જ ડ્રામા થોડા નવા નિરીક્ષણ સાથેપણ ધોધમાર કથાપ્રવાહ સાથે લખી છે. મહાભારત આખું વાંચવાની તકલીફ ન લેનારા માટે નવીન પણ મળશે કંઇક.

(૧૧) કરેજ ટુ સ્ટે : ડો. કેથી નિકરસન માત્ર લેખક નથી. ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે અમેરિકામાં. મેરેજ કાઉન્સેલિંગના એરિયામાં અઢી દસકાનો એમનો પ્રેક્ટિકલ અનુભવ છે. પછી જ અમેરિકન સ્ટાઇલમાં ટૂંકા ટૂંકા વિભાગોમાં મુદ્દાસર સમજૂતી મળે, એમ એમણે આ રિલેશનશિપ બાબતે કપલ સ્પેશ્યલ બૂક લખી છે. અમેરિકા હોય કે ભારત બધે વધતા ડિવોર્સ યાને છૂટાછેડા વધે છે ને સિરિયલ અફેર યાને લગ્નબાહ્ય સંબંધો ને એના ક્રાઈમ પણ - ત્યારે આ સમજવા જેવી કિતાબ છે એમાંથી બહાર નીકળી કે દૂર રહી દાંપત્ય મજબૂત રાખવા માટે.

(૧૨) બદચલન બીવિયોં કા દ્વીપ : ભારતની આજે બીજાની મર્યાદાની નકલમાં સંકુચિત સનાતન સંસ્કૃતિ અસલમાં કેટલી ઉદાર જ નહિ, ઉન્માદક પણ હતી એના પ્રત્યક્ષ પ્રમાણો સંસ્કૃત સાહિત્ય અને પ્રાચીન શિલ્પો ચિત્રોમાં મળે. એવી જ હોટ અફેર્સ અને કામુકતા યાને સેક્સ્યુઆલિટીની કથાઓને આધુનિક હિન્દીમાં સરસ રીતે રજુ કરી છે સિધ્ધહસ્ત કૃષ્ણ બલદેવ વૈદે. ખરેખર જો આપણા કલ્ચરની રસિકતા સ્પર્શે તો વાંચવા જેવું પુસ્તક.

(૧૩) ગ્લુકોઝ રિવોલ્યુશન : જેસી ઇનચોઉસ્પેને તો ટીવી પર બોલતા સાંભળો તો પણ શુગર વધી જાય એવી મીઠડી લાગે ! આ બાયોકેમિસ્ટ સાયન્ટીસ્ટ છે, જેણે અત્યારના એક સૌથી સળગતા સવાલ પર પુસ્તક લખ્યું : શુગર. શરીરમાં હાઈ થતું ઇન્સ્યુલિન અને ગ્લુકોઝ. એક ભૂતભડકામણું ચિત્ર ઉભું કરી દેવામાં આવ્યું છે. વિડિયોજીવી આત્માઓ દ્વારા ગળપણ બાબતે. ત્યારે પ્રોપર સાયન્ટફિક વ્યૂ આ પુસ્તકમાં છે. વળી લેખિકા કોઈ ચોકલેટ વિરોધી ચીકણી ઉપદેશક નથી. એ તો ઉલટું સમજાવે છે કે કયા પ્રકારની સુગર કેવી રીતે લેવાય જેમાં એની બીમારીઓથી બચી શકાય !

(૧૪) દ્રવિડ રાજનીતિ : પેરિયાર સે જયલલિતા તક : નામ જેટલું લાંબુ છે, એટલું વજનદાર પુસ્તક નથી. ડોન્ટ વરી, પણ વિજયના વિજયથી તમિલનાડુના રાજકારણની અચાનક ગુજરાત બેઠાં યાદ આવતી હોય તો ત્યાં એક વ્યક્તિ પેરિયારના પ્રભાવને સમજવો પડે જેનાથી તમામ સ્થાનિક પક્ષો ઘડાયા છે. બિલકુલ બોર કર્યાવિના સત્યો તારવીને રજૂ કરવાની નોર્વે રહેતા બિહારી ડોક્ટર પ્રવીણકુમાર ઝાને હથોટી છે. આ પુસ્તક ઇતિહાસ કેવી રીતે ફેક્ટસમાંથી લખવો જોઇએ એનું પણ ઉદાહરણ છે.

