Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ભવન કચ્છી : The burden of dreams on the shoulders and hope in the mother's eyes

ખભા પર સપનાનો ભાર અને માની આંખોમાં આશા: એક દીકરાની સંઘર્ષની કહાની

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ખભા પર સપનાનો ભાર અને માની આંખોમાં આશા: એક દીકરાની સંઘર્ષની કહાની
સોર્સ : gstv

- વિવિધા-ભવેન કચ્છી

App Store

ભા રતમાં ફૂટબોલના ચાહકોની સંખ્યા અન્ય કોઈપણ રાજ્યો કરતા પશ્ચિમ બંગાળ, કેરળ, ગોવા અને નોર્થ ઇસ્ટ રાજ્યોમાં સૌથી વિશેષ છે. આઈ. પી. એલ. કરતા વધુ ક્રેઝ ફૂટબોલમાં જોવા મળે છે.  વર્લ્ડ કપ ફૂટબોલમાં ૯૬ દેશોની ટીમનો સમાવેશ કરાય તો પણ ભારત ક્વોલિફાય પણ  ન  થાય તેવું ફૂટબોલમાં આપણું  સ્તર છે. વિશ્વમાં ભારતનો ૧૩૯મોં ક્રમાંક છે.

આમ છતાં ઉપરોક્ત રાજ્યોમાં બ્રાઝીલ, આર્જેન્ટિના, ફ્રાન્સ, પોર્ટુગલ અને સ્પેનની ટીમના એવા ચાહકો છે જેઓના હૃદયના ધબકારાનો લય આ ટીમોના દેખાવ સાથે જોડાયેલા છે.

કેરળનું તે ઘર 

આ વખતના  વર્લ્ડ કપમાં બ્રાઝીલની ટીમ રમતી હોય છે ત્યારે કેરળના એક ઘરમાં મોટા સ્ક્રીન પર મેચ જોવા મઘરાતે એક યુવાનના પરિવારજનો અને તેના   દસ બાર મિત્રો બ્રાઝીલના ફૂટબોલ ખેલાડીઓ જેવી જર્સી પહેરીને યુવાનની ફરતે  બેસી જાય છે.યુવાન વ્હીલ ચેર પર બેઠો છે. તે હલન ચલન નથી કરી શકતો. નથી બોલી કે સાંભળી શકતો. પણ તેની આંખો ખુલી હોય છે તેની કિકી આજુબાજુ ફરે છે. તે જોઈને કંઈ ઝીલે છે કે નહીં તે ખબર નથી પડતી.

આ વખતે વર્લ્ડ કપમાં  આ રીતે બધા મેચ જોતા હતા અને બ્રાઝીલનો ગોલ થયો ત્યાં  તો આખુ ઘર ગો.. લ બુમ પાડીને  ઉજવણી કરે છે. ઘર સ્ટેડિયમમાં ફેરવાઈ ગયું હોય તેમ ખુશીથી બધા કિકયારીઓ પાડે છે. આ દરમ્યાન પરિવારજનો અને વિશેષ કરીને માતા પેલો યુવક કે જે તેનો પુત્ર  છે તેની આંખો તરફ આશા ભરી નજરે જોઈને તેનો હાથ પકડીને કહે છે કે ' બેટા, બ્રાઝીલનો ગોલ થયો અભિનંદન' પણ વ્હીલ ચેર પર બેસેલ પુત્ર કોઈને ઓળખતો ન હોય તેમ આંખો સિવાય કોઈ ચેતના ન હોય તેમ જોયે રાખે છે. 

યુવાનનું હાર્ટ બ્રેક 

ઘેર બ્રાઝીલની રેકોર્ડેડ મેચ પણ મિત્રો અને તેના માતા પિતા ટીવી સ્ક્રીન પર વર્ષ દરમ્યાન આ યુવકની આંખો સામે મૂકી દે છે. આ યુવક જોડે પરિવારજનો અને મિત્રો કેમ આવું કરે છે તે જાણીએ.

