Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / જય વસાવડા : How to be successful even if you have few resources?

જિંદગીની પાઠશાળા: સાધનો ઓછા હોય તો પણ સફળ કેમ થવું?

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
જિંદગીની પાઠશાળા: સાધનો ઓછા હોય તો પણ સફળ કેમ થવું?
સોર્સ : gstv

અનાવૃત-જય વસાવડા

App Store

શ્રી સંત યાદ છે ? આમ આપણી વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો. ટેલેન્ટેડ ક્રિકેટર હતો. હીરો જેવી પર્સનાલીટી. ને હીરો પણ બનેલો જ. પણ સ્વભાવ બોઈલર જેવો. ગરમ દિમાગની કમાન ગમે ત્યારે છટકે ને લાફાવાળી કરી લે એવો. સંતનું શ્રી પાનું એમાં ત્યારે જરાય નહોતું. ૨૦૧૦માં આવી કોઈ બબાલમાં સાઉથ આફ્રિકા ટૂર દરમિયાન કેપ્ટન કૂલ એવા મહેન્દ્રસિંહ ધોનીએ એને ચાલુ પ્રવાસે રિટર્ન ટિકિટ કરાવી નાખવાની ધમકી ને ઠપકો આપવો પડેલો. પણ આ શ્રીસંતે હમણાં ઈન્ટરવ્યુ આપ્યો એમાં સ્પષ્ટ કહ્યું કે 'ગુસ્સાવાળા ગૌતમ ગંભીરનો બોસીઝમ વાળો નેચર વિવિધ પ્રકારના ક્રિકેટરો ધરાવતી ભારતીય ટીમમાં ચાલે જ નહિ ! (ક્રોધી કી ગત ક્રોધી જાને !) એ કોઈ સાથે ભળતો નથી ને હૂકમો ચલાવ્યા કરે છે. ભલે ને ટીમ જીતે કોઈ ટુર્નામેન્ટ પણ ખરેખર એને આવા કોચ કરતા કોઈ શાંત અને ફ્રેન્ડલી મેન્ટોરની જરૂર છે. અને એ માટે એમ.એસ. ધોની જ બેસ્ટ છે. આ કોચ કાઢીને ધોનીને ટીમ સોંપી દેવા જેવી છે !'

એવું તો અત્યારે થાય એવું લાગતું નથી અને આપણે નબળી ટીમો સામે ઘરઆંગણે છવાઇને રાજી છીએ. પણ ગંભીર અને ધોની બેઉ સાથે શ્રીસંત રમેલો છે ને શિસ્ત માટે ધોની તો એને ખીજાયેલો પણ છે, છતાં શ્રીસંત આજે ગંભીરને હટાવીને ધોનીને લાવવાની વાત કેમ કરે છે ? 

કારણ ધોનીનો સ્વભાવ. કોઈ અકળાઈને એની અપેક્ષા પૂરી ના થઇ હોય એટલે કે પોતાની સિક માનસિક હાલતને લીધે એની વિરુદ્ધ બકવાસ કરે તો પણ ભાગ્યે જ ધોની કડવાશભર્યા જવાબો આપી મિડીયાને પોપકોર્ન પાર્ટી કરાવશે. મોટે ભાગે હસીને વાત ટાળી દેશે ને પોતાના કામમાં કે કમાણીમાં કે કુટુંબમાં મન પરોવી દેશે. (ત્રણે શબ્દો અન્ડરલાઈન કરજો. પ્રાયોરિટી કામ, કમાણી કે કુટુંબને આપવી. કકળાટ, કંકાસ, કજીયાને નહીં. ) ધોની માટે જોડે રમેલા ખેલાડીઓ કહી ચુક્યા છે કે કેપ્ટન તરીકે એનો દેશભરમાં ડંકો વાગતો ત્યારે પણ એ રૂમના દરવાજા ખુલ્લા રાખતો ને કોઈ પણ એને કોઈ અનાગત મૂંઝવણ માટે એપ્રોચ કરી શકે. એ સ્વભાવ એના શિષ્ય ને 'વારસદાર' વિરાટ કોહલીએ કેળવ્યો નહિ, એમાં સારા ઇન્સાન ને સફળ બેટધર હોવા છતાં એનું નેતૃત્વ ગયું.

પોઈન્ટ ઈઝ : ગ્રાઉન્ડ પરના સ્કોરથી આગળની સિક્સર હોય છે સ્વભાવ. જે તમને લાંબા સમય સુધી કોઈના હૃદયમાં ટોચ પર રાખે છે !