(૧૫) લાફ્ટર ડોઝ : ગુજરાતી ભાષામાં મહિલા હાસ્યકલાકાર એક જ છે. ડૉ. અવની વ્યાસ. પત્નીઓને બદલે પતિ પર જોક કરે ને ઓડિયન્સ હસે એવી ડિલીવરી સાથે હવે એમણે લેખન પર હાથ અજમાવીને આ બિલકુલ ચરબી વગરનું પુસ્તક લખ્યું છે. નાના નાના લેખોમાં હળવાફૂલ ઓબ્ઝર્વેશન છે. સ્પેશ્યલ મીડિયા પોસ્ટસ જેવા થોડું રોજીંદુ, થોડું અવનવું.

(૧૬) રિમેમ્બર : મોબાઈલ ફોનની મોટી તરાપ લાગી છે મેમરી પર. પહેલા જેમ કશું યાદ નથી રહેતું એ સાર્વત્રિક ફરિયાદ છે. વેકેશનમાં તો આ ખરું હોમવર્ક પણ છે, યાદશક્તિ ટકાવો ને સુધરો. તો આ બુક એના માટે જ છે. યાદ રાખવાનું વિજ્ઞાન એમાં લેખક લિઝા જીનોવા વ્યવસ્થિત રીતે સમજાવે છે. સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ સાથે !

(૧૭) કસારી મસારી : ધુરંધરના બીજા ભાગ પછી અચાનક દેશને નવેસરથી માફિયા ડોન અતીકની ચર્ચા શરૂ થઈ. ફિલ્મી વાતોથી આગળ ઉંડો રિસર્ચ એના પર કરીને આમ એની વાસ્તવિક વાતો આવે પણ આમ પાત્રો ને સંસાર કાલ્પનિક રહે એવી હિન્દી કિતાબ મનોજ રાજન ત્રિપાઠીએ લખી છે. નેચરલી બેસ્ટ સેલર છે. ઉત્તરપ્રદેશની ગુનાખોરીમાં રસ લેનારે ને ભારતીય ગેંગસ્ટર્સમાં રસ લેનારે વાંચવા જેવી.

(૧૮) ગીત એક ગાયું ને વાયરે વાવ્યું : સ્વ. મહેન્દ્ર મેઘાણી જેવી ચીવટવાળા સંપાદક હોય, એમાં ગુણવત્તાનો પ્રશ્ન તો રહે જ નહિ. ગુજરાતી ભાષાના ૨૦૦થી વધુ કવિઓ અને વધુમાં લોકસાહિત્યની પંક્તિઓમાંથી ક્યાંક ટાંકવામાં કે એમ પણ વાંચવામાં કે પછી સ્ટેટસમાં પોસ્ટ તરીકે મુકવામાં હાથવગો રહે ને ગુજરાતી કવિતાના અડાબીડ જંગલની હરિયાળીની સફર પણ કરાવી દે એવો નમૂનેદાર સંગ્રહ છે.

(૧૯) ગવર્નર્સ ઓફ એમ્પાયર : અમર ફારુકીની આ વેલ રિસર્ચડ બૂકમાં ભારતમાં અંગ્રેજી રાજ શરૂ કરતી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના દરેક ગર્વનરના લેખાંજોખા છે. કલાઈવ કે વોરન હેસ્ટિંગ્સ જેવાઓની કથા સાથે ભારતનો આખો એક કાળખંડ અહીં દસ્તાવેજી ઈતિહાસ સ્વરૂપે છે. એ પણ વોટ્સએપિયા મેસેજીઝ જેવી ઘડી કાઢેલી વાર્તા નહિ. ટીપુ સુલતાન સાથેના જંગની પણ માહિતી છે આમાં.

(૨૦) લાઇક વોટર ફોર ચોકલેટ : મેકસિકોની લેખિકા લોરા એસ્કીવેલની આ સ્પેનિશ નવલકથાઓ ૧૯૮૯માં પ્રગટ થયા પછી અંગ્રેજીમાં એવી ધૂમ મચાવી કે લાખો નકલો વેચાઈ ગઈ એની. એના પરથી ફિલ્મ બની, બેલે (નૃત્યનાટિકા) લોન્ચ થયું ને વેબ સીરિઝ બની. એવી કોઈ જાડીપાડી નવલકથા નથી અને મેજીક રિયલીઝમના ઉપયોગ છતાં માકેવેન્ડ જેવી ગંભીર પણ નથી. રોમાંચક સફર કરાવે એવી રોમાન્સની કથા છે. અંગ્રેજી ન ફાવે તો 'જૈસે ચોકલેટ કે લિયે પાની' નામથી હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.

