મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ભારતીય બંધારણમાં સુધારાનો ઇતિહાસ

શું બંધારણ બદલી શકાય છે? ‘બાબા સાહેબ પોતે ઉપરથી આવી જાય તો પણ બંધારણ ખતમ કરી શકે નહિ.’ ગુજરાત

શતરંગ / ભારતીય બંધારણમાં સુધારાનો ઇતિહાસ

શું બંધારણ બદલી શકાય છે?

‘બાબા સાહેબ પોતે ઉપરથી આવી જાય તો પણ બંધારણ ખતમ કરી શકે નહિ.’ ગુજરાત સમાચારમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાડમેર ખાતે એક ચૂંટણી સભાને સંબોધતા આ વાત કહી હતી.

આ વાતમાં કેટલું તથ્ય છે? શું બંધારણ બદલી શકાય છે? બંધારણ બદલવું એટલે શું? બંધારણ બદલવું અને બંધારણમાં સુધારા વચ્ચે શું ફરક છે? આઝાદ ભારતના ઈતિહાસમાં બંધારણ બદલવા માટે કોઈ પ્રયત્ન થયેલ? એવા ક્યા મહત્વના બંધારણીય સુધારા થયા જેણે ભારતમાં શકવર્તી પરિવર્તન આણ્યું?

ભારતના બંધારણમાં સુધારાની સત્તાવાર જોગવાઈ કરેલી હોવાથી ભારતમાં 100થી પણ વધારે બંધારણીય સુધારા થઇ ચુક્યા છે. પરંતુ બંધારણ બદલવાની હિમાકત કહી શકાય એવો પ્રયત્ન અટલ બિહારી વાજપેયીની સરકારે 2000ની સાલમાં કર્યો હતો.તેઓએ બંધારણમાં સંશોધન – સમીક્ષા કરવા માટે ભારતના રાષ્ટ્રપતિ આર.કે. નારાયણના ઉગ્ર વિરોધ વચ્ચે ફેબ્રુઆરી, 2000ના રોજ બંધારણ સમીક્ષા માટે રાષ્ટ્રિય પંચની રચના કરી.

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એમ. એન. વેંકટચલૈયાની આગેવાની હેઠળ રચાયેલા આ પંચને છ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ પંચે બંધારણની સમીક્ષા માટે 249 ભલામણો કરી હતી. પરંતુ તેની દરેક ભલામણોનો રાષ્ટ્રપતિ, વિપક્ષ અને દેશના બુદ્ધિજીવીઓએ ઉગ્ર વિરોધ કરતા સરકારે એ ભલામણોનો અમલ અને બંધારણમાં સંશોધન – સમીક્ષાનું કામ છોડવું પડ્યું હતું.

આ વાત થઇ બંધારણની સમીક્ષાની. પરંતુ બંધારણમાં સુધારાની જોગવાઈ એકદમ શાસ્ત્રીય રીતે કરવામાં આવી છે. ભારતીય બંધારણમાં ફેરફાર કે સુધારા-વધારા કરવા માટે બંધારણના ભાગ 20માં કલમ 368માં બંધારણીય સુધારાની જોગવાઈ કરવામાં આવી છે. ભારતીય બંધારણ દ્વારા મળેલી સત્તા દ્વારા સંસદ બંધારણની કોઈ કલમ કે ભાગને રદ્દ કરી શકે અથવા ઉમેરી શકે છે.
કોઈ કલમ કે ભાગની મૂળ જોગવાઈમાં સુધારા-વધારા કે ફેરફાર કરી શકે છે. 1973માં કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યું કે સંસદ બંધારણના કોઈપણ ભાગને બદલી શકે છે, પરંતુ બંધારણના મૂળભૂત માળખાને બદલી શકે નહીં.

બંધારણમાં સુધારા માટે ત્રણ પદ્ધતિ આપવામાં આવી છે. સાદી બહુમતી, વિશેષ બહુમતી અને વિશેષ બહુમતી સાથે અડધા રાજ્યોની વિધાનસભાની સહમતી.

1. સાદી બહુમતી

ગૃહમાં હાજર તથા મત આપનારા સભ્યોની 50 %થી વધુની બહુમતીને સાદી બહુમતી કહે છે. તેમાં મતદાન ન કરનાર અને ગેરહાજર રહેનાર સભ્યોની ગણતરી થતી નથી. આ બહુમતના આધારે નાગરિકત્વને લગતી બાબતો, લોકસભાનો સમયગાળો વધારવો-ઘટાડવો, સાંસદોના પગાર વધારા,નવું રાજ્ય બનાવવું, કોઈ રાજ્યનું નામ બદલવું, કોઈ રાજ્યમાં વિધાનપરિષદની
રચના કરવી અથવા તેની વિધાનપરિષદ રદ્દ કરવી વગેરે જેવા સુધારા કરી શકાય છે. આ સુધારાઓ બંધારણીય સુધારા ગણાતા નથી.