અભિનેતા રાકેશ બેદીએ ધુરંધરમાં જમીલ જમાલી તરીકે ૭૧ વર્ષે જ્વલંત સફળતા મેળવ્યા બાદ પિંકવિલાને હૈયું ખોલીને ઈન્ટરવ્યુ આપેલો. પાંચ દસકા ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં વીતાવ્યા બાદ એમણે એક સવાલના જવાબમાં કહ્યું કે- 

'ઘણા મોટા મોટા નામો શિકાયત કરતા હોય છે કે અમને અમારી કાબેલિયત મુજબ કામ નથી મળતું. પણ હકીકત એ છે કે (છૂટક બનાવોને બાદ કરતા ) તમને તમારી કાબેલિયત મુજબના જ રોલ મળે છે. કાબેલિયત એટલે ફક્ત તમારી ટેલન્ટ નહીં, આવડત નહીં. એ તો એક ભાગ છે ઓવરઓલ કાબેલિયતનો. એ જોઈએ જ. પણ બીજા પરિબળો ય ભાગ ભજવે છે. તમારો સ્વભાવ કેવો છે ? તમે તમારાથી નાના માણસ સાથે કેવો વહેવાર કરો છો. તમારાથી મોટાને કેવો જેન્યુઈન આદર આપો છો. તમે નાના કામને પણ મહત્વનું ગણીને કેટલી નિષ્ઠાથી કરો છો. વ્યવહાર કેવો રાખો છો. (આર્થિક, સામાજિક બધા પ્રકારનો વ્યવહાર), તમારી વાતચીત કેવી છે, તમારું વ્યક્તિત્વ કેવું છે, દેખાવ જેવો હોય એવો પણ સ્વાસ્થ્ય કે ફિટનેસ કે કપડાં વગેરેનો લૂક કેવો જાળવો છો. કટોકટીની સિચ્યુએશન કેવી રીતે હેન્ડલ કરો છો. તમારામાં શિસ્ત કેટલી છે, તમારો એટીટયુડ કેવો છે. તમારી વાત કરવાની સ્ટાઈલ, તમારી તમીઝ ( વિનયવિવેક ) બધું લોકો જુએ છે.'

રાકેશ બેદીએ આ મુલાકાત લેનારી છોકરીને જ કહ્યું કે 'ઘડી ઘડી ગુસ્સે થઇ જતા લોકોને કોઈ કાયમ સાચવે નહીં. અહીં તમે મને બોલાવ્યો છે, પણ હું ઘડી ઘડી સિનિયર કે પોપ્યુલર હોવાનો રોફ છાંટું, અહીં સેટ પરેલા લોકો સાથે ગેરવર્તન કરું, તોછડાઈ કરું, ઘમંડથી જવાબો આપું તો બીજીવાર સ્ટાર હોવા છતાં બોલાવવા માટે વિચાર કરશો. માટે જે લોકો અત્યંત તેજસ્વી હોવા છતાં એમને પ્રતિભા મુજબ કામ નથી મળતું એવી ફરિયાદો કરતા હોય એમાં કાયમ એમને અન્યાય થયો હોય એવું નથી હોતું. એમાં એમનો સ્વભાવ પણ જવાબદાર હોય છે, જે દૂર બેઠેલાઓને દેખાતો નથી. નાનામાં નાનું કામ પણ જીવ રેડીને કરો. તમારા કામની એક લાયબ્રેરી બનતી હોય છે સમાજમાં. આજે કદર નથી થઇ, તો કોઈક પાછળથી આવી એના પાના ફેરવી કદર જરૂર કરશે!'

