Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / હર્ષ મેસવાણીયા : A British Indian Army officer created a cross belt for the army and police

GSTV શતરંગ/ એક બ્રિટિશ ઈન્ડિયન આર્મી ઓફિસરે લશ્કર અને પોલીસ માટે ક્રોસ બેલ્ટ બનાવ્યો

Timeછેલ્લું અપડેટ : 07 Dec 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ/ એક બ્રિટિશ ઈન્ડિયન આર્મી ઓફિસરે લશ્કર અને પોલીસ માટે ક્રોસ બેલ્ટ બનાવ્યો
સોર્સ : GSTV

- સાઈન- ઈન

App Store

- હર્ષ મેસવાણિયા

ઈ. સ. પૂર્વે ૩૫૦૦ આસપાસનો સમયગાળો માનવ ઈતિહાસમાં બ્રોન્ઝ એજ કહેવાય છે. એ માનવસભ્યતાના વિકાસનો ત્રીજો તબક્કો હતો. લેખનની શરૂઆત માણસે આ યુગથી કરી હતી. ચક્રની શોધ એ કાળમાં થઈ હતી. ખેતીમાં હળ જેવી ટેકનિકનો ઉપયોગ આ ગાળામાં શરૂ થયો હતો. પથ્થર યુગમાં જીવતો માણસ આ સમયગાળાથી ધાતુની મદદથી ચીજવસ્તુઓ બનાવતો થયો હતો. આદિમાનવોમાં જે આવડત ન હતી એ બધી કુશળતા માનવજાતે આ કાળમાં કેળવી હતી.

ટેબલથી લઈને તાંબાની મૂર્તિઓ, ગ્લાસ, સાંકળ એવું ઘણું માણસે બ્રોન્ઝ એજમાં બનાવ્યું હતું. માણસ આ કાળમાં સ્થિર થયો હતો. રસોઈકળાનો વિકાસ થયો. નવા નવા ખાદ્યાન્નની ઓળખ થઈ. બે-અઢી હજાર વર્ષ લાંબાં આ સમયગાળામાં ઘણી નવી સભ્યતાઓનો જન્મ થયો હતો.

ઘણી પ્રોડક્ટની સાથે સાથે કપડાંનો વિકાસ આ એજમાં થયો હતો. વ્યવસ્થિત તૈયાર કરીને માણસ કપડાં પહેરતો થયો હોય એવા આ સમયગાળામાં જ કપડાં સાથે, ફેશન સાથે આજે અભિન્ન બનેલા બેલ્ટની પણ શોધ થઈ હતી. ઈ.સ. પૂર્વે ૩૨૦૦માં બનેલો ચામડાનો બેલ્ટ ૧૯૯૧માં આલ્પસમાંથી મળી આવ્યો છે. એ અત્યાર સુધીમાં મળેલો સૌથી જૂનો બેલ્ટ છે.

***

પાંચ હજાર વર્ષ પહેલાં માણસે બેલ્ટ બનાવવાનું શીખી લીધું હતું, પરંતુ એ વખતે બેલ્ટનો ઉપયોગ જુદી રીતે થતો હતો. કમરમાં પહેરવાના બેલ્ટનો ઉપયોગ તે વખતે ફેશન તરીકે નહીં, પરંતુ સાધનો અને શસ્ત્રો લટકાવવા માટે થતો હતો! છરી કે એવું કોઈ સાધન હાથમાં લઈને ચાલવું ફાવે નહીં એટલે માણસે કપડાંની સાથે કમરમાં લટકાવી શકાય તે માટે બેલ્ટ બનાવ્યો હશે.

મધ્યયુગમાં યુરોપની મહિલાઓના સ્કર્ટમાં કાપડનો બેલ્ટ બનાવવાનું શરૂ થયું. બ્રિટનમાં એ જ ગાળામાં ગાઉનમાં પણ કાપડના બેલ્ટની ફેશન આવી, પરંતુ પુરુષોના કપડાંમાં એનો ઉપયોગ ખાસ થતો નહીં. કેટલાય સૈનિકો ચામડાનો પટ્ટો બનાવીને એમાં છરી લટકાવતા હતા, પરંતુ વ્યાપક રીતે એવો ઉપયોગ શરૂ થતો ન હતો.

