શતરંગ / સત્તા માટે ભાજપનાં સગવડિયાં જોડાણો
- અર્થ અને તંત્ર કોઈ પણ રાજકીય પક્ષનો અને કોઈ પણ રાજકીય નેતાનો પ્રથમ ઉદ્દેશ સત્તા પ્રાપ્ત કરવ

- અર્થ અને તંત્ર
કોઈ પણ રાજકીય પક્ષનો અને કોઈ પણ રાજકીય નેતાનો પ્રથમ ઉદ્દેશ સત્તા પ્રાપ્ત કરવાનો અને બીજો ઉદ્દેશ પ્રાપ્ત થયેલી સત્તાને કોઈ પણ ભોગે ટકાવી રાખવાનો હોય છે. તેને માટે તેઓ કોઈ પણ સમાધાનો અથવા કહો કે બાંધછોડ કરવા તૈયાર હોય છે. એમાં ક્યાંય તેમના કોઈ સિદ્ધાંતો મોટે ભાગે વચ્ચે આવતા જ નથી. ગુજરાતી ભાષામાં એમ કહેવાય કે મિયાં-મહાદેવ ભેગા ન થાય. પણ રાજકારણમાં તો થઈ જ જાય.
આ રાજકીય હકીકત ભારતમાં તો ખૂબ જ અગત્યની છે. એટલે સિદ્ધાંતોનું રાજકારણ બહુ ઓછી વ્યક્તિઓ અને રાજકીય પક્ષો ખેલતા હોય છે. છેક ૧૫૭૮માં ‘યુફૂસ: ધી એનેટોમી ઓફ વિટ’માં એક અંગ્રેજ નાટ્યકાર જ્હોન લીલીએ લખેલું કે “પ્રેમ અને યુદ્ધમાં બધું જ જાયજ છે.” રાજકારણ એ સત્તાપ્રાપ્તિ માટેનું યુદ્ધ છે એટલે એમાં જે કંઈ કરવામાં આવે તે બધું યોગ્ય જ કહેવાય! કશાનો અને કોઈનો પણ છોછ ન હોય.
ભાજપ માટે તેના પોતાના નેતાઓ દ્વારા એક વખત એમ કહેવામાં આવતું હતું કે ભાજપ એક અલગ પ્રકારનો પક્ષ છે: “પાર્ટી વિથ અ ડિફરન્સ” એવું બોલાતું હતું. એટલે કે ભાજપ ઘણીબધી બાબતોમાં કોંગ્રેસ કે અન્ય પક્ષો જેવો નથી અને તે અમુક સિદ્ધાંતો સાથે રાજકારણમાં છે એમ કહીને લોકોને ભાજપ પ્રત્યે લાગણી જન્મે અને લોકો આકર્ષાય એવો ખેલ રચાયો હતો. શું ખરેખર એવું છે કે પછી ભાજપે સત્તા મેળવવા અને સત્તા ટકાવી રાખવા માટે જે કંઈ કરવું પડે તે બધું જ કર્યું છે? નરેન્દ્ર મોદીના છેલ્લાં દસ વર્ષના શાસનકાળ દરમ્યાન આવી કેટલી બાંધછોડ થઈ અને અત્યારે થઈ રહી છે કે જ્યારે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન બન્યા છે?
અહીં સવાલ કોંગ્રેસે આટલાં વર્ષો સુધી શું કર્યું તે નથી કારણ કે કોંગ્રેસ કરતાં પોતે જુદા પ્રકારનો પક્ષ છે એવું ભાજપ પોતે કહેતો હતો માટે ભાજપનું જ ચારિત્ર્ય છેલ્લાં દસ વર્ષમાં શું રહ્યું છે તે તપાસવું પડે અને જોવું પડે કે શું તે કોંગ્રેસ કરતાં ખરેખર જુદો જ રાજકીય પક્ષ છે ખરો? કે પછી તેણે સત્તા મેળવવા અને ટકાવવા બધા જ સિદ્ધાંતોને નેવે મૂક્યા છે? કેટલીક જ હકીકતો જોઈએ:
(૧) જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થઈ અને કોઈ પણ પક્ષને બહુમતી ન મળી ત્યારે ભાજપે એપ્રિલ-૨૦૧૬માં મહેબૂબા મુફ્તી સાથે હાથ મિલાવ્યા, તેમને મુખ્ય પ્રધાન બનાવ્યાં, તેમની સરકારમાં ભાગ લીધો અને જુન-૨૦૧૮ સુધી સંયુક્ત સરકાર ચલાવી પણ ખરી. પછી જમ્મુ-કાશ્મીર માટેની બંધારણની કલમ-૩૭૦ બંધારણમાંથી રદ કરવી હતી માટે તેમની સરકારમાંથી ભાજપ બહાર નીકળી ગયો અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું. આ જ મહેબૂબા મુફ્તી અને તેમનો પક્ષ પીડીપી અલગતાવાદીઓ અને આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવે છે એવા આક્ષેપો ભાજપના નેતાઓ વારંવાર કરતા રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં સત્તામાં રહેવું હતું ત્યારે તો તેમને પીડીપી અને મહેબૂબા અત્યંત ઇચ્છનીય સાથી લગતા હતા!