વર્ષ ૨૦૨૨નો ફિફા વર્લ્ડ કપ  આખી દુનિયા માટે રોમાંચની ચરમસીમા હતો, પરંતુ કેરળના કોચી નજીક રહેતા એક યુવા  ફૂટબોલ ચાહક માટે આ ટુર્નામેન્ટ જિંદગી અને મોતના દ્વંદ્વમાં ફેરવાઈ ગઈ. બ્રાઝિલની પીળી જર્સી અને નેમારની જાદુઈ ડ્રિબલિંગ પાછળ પાગલ આ ચાહક ટીવી સ્ક્રીન સામે શ્વાસ રોકીને બેઠો હતો. ક્રોએશિયા સામેની ક્વાર્ટર ફાઇનલમાં જ્યારે બ્રાઝિલ પેનલ્ટી શૂટઆઉટમાં હારી ગયું, ત્યારે કરોડો ચાહકોના દિલ તૂટયા, પણ આ માણસનું તો આખું બ્રહ્માંડ જ ભાંગી પડયું. તે જ ક્ષણે તેને તીવ્ર આઘાત લાગ્યો અને તે જમીન પર ઢળી પડયો. હોસ્પિટલ લઈ જતાં ખબર પડી કે તેને ગંભીર બ્રેન સ્ટ્રોક આવ્યો છે. આજે, આ ઘટનાને ચાર વર્ષ વીતી ગયા હોવા છતાં, તે વ્યક્તિ માત્ર પોતાની આંખો ખોલી શકે છે - એક જીવતી લાશ બનીને, સંપૂર્ણ લકવાગ્રસ્ત હાલતમાં (તબીબી ભાષામાં જેને 'લોક્ડ-ઇન સિન્ડ્રોમ' જેવી સ્થિતિ કહી શકાય) તે માત્ર શ્વાસ લઈ રહ્યો છે. તેની આખી જિંદગી અને તેના પરિવારની ખુશીઓ એ એક જ મેચની હાર સાથે ખતમ થઈ ગઈ.

પરિવારજનો અને મિત્રોને ૨૦૨૬નો આ વર્લ્ડકપ રમાય છે ત્યારે એક જ આશા છે કે તે ૨૦૨૨ અને તે પહેલા બ્રાઝીલની મેચ જે ઉત્સાહ અને રોમાંચ સાથે જોતો હતો તે વાતાવરણ તેની સામે ખડું કરીએ. કદાચ તેનું દિમાગ અને સમગ્ર ચેતના તંત્ર ૨૦૨૨ના તે  આઘાત સાથે જોડાઇ જાય અને  બ્રાઝીલની જીતની  ઉજવણીથી  તે આઘાતનો અસરમાંથી મુક્ત કે  હળવો થાય. યુવકની માતા તો બ્રાઝીલની જર્સી પહેરીને જ  ફરે છે.

હૃદય રોગના હુમલાના કેસ

આ કોઈ એકલદોકલ કિસ્સો નથી. વિશ્વભરમાં રમતગમત, ખાસ કરીને ફૂટબોલ અને એશિયામાં  ક્રિકેટનો ક્રેઝ જ્યારે સામાન્ય મર્યાદાઓ વટાવીને પાગલપન બની જાય છે, ત્યારે તે સીધો માનવ શરીરના સૌથી સંવેદનશીલ અંગો - હૃદય અને મગજ પર હુમલો કરે છે. 

એવો અભ્યાસ કરાયો છે જેનું તારણ આવ્યું છે કે બ્રાઝીલ સહિતના સાઉથ અમેરીકન દેશો અને બ્રિટન સહિતના યુરોપના દેશોમાં વર્લ્ડ કપ ફૂટબોલ દરમ્યાન અને પછી હૃદય રોગના હુમલાના, હૃદયના ધબકારા ભયજનક રીતે વધી જવાના, ડિપ્રેશનમાં સરકી જવાના કે હિંસા કરવાના કેસમાં ૨૫ ટકા સુધીનો ઉછાળો જોઈ શકાય છે.

જે રીતે સિગારેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે તેના પેકેટ પર લખવું ફરજીયાત છે તેમ ફૂટબોલ માટે પણ ચેતવણી જારી કરવી જોઈએ કે 'ફૂટબોલમાં કોઈ દેશ કે ખેલાડી પ્રત્યે ઝનૂનના સ્તરનો ક્રેઝ ધરાવતા હોવ તો તમારે ફૂટબોલ મેચ જોવી હિતાવહ નથી.' કેટલાક ઉદાહરણો જોઈએ.

બ્રાઝિલ ૨૦૧૪માં હાર્યું...

