Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ : CCTV: 100 crore 'eyes' on 800 crore people

GSTV શતરંગ/ સીસીટીવી : 800 કરોડ લોકો પર મંડાયેલી 100 કરોડ 'આંખો'

Timeછેલ્લું અપડેટ : 12 Apr 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ/ સીસીટીવી : 800 કરોડ લોકો પર મંડાયેલી 100 કરોડ 'આંખો'
સોર્સ : GSTV

૧૯૪૨નું વર્ષ હતું. હિટલરના નાઝી જર્મનીમાં દુનિયાની સૌપ્રથમ બેલિસ્ટિક મિસાઈલ વી-૨ના પરીક્ષણનો ધમધમાટ ચાલતો હતો. ટોચના વિજ્ઞાનીઓ મિસાઈલના પરીક્ષણ વખતે સ્થળ પર હાજર રહેવાનું જોખમ લેવા ઈચ્છતા ન હતા. તેમણે જર્મનીમાં ટેલિવિઝન ડેવલપ કરનારા ઈલેક્ટ્રિકલ એન્જિનિયર વૉલ્ટર બ્રુહને કંઈક ઉકેલ શોધવાની વિનંતી કરી. થોડે દૂરથી આ પરીક્ષણ જોઈ શકાય તે માટે વૉલ્ટરે ક્લોઝ સર્કિટ ટેલિવિઝન સિસ્ટમ ગોઠવીને તેનું સંચાલન કરી આપ્યું. ત્યારે વૉલ્ટરને કલ્પના પણ નહોતી કે મિસાઈલ લોંચિંગ સાઈટ પર ગોઠવાયેલી આ ક્લોઝ સર્કિટ સિસ્ટમ આગામી દશકામાં 'સીસીટીવી કેમેરા'ના નામથી આખી દુનિયામાં ફરી વળશે.

App Store

મૂળ તો રશિયન સંશોધક લીઓન થેરેમિને ૧૯૨૭માં આ મોનિટરિંગ સિસ્ટમ વિકસાવી હતી. તેને એ વખતે મિકેનિકલ ક્લોઝ સર્કિટ ટેલિવિઝન સિસ્ટમ નામ અપાયું હતું. એ સિસ્ટમ જ્યાં સેટ કરવામાં આવી હોય ત્યાંનું દૃશ્ય થોડે દૂર એ વખતના ટીવી બોક્સમાં દેખાતું હતું. રશિયાના તત્કાલિન વડા જોસેફ સ્ટાલિન સામે આ સિસ્ટમનું ડેમોન્સ્ટ્રેશન થયું હતું અને તેની ઓફિસ બહાર મુલાકાતીઓ પર નજર રાખવા માટે એવી એક સિસ્ટમ ગોઠવવામાં પણ આવી હતી, પરંતુ એ વખતે ટેકનોલોજી હજુ વિકસી રહી હોવાથી સર્વેલન્સનું ખાસ કામ આપતી ન હતી. 

ઈલેક્ટ્રિકલ એન્જિનિયર વૉલ્ટર બ્રુહને આ પદ્ધતિની જાણ હતી અને તેણે વી-૨ના લોન્ચિંગ વખતે સફળતાપૂર્વક તેનો ઉપયોગ કરી બતાવ્યો એટલે બ્રુહને જ સીસીટીવીના શોધકનો યશ મળે છે. સીસીટીવી મોનિટરિંગનો એ પહેલો સફળ પ્રયોગ હતો અને પછી દુનિયાભરમાં એના પ્રયોગો થવાના હતા. ૧૯૪૯માં અમેરિકન કંપની રેમિંગ્ટને પહેલી સીસીટીવી સિસ્ટમ ઈન્સ્ટોલ કરી હતી. બે-અઢી દશકા સુધી સીસીટીવી રેકોર્ડિંગ અમુક સંસ્થાઓ કે સરકારી કચેરીઓ પૂરતું જ થતું હતું. તે સમયે સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાનું અઘરું અને ખર્ચાળ હતું.