યુરોપમાં ચામડાનો બેલ્ટ રાજા-મહારાજાના યુદ્ધ પોશાકનો ભાગ બન્યો. રાજાઓ ચામડાનો બેલ્ટ પહેરતા ને એમાં કટારી છુપાવી રાખતા. ભારતમાં રાજાઓના પોશાકમાં જાડાં દોરડાંનો પટ્ટો વિંટાળવામાં આવતો હતો. એમાં ડાબી તરફ તલવાર લટકાવી શકાય એવી ખાસ જગ્યા બનાવવામાં આવતી. યુરોપમાં ૧૫મી અને ૧૬મી સદી સુધીમાં રાજા-મહારાજાઓ, આર્મી અધિકારીઓ કમરપટ્ટો બાંધતા હતા. કમરપટ્ટો એ ગાળામાં લશ્કરી ઓળખ જેવો બની ગયો હતો.

૧૮મી, ૧૯મી સદી આવી ત્યાં સુધીમાં દુનિયાના બધા દેશોમાં સૈનિકો માટે કમરપટ્ટો લગભગ અનિવાર્ય થઈ ગયો હતો. કમરપટ્ટો તલવાર અને બંદૂકો રાખવામાં ઉપયોગી થતો હતો એટલે લશ્કરી યુનિફોર્મમાં કમરપટ્ટાનું ચલણ વધવા માંડયું હતું. જોકે, આ બેલ્ટ હજુ આર્મીમાં સન્માનનું પ્રતીક બન્યો ન હતો. ૧૯મી સદીમાં હજુય એક ક્રોસ બેલ્ટ આર્મી યુનિફોર્મમાં ઉમેરાવાનો હતો અને એ કામ થવાનું હતું ભારતમાં.

***

બ્રિટિશ ઈન્ડિયન આર્મીના એક લશ્કરી જનરલ હતા સર સેમ્યુઅલ જેમ્સ બ્રાઉની. બંગાળ મેડિકલ સર્વિસમાં કાર્યરત બ્રિટિશ ડોક્ટર જેમ્સ બ્રાઉનીને ત્યાં ૧૮૨૪માં સેમ્યુઅલનો જન્મ થયો હતો. ઈંગ્લેન્ડમાં સ્ટડી કર્યા પછી ભારતમાં આવીને સેમ્યુઅલ લશ્કરમાં જોડાઈ ગયા. ૧૮૪૮માં એંગ્લો-શીખ લડાઈમાં ૨૪ વર્ષના સેમ્યુઅલનું પરાક્રમ જોઈને તેને પ્રમોશન મળ્યું. ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ સેમ્યુઅલે બ્રિટિશ આર્મી માટે મિશનો પાર પાડયા અને ભારતીય રાજાઓના સંયુક્ત સૈન્ય સામે પરાક્રમ કર્યું એટલે બ્રિટિશ આર્મી માટે પ્રતિષ્ઠિત કહેવાય એવો 'વિક્ટોરિયા ક્રોસ' એવોર્ડ પણ મળ્યો. થોડા વર્ષોમાં બ્રિટનની રાણીએ 'સર'નો ખિતાબ આપ્યો. આર્મીમાં એક પછી એક પ્રમોશન મેળવીને સેમ્યુઅલ લશ્કરના જનરલ બન્યા.

૧૮૫૯માં પંજાબમાં એક લડાઈ ચાલતી હતી. બ્રિટિશ આર્મીએ સેમ્યુઅલને એનું નેતૃત્વ આપ્યું. એ લડાઈમાં ભારતના પરાક્રમી યોદ્ધાઓ સામે બ્રિટિશ લશ્કર માંડ માંડ જીત્યું, પરંતુ એની કિંમત સેમ્યુઅલે ડાબો હાથ આપીને ચૂકવી. ડાબા પગના ઘૂંટણમાં પણ સેમ્યુઅલને ગંભીર ઈજા થઈ. ઈજાગ્રસ્ત સેમ્યુઅલને બંગાળમાં સારી સારવાર મળી એટલે જીવ તો બચી ગયો, પણ ડાબો હાથ કપાઈ જતાં સેમ્યુઅલ યુદ્ધ કરી શકે તેમ ન હતા.