વર્ષ ૨૦૧૪ના ફૂટબોલ વર્લ્ડ કપમાં યજમાન  દેશ બ્રાઝિલ સેમીફાઇનલમાં જર્મની સામે ૧-૭થી શરમજનક રીતે હારી ગયું. બ્રાઝિલમાં ફૂટબોલ એ ધર્મ છે. આ હાર એટલી આઘાતજનક હતી કે આખી રાત બ્રાઝિલની હાસ્પિટલોમાં ઈમરજન્સી કેસ વધી ગયા. રીઓ ડી જાનેરો અને સાઓ પાઉલોમાં હૃદયરોગના હુમલાને કારણે ઓછામાં ઓછા ૮ થી ૧૦ લોકોના સત્તાવાર મોતના સમાચાર આવ્યા હતા. એક ૬૨ વર્ષીય પ્રખર ચાહક, જે સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ રહ્યો હતો, ચોથો ગોલ થતાં જ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો હતો.

કોલકાતામાં ગળા ફાંસો

ભારતમાં ભલે ક્રિકેટ સૌથી લોકપ્રિય હોય, પણ કેરળ અને પશ્ચિમ બંગાળ (કોલકાતા)માં ફૂટબોલનો ક્રેઝ યુરોપિયન દેશો જેવો જ છે. ૨૦૨૨ના વર્લ્ડ કપ દરમિયાન જ,  આર્જેન્ટિનાની સાઉદી અરેબિયા સામેની શરૂઆતી હાર બાદ કોલકાતાના  એક યુવકે ગળે ફાંસો ખાઈ લીધો હતો, કારણ કે તે ટ્રોલિંગ સહન નહોતો કરી શક્યો. કેરળમાં પણ બ્રાઝિલ અને આર્જેન્ટિનાના ફેન્સ વચ્ચે સશસ્ત્ર લડાઈઓ થઈ હતી, જેમાં કેટલાય યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને કેટલાકને આઘાતના કારણે આજીવન માનસિક બિમારીઓનો સામનો કરવો પડયો છે.

ઈંગ્લેન્ડના ચાહકોને  હૃદયરોગ

યુકે માં યુરો કપ કે વર્લ્ડ કપ દરમિયાન બ્રિટિશ ચાહકોનો ગુસ્સો અને આઘાત જગજાહેર છે. વર્ષ ૧૯૯૮ના વર્લ્ડ કપમાં જ્યારે ઈંગ્લેન્ડ આર્જેન્ટિના સામે પેનલ્ટી શૂટઆઉટમાં  હારી ગયું, ત્યારે બ્રિટિશ મેડિકલ જર્નલના રિપોર્ટ અનુસાર, મેચના દિવસે અને તેના પછીના બે દિવસમાં ઈંગ્લેન્ડમાં હાર્ટ એટેકના કેસોમાં ૨૫% નો વધારો નોંધાયો હતો.

વિશ્વભરમાં ફૂટબોલને કારણે હાર્ટ એટેક અને સ્ટેડિયમમાં હિંસાને લીધે મૃત્યુ પામનારનો આંક હજારથી વધુ છે. કેરળના યુવાન જેવા બ્રેઈન સ્ટ્રોક અને જીવતી લાશ જેમ જીવતા ૧૦૦થી વધુ ચાહકો છે જેમાંના કેટલાક પછીથી મૃત્યુ પામ્યા છે. બ્લડ પ્રેશર અને એન્કઝાયટીની દવા કોઈ ફૂટબોલ મેચ પછી નિયમિત લેવી પડે તેવા ચાહકો હજારોમાં હશે. ગમતી ટીમ હારે તેના લીધે ડિપ્રેશન કે મારામારીના કેસ પણ ચિંતજનક રીતે વધતા જાય છે. 

શા માટે હાર મોતનું કારણ?

ગમતી ટીમ હારી જાય ત્યારે ચાહકને બ્રેેન સ્ટ્રોક કેમ આવે છે? તે અંગે તબીબી વિજ્ઞાન શું કહે છે જાણીએ.જ્યારે કોઈ ચાહક પોતાની મનપસંદ ટીમને હારની અણી પર જુએ છે, ત્યારે તેનો મગજ તેને 'કટોકટી'ની સ્થિતિ માની લે છે. આ સમયે શરીરમાં એડ્રેનાલિન અને કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોન્સનું જાણે  પૂર આવે છે. આ હોર્મોન્સ હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને  સેકન્ડોમાં ખૂબ ઊંચા સ્તરે લઈ જાય છે.