૧૯૭૦ સીસીટીવીનો ઉપયોગ અમેરિકા-યુરોપ-જાપાનમાં થવા લાગ્યો હતો, પરંતુ તેનો જમાનો આવ્યો ૧૯૯૦ પછી. કેમેરા, વીસીઆર અને કમ્પ્યુટર્સના વિકાસ સાથે સીસીટીવી ટેકનોલોજી વિકસી. સુરક્ષા એજન્સીઓએ તેનો ઉપયોગ શરૂ કર્યો. એ હજુ શરૂઆત હતી. સરકારી એજન્સીઓ, ધનવાનો, પૈસાદાર ઈન્સ્ટિટ્યૂટ્સને જ પરવડે એવું સીસીટીવી મોનિટરિંગ ૨૧મી સદીમાં ચારેબાજુ જોવા મળવાનું હતું.

***

નોર્ટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીનું સંશોધન કહે છે કે છેલ્લાં એક દશકામાં સીસીટીવી કેમેરાના કારણે ગુનાખોરીમાં ૧૬ ટકાનો ઘટાડો થયો છે. વાહનોની ચોરી, મારામારી, દુકાનો-મોલ્સ-સંગ્રહાલયોમાં થતી ચોરીનું પ્રમાણ તો ૩૦ ટકા સુધી ઘટી ગયું છે ને તપાસ એજન્સીઓને સીસીટીવીના કારણે ગુનેગારોને પકડવામાં સરળતા રહે છે. આ જ યુનિવર્સિટીના સંશોધકોએ પોલીસ તપાસની મેથડમાં સીસીટીવીની મદદનો ડેટા મેળવ્યો તો જાણ થઈ કે બ્રિટનમાં ૬૫ ટકા તપાસ વખતે સીસીટીવી ઉપયોગી બને છે.

સીસીટીવી ફૂટેજના બે ભાગ પાડવામાં આવે છે. પેસિવ રેકોર્ડિંગ અને એક્ટિવ રેકોર્ડિંગ. પેસિવ રેકોર્ડિંગ એટલે કોઈ જગ્યાએ લગાવેલા સીસીટીવીનું લાઈવ મોનિટરિંગ વગર થતું રેકોર્ડિંગ. એનો ડેટા સ્ટોર થતો રહે અને જ્યારે કંઈક જરૂરિયાત જણાય ત્યારે ચેક કરીને એમાંથી જરૂરી ફૂટેજ મેળવવામાં આવે છે. એક્ટિવ રેકોર્ડિંગ એટલે લાઈવ મોનિટરિંગ. તાલીમ પામેલા ઓપરેટર્સ એનું મોનિટરિંગ કરીને શંકાસ્પદોને ઓળખી કાઢે છે. જાહેર ઈવેન્ટ્સમાં આ પ્રકારના મોનિટરિંગથી શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખીને ગુનાખોરી રોકવામાં આવે છે. વૉશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધનનું તારણ છે કે એક્ટિવ મોનિટરિંગથી ૬૦ ટકા સુધી ગુનાખોરી અટકાવી શકાય છે. એઆઈ એનાલિસિસ અને હાઈ રિઝલ્યૂશન કેમેરાની મદદથી હજુય આગામી પાંચ વર્ષમાં એક્ટિવ મોનિટરિંગથી ૭૦ ટકા સુધી ગુનાખોરી રોકી શકાશે અથવા તો ગુનેગારોને પકડી શકાશે.

ટ્રાફિક મેનેજમેન્ટમાં તો સીસીટીવી કરોડરજ્જુ છે. ટ્રાફિક નિયમન સીસીટીવીના કારણે સરળ-અસરકારક બન્યું છે. બર્લિન યુનિવર્સિટીના ટેકનોલોજી વિભાગના એક સર્વેમાં જણાયું કે દુનિયામાં દરરોજ ૨૭ ટકા ટ્રાફિક જામ સીસીટીવી મોનિટરિંગના કારણે અટકે છે. જો સીસીટીવીથી શહેરોના ટ્રાફિક પર લાઈવ નજર રાખવામાં ન આવે તો દરેક વાહનચાલકને ડેસ્ટિનેશન પર પહોંચતા એવરેજ ૨૪ મિનિટ મોડું થતું હોત. સીસીટીવીથી રોડ સેફ્ટી વધી છે. સીટબેલ્ટ અને હેલમેટ પહેરવાનું સીસીટીવી સર્વેલન્સથી ૬૯ ટકા વધ્યું છે ને સિગ્નલ તોડવાની ઘટનાઓ પણ સીસીટીવીના ડરથી ૪૧ ટકા ઓછી થઈ છે. સીસીટીવી સર્વેલન્સથી ટ્રાફિક મેનેજમેન્ટમાં અસરકારકતા આવી છે ને ક્રાઈમરેટ પણ નિયંત્રિત થયો છે. ચોરીની ઘટનાઓ ડામવામાં સીસીટીવીની ભૂમિકા મહત્ત્વની સાબિત થઈ રહી છે. ગુનેગારોને પકડવામાં સીસીટીવી મદદગાર બને છે. આ બધું છતાં પ્રાઈવસી સામે સીસીટીવીથી મોટું જોખમ સર્જાયું છે.