2. વિશેષ બહુમતી 

સંસદમાં બંને ગૃહોમાં હાજર રહીને મત આપનારા સભ્યોની 2/3 બહુમતી એ વિશેષ બહુમતી કહેવાય. બંધારણમાં સુધારા માટે આ પદ્ધતિને સૌથી સારી માનવામાં આવે છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, નાગરિકોના મૂળભૂત અધિકારો, રાજ્યને લગતી નીતિઓ વગેરે જેવા બંધારણીય સુધારા માટે વિશેષ બહુમતીની જરૂર પડે છે.

3. વિશેષ બહુમતીથી સાથે અડધા રાજ્યોની વિધાનસભાની સહમતિ 

સંસદના બંને ગૃહમાં વિશેષ બહુમતી તથા ઓછામાં ઓછા દેશના કૂલ રાજ્યોમાંથી અડધા રાજ્યોની વિધાનસભા દ્વારા સામાન્ય બહુમતીથી મંજુરી. ત્યારબાદ એ સુધારો બંધારણીય સુધારા તરીકે માન્ય ગણાય છે. બંધારણની સાતમી અનુસુચિમાં ફેરફાર કરવા, રાષ્ટ્રપતિની ચુંટણીને લગતી બાબતો, રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સત્તાની વહેંચણીની બાબત, કોઈ રાજ્યનું લોકસભામાં
પ્રતિનિધિત્વ વધારવા કે ઘટાડવા જેવી બાબતો વિષયક બંધારણીય સુધારા માટે વિશેષ બહુમતિ તેમજ અડધા રાજ્યોની વિધાનસભાની સહમતિની જરૂર પડે છે.

સંસદમાં કોઈપણ બંધારણીય સુધારા માટે ઉપરોક્ત રીત અજમાવવામાં આવે છે. પ્રથમ બંધારણીય સુધારો બંધારણ લાગુ થયાના પહેલા જ વર્ષે 1951માં થયો હતો. જેમાં નવમી અનુસૂચી ઉમેરવામાં આવી હતી. આ નવમી અનુસૂચિમાં સામેલ કોઈ પણ વિષયની ન્યાયાલયમાં સમીક્ષા થઇ શકશે નહીં. ત્યારબાદ 1956ની સાલમાં 7મો સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં ભાષાકીય ધોરણે રાજ્યોનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 1971માં 24મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં મૂળભૂત અધિકારો, બંધારણના કોઈપણ ભાગને સુધારવાની સત્તા સંસદને આપવામાં આવી.

1976માં કરવામાં આવેલા 42માં બંધારણીય સુધારાને મીની(લઘુ) બંધારણ કહેવામાં આવે છે. કેમ કે ત્યારે 52 અનુચ્છેદમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારામાં આમુખમાં સમાજવાદી, ધર્મ નિરપેક્ષ અને અખંડિતતા જેવા શબ્દો ઉમેરાયા. મૂળભૂત ફરજોનો અનુચ્છેદ 51-ક જોડવામાં આવ્યો. મંત્રીમંડળની સલાહ માનવી એ રાષ્ટ્રપતિ માટે ફરજીયાત કરવામાં આવી. આ જ સુધારાના અનુસંધાનમાં 1978માં 44મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો. જેમાં કેન્દ્રમાં સરકાર બદલાતા એ સુધારાની ઘણી જોગવાઈઓ પણ બદલવામાં આવી. મિલકતનો અધિકાર, જે મૂળભૂત અધિકાર હતો તેને કાનૂની અધિકારમાં તબદીલ કરવામાં આવ્યો. અનુચ્છેદ-352 મુજબ ‘અશાંતિ’ને બદલે ‘સશસ્ત્ર વિદ્રોહ’ શબ્દ ઉમેરવામાં આવ્યો. ત્યારબાદ 1985માં ભારતીય રાજનીતિ માટે શકવર્તી સુધારો કરવામાં આવ્યો. 52માં સુધારા દ્વારા પક્ષપલટા વિરોધી કાયદો અમલમાં આવ્યો. 1989માં 61માં સુધારા દ્વારા ભારતીય લોકતંત્રમાં એક મહત્વપૂર્ણ સુધારા રૂપે મતદાનની ઉંમર 21 વર્ષના બદલે 18 વર્ષ કરવામાં આવી. એ પછીના મહત્વપૂર્ણ બંધારણીય સુધારા એટલે 73મો અને 74મો બંધારણીય સુધારો. જેમાં પંચાયત રાજને બંધારણીય દરજ્જો અપાયો. આ ઉપરાંત 86મા બંધારણીય સુધારા દ્વારા 6 થી 14 વર્ષના બાળકોને મફત અને
ફરજિયાત શિક્ષણનો અધિકાર અપાયો. છેલ્લે થયેલો મહત્વપૂર્ણ સુધારો તે 101મો બંધારણીય સુધારો. જેના દ્વારા દેશની કર વ્યવસ્થા બદલાઈ અને GSTનો અમલ શરુ થયો.

આમ, બંધારણમાં સુધારો કરવો પ્રમાણમાં સરળ ગણી શકાય. પરંતુ બંધારણ બદલવું એ લગભગ અશક્ય કહી શકાય. હા, એ વાત છે કે બંધારણને બદલ્યા વગર પણ બંધારણના મુલ્યનો હ્રાસ કરી શકાય છે. જે આપણે જોઈ રહ્યા છીએ.

આ સમાચાર શેર કરો