પરફેક્ટ. સાંભળ્યું ત્યારનું થતું હતું કે ભણવામાં આવી કૈંક વાતો આવી જાય તો આજીવન ઉદ્ધાર થાય એવું ઘડતર થાય. પણ એવી કશી ચિંતા શિક્ષણમાં ટોચ પર બેસી નિર્ણય લેનારાઓને હોતી નથી ને શરમ પણ નથી હોતી, એ તો ઉઘાડેછોગ દેખાય જ છે. પણ શીખવું હોય તો લેખ વાંચીને કે વિડીયો જોઇને પણ શીખી શકાય છે. રાકેશ બેદીએ કહેલું અગાઉ પણ કે કામ નાનું હોય કે મોટું, સરખી સીન્સિયારિટીથી જ કરવું. એની નોંધ લેવાય ને નાના કામ સરખા કાર્ય હશે તો જ મોટા કામો કોઈ આપશે ! એમણે પણ 'ઉરી'માં માત્ર એક સીનનો રોલ કોઈ નખરાં વિના ભજવ્યો શ્રેષ્ઠ રીતે (હવે એક સીનમાં તો શું મહેનત કરવી એવું વિચાર્યા વિના) તો આદિત્ય ધરે એનાથી પ્રભાવિત અને ઋણી થઇ ધુરંધરમાં આખી લાઈફનો સૌથી તગડો રોલ આપ્યો.ઉપર ટાઈટલમાં વાંચેલા સવાલનો જવાબ પણ આમાં છે : સ્વભાવ. પ્રિય મોરારિબાપુએ કથા શરુ કરી ત્યારના શ્રોતાઓ કે આયોજકોની ચોથી પેઢી આજે આવી ગઈ છતાં એ બધાનું સન્માન કે પ્રેમ મેળવે છે કારણ કે એમના સ્વભાવમાં ગુલાબ છે, કાંટા નથી. મધુરતા, ઉદારતા અને વિનમ્રતા શાશ્વત છે. ગાંધીબાપુ પણ અત્યારે લોકોને બળતરા થાય છે, પણ એ એમ ઊંચકાઈ ગયા કારણ કે સ્વભાવમાં પારદર્શકતા, પ્રમાણિકતા અને પ્રેમ. જરાય અસલામતી અનુભવ્યા વિના બીજાને આદર આપી આગળ કરે, સાથે બધાને લઇને ચાલે, એમનું માન જાળવી વ્યક્તિગત કાળજી લે. એટલે એમને પણ લોકોએ માથે ચડાવ્યા. સુરતના હીરા જેવા સ્વભાવના ગીતા પચાવી ગયેલા ઉદ્યોગપતિ ગોવિંદકાકા ધોળકિયાનો જીવનમંત્ર છે  : રિસ્પેક્ટ આપો તો રિસ્પેક્ટ મળે. 

સાચી વાત. ક્યારેક તમે નમતું જોખો, પોતાનો વાંક ના હોવા છતાં સામાની લાગણીને ખાતર જતું કરો તો કોઈ બીજું તમારા માટે પણ આવું કરે. પણ સ્વભાવ મરચાંની ધૂણી જેવો રાખો તો હવે ઘરમાં પણ કોઈ લાંબો સમય સહન નથી કરતુ તો બહારની દુનિયા ક્યાંથી કરે ? કૈંક ચમકતા સિતારાઓ એમની આ નબળાઈને લીધે ખરી પડતા જોયા છે. કારણ વગરની ચોવટ, વ્યસનોની ગુલામી, હિમાલયની ટોચ જેવડો ઈગો વાતવાતમાં સાચું સમજવાને બદલે સીધો હર્ટ થઇ જાય, બ્રેક વગરની ગાડીની માફક જેમણે મદદ કરી હોય કે સાચી સલાહ આપી હોય એમને જ કરડવા ને કચડવા દોડે, ક્યાંય ઠરીઠામ થાય નહિ કારણ કે બધે એ પોતે જ પોતાનું નડતર છે એ સમજે નહિ. લો ઓફ એટ્રેકશનનું ઊંધું ઉદાહરણ. જ્યાં જાય ત્યાં એકની એક રીતે ઝગડાળુ અને ફ્લેક્સીબલ ના થવાની અક્કડ અહંકારી માનસિકતાને લીધે કે ઉછીનાઉધાર માંગવા ને ખોટું બોલવું કે છેતરવા એવી લુચ્ચી ચાલાકીને લીધે તરત નહિ તો ધીરે ધીરે પોતાના સ્વજનોની નજરમાંથી નીચે ઉતરતા રહે. 