***

દુનિયાની વસતિ ૮૦૦ કરોડ છે અને ગ્લોબલી ૧૦૦ કરોડ સીસીટીવી કેમેરા લાગી ચૂક્યાં છે. તે હિસાબે આજની તારીખે દર આઠ વ્યક્તિ પર એક કેમેરા દિવસ-રાત મંડાયેલો રહે છે. લંડન, વૉશિંગ્ટન, હૈદરાબાદ, દિલ્હી, પેરિસ, બેઈજિંગ, શાંઘાઈ જેવા મોટા શહેરોમાં એક વ્યક્તિ સરેરાશ દિવસમાં ઓછામાં ઓછા ૧૦૦થી ૨૫૦ વખત સીસીટીવીમાં ઝડપાય છે. આવા મોટા શહેરોમાં સુરક્ષાના હેતુથી અનેક સરકારી એજન્સીઓના સીસીટીવી કેમેરા આખાય શહેર પર આંખ માંડીને ચિપકેલા રહે છે. ખાનગી સીસીટીવી કેમેરા તો અલગ.

અર્બન વિસ્તારોમાં રહેતો પ્રત્યેક માણસ દિવસમાં એવરેજ ૫૦થી વધુ વખત કેમેરામાં કેદ થાય છે. ગ્લોબલી જે ૧૦૦ કરોડ કેમેરા લાગ્યા છે એમાંથી ૨૨ કરોડ કેમેરા તો એકલા ચીનમાં લાગ્યા છે અને ભારત વીસેક કરોડ સીસીટીવી સાથે બીજા ક્રમે છે. ચીન અને ભારતમાં શહેરો પ્રમાણે હજાર લોકોએ ૨૦થી લઈને ૮૩ કેમેરા લાગ્યા છે.

એક તરફ સીસીટીવી કેમેરાથી ક્રાઈમરેટ ઘટયો છે કે અંકુશમાં આવ્યો છે, ટ્રાફિક નિયમનમાં એ ખૂબ જ ઉપયોગી ટૂલ છે એવી દલીલો તરફેણમાં થાય છે. બીજી તરફ આખી દુનિયાના લોકો પર સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે. હજુય સીસીટીવીનું વેચાણ સતત વધી રહ્યું છે એટલે નજર રાખતા કેમેરા વધવાના છે. આજે દુનિયામાં દરેકને આ લાઈન લાગુ પડે છે : યુ આર અંડર સીસીટીવી સર્વેલન્સ.

ઈન્ટરેસ્ટિંગલી, દુનિયામાં એક હજાર લોકોએ પૂરા બે ડોક્ટર નથી, પરંતુ હજાર લોકો પર નજર રાખવા પૂરા ૧૨૫ સીસીટીવી કેમેરા અવેલેબલ છે! 