(૨) “ભગવાન રામ ખરેખર થયા જ નહોતા અને એ તો એક કલ્પના છે” એવું કહેનારા અને ૨૦૧૪-૧૫માં નવ મહિના માટે બિહારના મુખ્ય પ્રધાન રહેલા જીતનરામ માંઝી અત્યારે નરેન્દ્ર મોદીના ત્રીજા પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના પ્રધાન બન્યા છે! શું નરેન્દ્ર મોદી અને ભાજપ માંઝીના આ મંતવ્ય સાથે હવે સંમત છે એમ માનવાનું? સંમત નથી તો અધૂરા બંધાયેલા રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરનારા મોદીએ આટલા ગંભીર મુદ્દે માંઝી સાથે સમાધાન કેમ કર્યું? જીતનરામનો પક્ષ હિન્દુસ્તાન અવામ મોરચા આજે એનડીએનો ભાગ પણ છે અને એટલે જ તેઓ મોદીના પ્રધાનમંડળમાં સ્થાન પામ્યા છે. ભગવાન રામ ખરેખર હતા અને તેઓ અયોધ્યામાં એ જ જગ્યાએ જન્મ્યા હતા કે જ્યાં રામમંદિર બાંધવામાં આવ્યું છે એને માટે ચળવળ ચલાવનાર ભાજપ અને મોદીને જીતનરામ માંઝીના મંતવ્ય સાથે સહેજ પણ વાંધો નથી એમ લાગે છે. કેટલાક વિદ્વાનો અને કોંગ્રેસ કહેતા કે રામ એક કલ્પના છે તો ભાજપવાળા એમને ગાળો દેવામાં કશું બાકી રાખતા નહોતા, તેઓ તો આજેય એમને ગાળો દે છે.
(૩) ખાસ કરીને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ વગેરેના ખેડૂતો દ્વારા જ્યારે કોરોનાકાળ દરમ્યાન ખેતી અને ખેત પેદાશોના વેચાણ સાથે સંબંધિત ત્રણ કાયદા પાછા ખેંચાવવા દિલ્હીની સરહદે આંદોલન થયું ત્યારે ભાજપે અને તેના ટેકેદારોએ ખુલ્લંખુલ્લા એમ કહ્યું હતું કે આ ખેડૂતો ખાલિસ્તાનીઓ છે અથવા તેમને ખાલિસ્તાની ચળવળ ચલાવનાર ટેકો આપે છે. માત્ર શીખોના જ કહેવાતા પક્ષ અકાલી દળ સાથે ભાજપના સંબંધો મોદીના શાસનકાળ દરમ્યાન સુંવાળા જ રહ્યા હતા. ખેડૂતોનું આંદોલન શરૂ થયું ત્યાં સુધી અકાલી દળ એનડીએનો ભાગ હતું. સપ્ટેમ્બર-૨૦૨૦માં હરસિમરત કૌર દ્વારા ખેડૂત આંદોલનના ટેકામાં રાજીનામું આપવામાં આવ્યું ત્યાં સુધી તો તેઓ મોદીના પ્રધાનમંડળમાં હતાં. ૨૦૧૪થી જ તેઓ પ્રધાન હતાં અને તેમના પક્ષને અનેક વાર ભાજપના નેતાઓએ ખાલિસ્તાનને ટેકો આપનારા પક્ષ તરીકે વર્ણવ્યો હતો. અકાલી દળ એક જમાનામાં ‘પંથિક પાર્ટી’ હતી અને તેનો ઉદ્દેશ શીખોનું ખાલિસ્તાન નામનું ધર્મરાજ્ય ઊભું કરવાનો જ હતો. ભાજપ કે મોદી માટે દેશભક્તિ મહત્ત્વની નથી પણ અકાલી દળ સાથે જોડાણ કરીને સત્તા મેળવવી મહત્ત્વની બાબત છે.