આવા પાત્રો પરિવાર કે ઓફિસ કે આપણી આસપાસ હશે જ. જો કે, તમે એવું પણ કહેશો કે રૂપ કે રૂપિયા કે પાવર કે પોઝીશનને લીધે સાવ ખડ્ડૂસ કે ખંધા સ્વભાવના માણસો પણ ટોચ પર હોય એમ ચાલી જાય છે. એક તો, આવા અમુક કિસ્સા અપવાદો હોય છે. બીજું, એમને વ્યક્તિગત ચાહત નથી મળતી. જે બાબતના જોરે ટકેલા હોય એ સરકી જાય પછી કોઈ દિલથી યાદ નથી કરતું. ત્રીજું, સૌથી મહત્વનું. એમને તો એ બાબતોનું માનો કે પ્રોટેક્શન છે ને એ લોકો એના જોરે સફળ થતા નકારાત્મક સ્વભાવ છતાં. તમને છે ? નથી ને ? તો પછી તમારે માટે રસ્તો સારપ ને મીઠપવાળા સ્વભાવનો જ બચે છે લાઈફલાઈન તરીકે ! એવું નહિ, કે ખોટું કે અન્યાય સહન કરવાનું. કૃષ્ણે કદી નથી સ્વીકાર્યા એવા લોકોને. પણ ગોપીભાવે પ્રેમ કરનારને તુચ્છકાર્યા નથી. સુદામા સાથે જે વર્તન હોય એ શિશુપાલ સાથે ના હોય. સિમ્પલ.

આ ડહાપણ યુગો જૂનું છે. મહાભારતના અંતમાં, પાંડવો જ્યારે સદેહે સ્વર્ગની યાત્રાએ નીકળે છે, ત્યારે એક કૂતરો તેમની પાછળ પાછળ આવે છે. યાત્રામાં યુધિષ્ઠિર સિવાય બધા જ મૃત્યુ પામે છે. ઇન્દ્ર જ્યારે તેમને સ્વર્ગમાં લઈ જવા આવે છે, ત્યારે શરત મૂકે છે કે કૂતરાને પાછળ છોડવો પડશે. પરંતુ, યુધિષ્ઠિર પોતાના આશ્રયે આવેલા વફાદાર પ્રાણીને છોડવાની સ્પષ્ટ ના પાડે છે અને તેના માટે સ્વર્ગ છોડવા પણ તૈયાર થઈ જાય છે. તે જ ક્ષણે કૂતરો 'ધર્મ'નું રૂપ લે છે. યુધિષ્ઠિરને આ કરુણાવૃત્તિને લીધે સદેહે સ્વર્ગમાં પ્રવેશ મળે છે. અરેબિયન નાઇટ્સના અલાદ્દીનની કથા યાદ કરો. શેતાન જાદૂગર તો એને ફસાવી દે છે, પણ ભલાઈથી એણે જિનને ગુલામીમાંથી સામે ચાલી મુક્તિ અપાવી હોઈને જિન્ની એને ઉગારી લે છે. 

૧૯મી સદીના અંતમાં, દુનિયાનો આજના ઇલોન મસ્કની માફક નંબર વન ઉદ્યોગપતિ હતો એન્ડ્રયુ કાર્નેગી. સ્ટીલમાંથી સોનું છાપનાર ધુરંધર. એનો સમય જતા જમણો હાથ બનેલો ચાર્લ્સ શ્વાબ. શ્વાબે એન્ડ્રુ કાર્નેગીની સ્ટીલ ફેક્ટરીમાં સામાન્ય મજૂર તરીકે શરૂઆત કરી અને ફક્ત ૩૫ વર્ષની ઉંમરે અમેરિકાની નંબર વન કાર્નેગી સ્ટીલ કંપનીના પ્રમુખ બની ગયેલો ! મજાની વાત એ છે કે, તેને સ્ટીલ ઉત્પાદન વિશે ઝાઝું જ્ઞાન જ નહોતું ! છતાં કાર્નેગીએ તેને વર્ષના દસ લાખ ડોલર ( આજના ૩ કરોડ ડોલર જેટલા) પગાર આપ્યો. આ પગાર ટેકનિકલ સ્કિલ માટે નહીં, પરંતુ તેના 'સર્વપ્રિય સ્વભાવ' માટે હતો ! શ્વાબનો સાચો અને સારો સ્વભાવ તેમને કઠોર શાસન વિના કામદારો પાસે ઉત્સાહથી કામ કરાવવામાં મદદ કરતો હતો. જ્યારે જે.પી. મોર્ગનને સ્ટીલ કંપનીઓનું વિલીનીકરણ કરવું હતું, ત્યારે શ્વાબના જ સારા સ્વભાવ અને કૂનેહને કારણે કાર્નેગી પોતાની કંપની ૩૦૩ મિલિયન ડોલરમાં વેચવા તૈયાર થયા હતા, જેનાથી ઇતિહાસની પહેલી બિલિયન-ડોલર કંપની 'યુનાઈટેડ સ્ટેટ્સ સ્ટીલ કોર્પોરેશન' બની.