મગજની નસોનું ફાટવું

જો કોઈ વ્યક્તિને પહેલાંથી જ હાઈ બ્લડ ર્કેશરની તકલીફ હોય (અથવા ન પણ હોય તો પણ), અચાનક વધેલું બીપી મગજની ઝીણી નસો સહન કરી શકતું નથી. આનાથી મગજની નસ ફાટી જાય છે (Brain Hemorrhage)  અથવા તો લોહીનો ગંઠાઈ ગયેલો ટુકડો (Clot) મગજની નસમાં ફસાઈ જાય છે, જેને ઇસ્કેમિક સ્ટ્રોક (Ischemic Stroke)કહે છે. કેરળના ચાહક સાથે બરાબર આ જ થયું, જેના કારણે તેનું મગજ શરીરના બાકીના અંગો સાથેનો સંપર્ક ગુમાવી બેઠું.

બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ

તબીબી વિજ્ઞાનમાં એક સ્થિતિ છે જેને 'બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ' કહેવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિને અતિશય મોટો ભાવનાત્મક આઘાત લાગે છે (જેમ કે કોઈ પ્રિયજનનું મૃત્યુ અથવા મનપસંદ ટીમની કારમી હાર), ત્યારે હૃદયના સ્નાયુઓ અચાનક નબળા પડી જાય છે, જે હાર્ટ એટેક જેવા જ લક્ષણો પેદા કરે છે અને ઘણીવાર જીવલેણ સાબિત થાય છે.

મનોવિજ્ઞાનની નજરે 

એક વ્યક્તિ જે દેશમાં ક્યારેય ગયો નથી, જે ખેલાડીઓને તે ક્યારેય વ્યક્તિગત રીતે મળ્યો નથી, તેમની હાર પર તે પોતાનો જીવ કેમ ગુમાવી બેસે છે? આની પાછળ ઊંડા મનોવૈજ્ઞાનિક કારણો છે :

સામાજિક ઓળખ : ચાહકો પોતાની જાતને ટીમના વિજય સાથે જોડી દે છે. 'બ્રાઝિલ જીત્યું એટલે હું જીત્યો, બ્રાઝિલ હાર્યું એટલે મારો અસ્તિત્વનો પરાજય થયો.' આ માનસિકતા વ્યક્તિના આત્મ સન્માનને રમત સાથે સાંકળી લે છે.

ડોપામાઈનનો નશો :  મેચ જોતી વખતે રોમાંચના કારણે મગજમાં ડોપામાઈન (ખુશીનો હોર્મોન) મુક્ત થાય છે. જીતની આશા આ નશાને ટોચ પર લઈ જાય છે, અને અચાનક હાર થતાં જ મગજ એક મોટા શૂન્યાવકાશ અથવા ડિપ્રેશનમાં ધકેલાઈ જાય છે.

એસ્કેપિઝમ: (વાસ્તવિકતાથી પલાયન) : ઘણા લોકો પોતાની રોજિંદી જિંદગીના તનાવ, ગરીબી કે એકલતાને ભૂલવા માટે રમતનો કે  કોઈ એક ટીમ કે ખેલાડીનો સહારો લે છે. જ્યારે એ એકમાત્ર સહારો પણ તૂટી જાય છે, ત્યારે આઘાત અસહ્ય બની જાય છે.

જ્ઞાન પોસ્ટ

ફૂટબોલ મેચ ૯૦ કે જરૂર પડયે ૧૨૦ મિનિટ ચાલતી રમત છે જેમાં ખેલાડીઓ અવિરત દોડે છે ત્યારે આપણા ધબકારા પણ દોડવા માંડે છે. ગોલ થાય કે મિસ થાય આ અપ ડાઉન ધબકારા અને હોર્મોન્સની રીતે અપ ડાઉન થાય છે. તેમાં પણ પેનલ્ટી શૂટ આઉટ પરિણામમાં તો આ તનાવ કે હાર્ટ બ્રેેક તેની ચરમ સીમાએ હોય છે. આથી જ  ચાહકોએ સાક્ષી ભાવ કેળવવો રહ્યો. રમત તે જીવન નથી.હાર કે જીત તો થતી રહે છે.