સેમ્યુઅલને ગમે તેમ કરીને ફરી જંગના મેદાનમાં ઉતરવું હતું. જે ભારતીય લડવૈયાઓએ તેનો હાથ કાપ્યો હતો તેની સામે લડાઈ કરવી હતી. કપાયેલો હાથ એમાં અવરોધ બને તેમ હતો. હાથ છૂટો રાખીને લડી શકાય નહીં. આવી ગડમથલ વચ્ચે સેમ્યુઅલને વિચાર આવ્યો કે કમરપટ્ટાની સાથે સાઈડમાં બીજો પટ્ટો ગોઠવી શકાય તો એમાં કપાયેલો હાથ મૂકી શકાય ને તો યુદ્ધમાં મુશ્કેલી ન પડે. થોડા મહિનાની મથામણને અંતે સેમ્યુઅલે તેના આર્મી યુનિફોર્મમાં જમણાં ખભાથી કમરમાં ડાબી સાઈડ સુધી આવે તેવો બેલ્ટ તૈયાર કરાવ્યો. આર્મીમાં નવા ડ્રેસ સાથે આવેલા સેમ્યુઅલની ચર્ચા થઈ. આર્મીના અધિકારીઓ આ બેલ્ટને સેમ બ્રાઉની બેલ્ટ કહેતા એટલે આજેય સેમ્યુઅલના નામ પરથી આ ક્રોસ બેલ્ટ સેમ બ્રાઉની બેલ્ટ કહેવાય છે.

આ ક્રોસ બેલ્ટ એટલો પ્રભાવશાળી લાગતો હતો કે સેમ્યુઅલ અન્ય લશ્કરી અધિકારીઓથી જુદા તરી આવતા. તેમની સમકક્ષ અધિકારીઓએ એવા જ બેલ્ટની ડિમાન્ટ કરી એટલે બ્રિટિશ આર્મીએ ઉચ્ચ અધિકારીઓના માટે આ બેલ્ટ ફરજિયાત કરી દીધો. ક્રોસ બેલ્ટ હોય તો આખાય ભારતમાં સૈનિકો ઓળખી જતાં કે આ આર્મીનો મોટો સાહેબ છે. પરિણામે બેલ્ટ પહેરવો હોય તો અધિકારી બનવું પડે એવો ખ્યાલ મજબૂત થતો ગયો. પ્રમોશન થાય ત્યારે સૈનિકોને સન્માનના ભાગરૂપે પણ ક્રોસ બેલ્ટ મળતો. પછી તો જેટલાં દેશોમાં બ્રિટનનું રાજ હતું ત્યાં બધે જ આર્મી અને પોલીસ દળોના ઉચ્ચ અધિકારીઓ માટે જુદા જુદા પ્રકારના ક્રોસ બેલ્ટ ફરજિયાત બન્યા. બ્રિટનના પ્રભાવમાં દુનિયાભરમાં સૈનિકો માટે કમરપટ્ટો ને અધિકારીઓ માટે કમરપટ્ટાની સાથે ક્રોસ બેલ્ટ અનિવાર્ય બનાવી દીધો.

આજેય બ્રિટિશ શાસન સમયની આ પદ્ધતિ યથાવત છે. ભારત સહિત દુનિયાભરના લશ્કરમાં અને પોલીસ ફોર્સમાં અધિકારીઓના યુનિફોર્સમાં ક્રોસ બેલ્ટ સન્માનનું પ્રતીક ગણાય છે. તેને ડયૂટી બેલ્ટ પણ કહેવામાં આવે છે.

...તો આ રીતે આર્મીમાંથી પ્રેરિત થઈને ભારત સહિતના પોલીસ દળોમાં આ ક્રોસ બેલ્ટને માનભર્યું સ્થાન મળ્યું છે. આજેય બેલ્ટ આર્મી-પોલીસની ડયૂટીનો સિમ્બોલ ગણાય છે. 