એ જ અમેરિકામાં એક સમયે જેનો દબદબો હતો ને હજુ પણ દેખાય એવી ભવ્ય સ્ટોર ચેઇન જે. સી. પેની ના સ્થાપક જેમ્સ કેશ પેનીએ વ્યોમિંગના એક નાના શહેરમાં 'ગોલ્ડન રૂલ' નામે દુકાન શરૂ કરી, જેનો સિદ્ધાંત હતો : 'બીજા સાથે એવો જ વ્યવહાર કરો જેવો તમે તમારી સાથે ઈચ્છો છો.' એણે ગ્રાહકો સાથે બાર્ગેનિંગની રકઝક કરવાને બદલે 'એક સમાન વાજબી ભાવ' અને માત્ર રોકડ વ્યવહારનો નિયમ રાખ્યો. ત્યાં રહેતા ગરીબ ખાણિયા એમના ગ્રાહકો હતા, એમણે વ્યાજના ચક્કરમાં ફસાવવાને બદલે સસ્તી કિંમતે સારી વસ્તુ રોકડેથી લેવાની ટેવ પાડી બચાવ્યા. આવક વધ્યા પછી જે કર્મચારી સારું કામ કરતો, તેને પેની નવી દુકાન ખોલી પોતાનો ભાગીદાર બનાવતા. આ જોતજોતામાં સુધીમાં ૧૯૨૮ સુધીમાં એક હજારથી વધુ સ્ટોર્સ સાથેનું દેશભરમાં સામ્રાજ્ય થઈ ગયું જે. સી પેનીનું. નફાની સૂઝ ઓછી હતી, પણ સ્વભાવ સોના જેવો હતો તો પ્રોફિટ ગ્રાહકોના ભરોસાને લીધે આવ્યો ! 

આપણા સાહિત્યકારોની માફક ૧૭મી સદીના યુરોપમાં ચિત્રકારોમાં અહંકાર અને દુશ્મનાવટ સામાન્ય હતી, પરંતુ ફ્લેમિશ પેઇન્ટર પીટર પોલ રૂબેન્સનો સ્વભાવ અત્યંત મિલનસાર. કોઈને મફત ચિત્ર દોરી દે કે ભેટ આપતા ખચકાય નહીં. કોઈ ખટપટ કદી કરે નહીં, કોઈનું ખરાબ ઈચ્છે નહીં. આવા ભગવાનના સાધુ જેવા કલાકારનો યુરોપના રાજાઓ આંધળો વિશ્વાસ કરતા. સ્પેન અને ઇંગ્લેન્ડ વચ્ચે છૂપી રીતે શાંતિ કરારો એમને લીધે થયા ને પરસ્પર શત્રુ રહેલા બેઉ દેશોના રાજાઓએ તેમને 'નાઈટહૂડ' યાને સરના ખિતાબથી સન્માનિત કર્યા.

તો એવું નથી કે તમારો સ્વભાવ સારો રાખશો તો કાયમ તમારી જોડે બધું સારું જ થશે. પણ જો સફળતા માટે બીજું કશું ઘટતું હશે તો મળતાવડો, મોજીલો, મદદગાર, મીઠો સ્વભાવ એ ખોટ પૂરી દેશે એ નક્કી છે. પણ મોટા ભાગે બહારથી હસમુખા લાગતા ને સારી સારી વાતો કરતા લોકોનો સ્વભાવ કૂતરા જેવો પણ નથી હોતો. કૂતરો પણ પોતાનું જે કરે એના માટે વફાદાર તો હોય છે. અને થોડો સમય સારપનો અભિનય કરવાથી કે ઢોંગ કરવાથી સારો સ્વભાવ નથી બનતો. એ તો સાચે કેળવવો પડે ધીરજ અને ત્યાગથી. પંચતંત્રની વાર્તા વાંચી છે ? વાદળી રંગના કૂંડમાં ડૂબી ગયેલું શિયાળ પોતાના બદલાઈ ગયેલા અનોખા કલરથી થોડો સમય તો જંગલ પર રાજ કરે છે, પણ બીજા શિયાળની લાળી સાંભળી મૂળ સ્વભાવ બહાર આવતા સાથ પુરાવવા જતા ઉઘાડું પડી જાય છે ! નીતિમાં નકલ લાંબી ના ટકે ! 

ઝિંગ થિંગ 

જીન કો પ્રભુ દારુન દુખ દીન્હા

ઉન કી મતિ પહલે હર લિન્હા !

(તુલસીદાસજી, રામચરિતમાનસ )