સીસીટીવી કેમેરાનું માર્કેટ

દુનિયામાં સીસીટીવી કેમેરાનું માર્કેટ ૨૦૨૫માં ૭૦ અબજ ડોલરે પહોંચ્યું હતું અને ૨૦૩૪ સુધીમાં વધીને ૨૩૦ અબજ ડોલરે પહોંચે તેવો અંદાજ છે. ૪૦ કરોડ કેમેરા તો છેલ્લાં છ-સાત વર્ષમાં ઈન્સ્ટોલ થયા છે. ચીન અને ભારતનો સીસીટીવી માર્કેટમાં દબદબો રહ્યો છે. ૧૧ અબજ ડોલર સાથે ચીન પ્રથમ અને આઠ અબજ ડોલર સાથે ભારત બીજા ક્રમે છે. ભારતમાં આગામી પાંચ જ વર્ષમાં વધીને ૧૫ અબજ ડોલરે આ માર્કેટ પહોંચે તેવી શક્યતા છે. એટલે કે દેશમાં સીસીટીવીનું અંદાજે દોઢ લાખ કરોડ રૂપિયાનું માર્કેટ ધમધમતું થઈ જશે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જાપાન, જર્મની, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા સીસીટીવીના માર્કેટમાં ટોપ-૧૦માં આવે છે. એઆઈ પાવર્ડ સીસીટીવી કેમેરાનો ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો હોવાથી આ માર્કેટમાં અણધાર્યો ઉછાળો આવી શકે છે.

સીસીટીવીના નિયમોમાં શું બદલાયું?

કેન્દ્ર સરકારે સીસીટીવી કેમેરા માટે ૨૦૨૪માં નવો નિયમ બનાવ્યો હતો. સીસીટીવી કેમેરા વેચતી દરેક કંપનીને સરકારે બે વર્ષનો એટલે કે એપ્રિલ-૨૦૨૬ સુધીનો સમય આપ્યો હતો. આ સમયગાળામાં દરેક કંપનીએ સર્ટિફાઈડ લેબમાંથી સ્ટાન્ડર્ડાઈઝેશન ટેસ્ટિંગ ક્વોલિટી  સર્ટિફિકેટ લેવું જરૂરી હતું. સીસીટીવી બનાવતી કંપનીઓએ સરકારને એ દર્શાવવું જરૂરી છે કે સીસીટીવીના પાર્ટ્સ કયા દેશમાં બને છે ને સીસીટીવી માટે ચિપ ક્યા દેશમાં તૈયાર થાય છે. આ નવા નિયમોની સીધી અસર ચીનની કંપનીઓને થઈ છે. ૨૦૨૪ પહેલાં ભારતના માર્કેટમાં ચીની કંપનીઓ અને ભારતીય કંપનીઓની લગભગ બરાબરની હિસ્સેદારી હતી, પરંતુ ચીની કંપનીઓ ચીનની જ ચિપ વાપરતા હોવાથી તેમણે સર્ટિફિકેટ મેળવ્યા નહીં અને તેના કારણે આ મહિનાથી જ અનેક કંપનીઓના સીસીટીવીના વેચાણ પર લગામ લાગી ગઈ છે.

દરરોજ કેટલું ફૂટેજ રેકોર્ડ થાય છે?

શહેરી વિસ્તારોમાં સીસીટીવીની રેન્જ એકધારી વધી રહી છે અને હવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠેર-ઠેર સીસીટીવી કેમેરા લાગી ગયા છે. સોસાયટીમાં, સરકારી-ખાનગી ઓફિસમાં, રસ્તાઓમાં - જ્યાં જોઈએ ત્યાં સીસીટીવી નજરે પડે છે. આ સીસીટીવી કેમેરા ૨૪ કલાક રેકોર્ડિંગ કરતાં રહે છે. તેના કારણે દુનિયામાં દરરોજ કેટલું રેકોર્ડિંગ થાય છે ખબર છે? ૫૫૦૦ પેરાબાઈટ. એક પેરાબાઈટ (પીબી) એટલે એક હજાર ટેરાબાઈટ (ટીબી). તે હિસાબે દરરોજ ૫૫ લાખ ટીબી જેટલું સીસીટીવી ફૂટેજ દુનિયાભરમાં સ્ટોર થાય છે. સીસીટીવીની સંખ્યા વધતી જાય છે એમ આ રેકોર્ડિંગનો ડેટા પણ વધ્યો છે. ૨૦૧૩માં ડેઈલી ૪૧૩ પીબી ફૂટેજ સ્ટોર થતું હતું. મોટાભાગના સીસીટીવીમાં ૩૦થી ૯૦ દિવસના સ્ટોરેજની સિસ્ટમ સેટ હોવાથી નવો ડેટા જનરેટ થાય એમ જૂનો ડેટા નાશ પામે છે.