(૪) આંધ્ર પ્રદેશના ચંદ્રબાબુ નાયડુના મોદી અને ભાજપ સાથેના સંબંધો જુઓ. લોકસભાની ચૂંટણી વેળા વારંવાર મોદીએ એમ કહ્યું કે ઓબીસીને મળેલી ૨૭ ટકા અનામત લઈને કોંગ્રેસ અને ‘ઇન્ડિયા’ એ મુસ્લિમોને આપવા માંગે છે. પોતાના કાર્યકાળ દરમ્યાન એક પણ પત્રકાર પરિષદને નહિ સંબોધનાર મોદીએ તેમની એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં એમ પણ આડકતરી રીતે કહેલું કે તેઓ હિંદુ-મુસ્લિમ હિંદુ-મુસ્લિમ નહિ કરે. તો પણ તેમણે સતત આ અનામતની વાત કર્યા જ કરી હતી. તેને માટે તેઓ કોંગ્રેસની કર્ણાટક સરકારનો દાખલો આપતા હતા. હકીકત તો એ પણ છે કે લોકસભા સાથે જ આંધ્ર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને તેમાં ભાજપ અને ચંદ્રબાબુ નાયડુનો પક્ષ તેલુગુ દેશમ પાર્ટી એટલે કે ટીડીપી એનડીએ તરીકે જોડાણમાં ચૂંટણી લડ્યા હતા. ટીડીપીએ તેના ચૂંટણી ઢંઢેરામાં ઓબીસી માટેની અનામતમાંથી ચાર ટકા અનામત પછાત મુસ્લિમોને આપવાનું વચન આપ્યું. તેમ છતાં તેમની સાથે જોડાણમાં આંધ્ર પ્રદેશની ચૂંટણી ભાજપ લડ્યો! વળી, કેન્દ્રમાં મોદી ટીડીપીના ટેકાથી જ વડા પ્રધાન બન્યા! હવે મુસ્લિમ અનામતનું શું થશે તે તો પરમાત્માએ જેમને મોકલ્યા છે તે નરેન્દ્ર મોદી જ જાણે! રાષ્ટ્રીય સ્તરે ટીડીપી ઓબીસીની અનામતમાંથી ચાર ટકા મુસ્લિમો માટે અનામત અલગ રીતે ફાળવવા માગણી કરે તો શું થશે?
આવા તો અનેક દાખલા આપી શકાય તેમ છે. ઉપરોક્ત હકીકતો જોતાં એમ કહેવાય કે ભાજપ બીજા રાજકીય પક્ષો જેવો જ છે. “રાજકારણ એ શક્યતાઓની, શું મેળવી શકાય છે તેની કળા છે” એવું ૧૮૧૫-૯૫ દરમ્યાન જર્મનીના ચાન્સેલર રહેલા ઓટોવોન બિસ્માર્ક દ્વારા કહેવામાં આવેલું. તેમણે જ નાના નાના ટુકડામાં વહેંચાયેલા પ્રદેશોનો એક જર્મની દેશ બનાવ્યો હતો. ભાજપ અને તમામ રાજકીય પક્ષોએ ભારતમાં આ શક્યતાની કળા બખૂબી હસ્તગત કરેલી છે. રાષ્ટ્રભક્તિ પછી આવે છે, પહેલાં સત્તા આવે છે. ભાજપ એવું કહી શકે જ નહિ કે પોતે બીજા કરતાં અલગ પ્રકારનો રાજકીય પક્ષ છે. સત્તાની બાબતમાં બધા લગભગ એક જ માળાના મણકા હોય છે, લોકશાહી સિદ્ધાંતો અને મૂલ્યો માટે તો લોકોએ જ લડવું પડે, રાજકીય પક્ષો અને નેતાઓ લડે પણ ખરા અને ના પણ લડે.
- હેમન્તકુમાર શાહ