(૨૧) આદિવચનો : કનૈયાલાલ માણેકલાલ મુનશી એટલે ભારતીય વિદ્યાભવન જેવા યજ્ઞાથી આજે પણ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખતા સર્જકઋષિ. બંધારણ, આઝાદીની લડત અને આઝાદી પછીના ભારતના વહીવટમાં પણ યોગદાન આપતા આ ધરખમ લેખક પરમ અભ્યાસુ વિદ્વાન પણ હતા. એમના વ્યાખ્યાનો સદેહે સાંભળવાનું તો નસીબમાં ન હોય પણ છલોછલ ઓજસ્વીતા અને ચિક્કાર અવનવી વિગતોથી ભરપૂર સમાજજીવન, સાહિત્ય, પ્રાચીન વારસો, લગ્નજીવન, મહાભારત જેવા ગ્રંથો, વિવિધ વિચારધારાઓ જેવા વિષય પર આપણા વિચારને સમૃદ્ધ કરે એવું પુસ્તક છે આ. અગાઉ બે ભાગમાં મળતું, હવે એક જ ગ્રંથમાં બેઉ આવી જાય છે.

(૨૨) લૌટૂંગા ઉસી ગુલાબ તક : પેલેસ્ટાઇનના રાષ્ટ્રકવિ ગણાતા મહમૂદ દરવેશની કવિતાઓમાં સતત યુદ્ધ અને માનવતાની રજૂઆત મળે. ૨૦૦૮માં ગુજરી ગયા પણ એમની કવિતાઓ અમર છે. અગાઉ એક અંગ્રેજી સંગ્રહની વાત પણ છેડેલી, પણ આ અશોક પાંડે દ્વારા અનુવાદિત હિન્દી અનુવાદો છે. જેમાં જરૂરી પૂરક માહિતી પણ સંદર્ભ યાને કોન્ટેકસ્ટ સમજવા આપી છે. અછાંદસ કવિતા કેવી બળકટ હોઈ શકે એ પ્રત્યક્ષ અનુભવવા પણ વાંચવા જેવી.

(૨૩) ૧૦ % હયુમન : અલાન્ના કોલેનનું આ પુસ્તક ગટ યાને આંતરડાના માઇક્રોબ્સ કેવી રીતે આપણા બ્રેઇન યાને દિમાગ સાથે કનેકશન ધરાવે છે એની અનોખી વૈજ્ઞાનિક રજૂઆત કરે છે. આપણે ત્યાં પ્રાચીન ચિકિત્સાપદ્ધતિના જડસુ વકીલો કદી એમને ઉપયોગી થાય એવું સાયન્સ પણ અંગ્રેજીમાં વાંચતા નથી. આ પુસ્તકમાં લાઈફ બેલેન્સ છે સાયન્સના માધ્યમથી !

(૨૪) રાધાકૃષ્ણના પ્રેમપત્રો : સંસ્કૃતિનો અભ્યાસ સારી રીતે કરતા ને ભાષા પર સાહિત્યિક હથોટી ધરાવતા વિમ્મી વિષ્ણુ ચેવલીએ એક કલ્પના કરી કે આજીવન વૃંદાવન છોડયા બાદ એકમેકને ન મળેલા રાધાકૃષ્ણ એકબીજાને લવલેટર્સ લખે તો ? અને એમાં થોડા આજના જમાનાના મનોભાવો ને થોડી પૌરાણિક કથાનકની વિગતો ઉમેરી. કૃષ્ણમાં રસ લેનારે એક વાર નજર નાખવા જેવું પુસ્તક થયું છે.

(૨૫) સુભાષ એમિલી : હાલતા ને ચાલતાં લવ મેરેજ સામે નાખોડિયા ભરાવવા કે ચિસોટા નાખવા એ સ્વભાવ બની ગયો છે હવેના નવતર તાલિબાની અભિગમના ડિજીટલ સનાતનીઓનો ! પણ એ ભગતસિંહ સુભાષબાબુની ભક્તિ કરતા ભૂલી જાય છે કે એ બેઉ તો ઈન્ટરકાસ્ટ - ઈન્ટરરેસિયલ મેરેજ બાબતે ઉદાર હતા ! સુભાષબાબુએ તો 'વિધર્મી' 'વિદેશી' કન્યા એમિલી સાથે જર્મનીમાં લવ મેરેજ કર્યા ને એમની પ્રોફેસર દીકરી અનીતા હજુ જીવે છે ! એમની આ લવસ્ટોરીને દસ્તાવેજો ને પ્રેમપત્રો સાથે રાજગોપાલસિંહ વર્માએ હિન્દીમાં લખી છે. જય હિન્દ બોલવું હોય તો જય પ્રેમલગ્ન પણ કહેવાની ટેવ રાખો !

ફાસ્ટ ફોરવર્ડ 

''કિતાબ એવી કોમળ ચીજ છે જેનાથી જમીનો પણ જીતી શકાય છે!''

(એમિલી ડિકિન્સન)