ગ્લોબલ બેલ્ટ બજાર 400 કરોડ ડોલરને પાર

ફેશન એસેસરીઝમાં બેલ્ટનો હિસ્સો ઘણો મોટો છે. પુરુષો અને સ્ત્રીઓની એસેસરીઝમાં બેલ્ટ અનિવાર્ય છે. સ્કૂલ-કોલેજથી લઈને ઓફિસ સુધીના યુનિફોર્મમાં બેલ્ટ અનિવાર્ય હોય છે. એમાંય હવે તો જિન્સ માટે જુદાં બેલ્ટ અને ટ્રાઉઝર્સ માટે અલગ. ફોર્મલ માટે વળી જુદાં બેલ્ટનો સેટ રાખવો પડે છે. પરિણામે દરેક વ્યક્તિ પાસે એકથી વધુ બેલ્ટ હોય છે. મહિલાઓની એસેસરીઝમાં તો મેચિંગ બેલ્ટનું મહત્ત્વ ઓર વધી જાય છે. પરિણામે આજે ગ્લોબલ બેલ્ટ માર્કેટ ૪૦૦ કરોડ ડોલરને પાર પહોંચી ગયું છે. અમેરિકામાં ૨૮ ટકા ને એશિયામાં આ માર્કેટ ૨૮ ટકાના વાર્ષિક દરે વધી રહ્યું છે. આફ્રિકામાં સૌથી ઓછું ૫.૬ ટકાના દરે વધી રહેલું આ માર્કેટ જો આ ગતિએ આગળ વધશે તો ૨૦૩૨માં ૮૦૦ કરોડ ડોલરે પહોંચે તેવો અંદાજ બાંધવામાં આવ્યો છે.

લશ્કર અને પોલીસના યુનિફોર્મનું ગ્લોબલ માર્કેટ

આર્મીના ડ્રેસનું મટિરિયલ સામાન્ય કાપડ કરતાં ઘણું જુદું હોય છે. વિષમ વાતાવરણને ધ્યાનમાં રાખીને આર્મી યુનિફોર્મ માટે ખાસ મટિરિયલ ડિઝાઈન કરવામાં આવે છે. વળી, યુનિફોર્મની સાથે જૂતા, કેપ, હેટ, બેલ્ટ જેવી એસેસરીઝ પણ અનિવાર્ય છે અને એનું મટિરિયલ પણ સામાન્ય રીતે માર્કેટમાં મળતાં મટિરિયલ કરતાં મોંઘું હોય છે. પરિણામે ગ્લોબલ આર્મી-પોલીસ યુનિફોર્મનું માર્કેટ આજની તારીખે ૨.૫ અબજ ડોલરે પહોંચી ગયું છે. દુનિયામાં આ માર્કેટમાં વાર્ષિક ૫.૬ ટકાની વૃદ્ધિ થઈ રહી છે એ જોતાં ૨૦૩૦ સુધીમાં આ માર્કેટ ત્રણ અબજ ડોલરને પાર પહોંચી જાય એવો અંદાજ બાંધવામાં આવ્યો છે. ભારતમાં આ માર્કેટ ૭.૭ ટકા ને ચીનમાં ૭.૩ ટકાના દરે ગ્રો થઈ રહ્યું છે. યુરોપમાં આ માર્કેટનો વૃદ્ધિદર સૌથી નીચો ૪.૯ ટકા છે. મટિરિયલની રીતે સૌથી સારો મિલિટરી યુનિફોર્મ દુનિયામાં અમેરિકાનો છે. અમેરિકા દરેક સૈનિકને યુનિફોર્મ ખરીદવા માટે ૫૨૦ ડોલર યાને અંદાજે ૪૬ હજાર રૂપિયા આપે છે. તેની સરખામણીએ ભારતમાં ઉચ્ચ અધિકારીઓને યુનિફોર્મ ખરીદવા માટે વર્ષે ૨૦ હજાર મળે છે ને જુનિયર અધિકારીઓને ૧૦ હજારનું બજેટ આપવામાં આવે છે. ભારતમાં દરેક રાજ્યમાં પોલીસ કર્મચારીઓને મળતું બજેટ અલગ અલગ હોય છે. ૩૦૦૦થી શરૂ થઈને ૮૦૦૦ સુધીની રકમ પોલીસ કર્મચારીઓને વર્ષે મળતી હોય છે. ભારત સરકાર આગામી સમયમાં વન નેશન વન પોલીસ યુનિફોર્મની પૉલિસી પર કામ કરે છે. એ પછી આખાય દેશની પોલીસ ફોર્સમાં એક સમાન ધારા-ધોરણ અમલી બનશે.