Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ભવન કચ્છી : Let's welcome the countdown to 2026 with energy

GSTV શતરંગ: વર્ષ 2026ના કાઉન્ટડાઉનને ઉર્જાસભર આવકાર આપીએ

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: વર્ષ 2026ના કાઉન્ટડાઉનને ઉર્જાસભર આવકાર આપીએ
સોર્સ : GSTV

- હોરાઈઝન

App Store

- ભવેન કચ્છી

'ખીલી લોખંડની છતાં એ પાણીમાં તરી ગઈ. કારણ? એ લાકડા સાથે જોડાઈ ગઈ. દોરો છતાં દેવતાના મસ્તક પર ગોઠવાઈ ગયો. કારણ? એ સુગંધી પુષ્પોમાં ગોઠવાઈ ગયો... તમે કોની સાથે જોડાવ છો તે તમારું સ્થાન અને સામર્થ્ય નક્કી કરે છે.'

આચાર્ય વિજય રત્નસુંદરસૂરીનું પુસ્તક 'આજ આનંદ ભયો' વાંચ્યું અને તેમના ઉપરોક્ત વિચારો વાંચી  દિલ બાગ બાગ થઈ ગયું અને જીવન જીવવા માટેની જડીબુટ્ટી અને દ્રષ્ટિ સાંપડી. આપણે સારી રીતે જીવન વિતાવવાના પાયાના સુવાક્યો જાણતા હોઈએ છીએ પણ સાંપ્રત જનમાનસને પારખી તેને સંસ્કારમાં વણાઈ જાય તેવા તર્ક અને ઉદાહરણો સાથે મૌલિક શૈલીમાં પુસ્તકોનું આચાર્ય વિજય રત્નસુંદર સૂરીનું સર્જન બેમિસાલ હોય છે. છેલ્લા ૫૦ વર્ષમાં  તેમણે લાખો યુવાનો અને પરિવારોની હાજરીમાં અસંખ્ય  શિબિરો યોજી છે.  અલૌકિક ઊર્જા સાથેના તેમના વાણીપ્રભાવથી ક્રાંતિ સર્જતું પ્રવચન સમાજ અને રાષ્ટ્ર ઘડતર અને નિર્માણ માટે એક  વિરાટ પ્રદાન કહી શકાય.

આવા યુગ પ્રવર્તકના યોગદાનને બિરદાવતા તેમનું  વર્ષ ૨૦૧૭માં પદ્મ ભૂષણથી સન્માન પણ કરવામાં આવ્યું હતું. કોઈ સાહિત્યકારે પણ ૪૮૦થી  વધુ પુસ્તકો લખ્યાં હોય અને તેની હિન્દી, અંગ્રેજી, ફ્રેન્ચ, મરાઠી, સિંધી, ઉર્દૂ અને તમિલ ભાષામાં આવૃત્તિ પ્રકાશિત થઈ હોય તેવી ઘટના નથી બની. આ જ કારણે તેઓને ગીનીસ બુક ઓફ વર્લ્ડ  રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે. યાદ રહે તેઓ સાહિત્યકાર નથી પણ જીનસાશનના એક આચાર્ય છે અને તેઓની નિત્ય સાધના, વિહાર, ભક્તિ, સત્સંગ અને  સમાજ સુધારણા માટેના જીવંત સંપર્ક પણ અથાગ  ચાલુ જ હોય છે. આમ છતાં સમાજની ચિંતા અને પીડા જોઈને તેઓ દ્રવી ઉઠે છે અને  એક પછી એક પુસ્તકનું સર્જન કરે છે.  શ્રોતાઓની જડ બની ગયેલી  ચેતનાને હલબલાવી નાંખતા પ્રવચનો પણ આપે છે. તેમના દ્વારા લખાયેલ પુસ્તક  'લખી રાખો આરસની તકતી પર'ની બાવનથી વધુ આવૃત્તિ અને ૩,૧૦,૦૦૦ નકલ બહાર પડી ચૂકી છે. 'ઝેર જ્યારે નીતરી જાય છે'ની ૧,૮૦,૦૦૦થી વધુ નકલો પ્રકાશિત થઈ છે.

તેમના પુસ્તક 'આજ આનંદ ભયો'ની ઝલક લેતા વર્ષ ૨૦૨૬ના કાઉન્ટ ડાઉનને આવકારીએ.

તેઓશ્રી પુસ્તકમાં જીવનમાં કેવા નિર્ણય લેવા તેની સમજ આપતા ગળામાં સ્નિગ્ધ શિરો ઉતરી જાય તેવું ઉદાહરણ આપતા લખે છે કે

'મારી પાસે એક સાથે પાંચ માણસો ઉભા છે. એકના હાથમાં એસિડ છે, બીજાના હાથમાં લીંબુ છે, ત્રીજાના હાથમાં પાણી છે, ચોથાના હાથમાં સાકર છે અને પાંચમાના હાથમાં મેળવણ છે.

આ પાંચમાંના એકની સામે મારા હાથમાં રહેલ દૂધ મારે ધરવાનું છે. હું કોની સામે મારું દૂધ ધરું?

નંબર એક: જેના હાથમાં મેળવણ છે તેની સામે કારણ? મેળવણના દૂધ પ્રવેશથી દૂધનું દહીંમાં રૂપાંતર થઈ જવાનું છે.

નંબર બે: જેના હાથમાં સાકર છે એની સામે. કારણ? સાકરના દૂધ પ્રવેશથી દૂધ ગળ્યું થઈ જવાનું.

નંબર ત્રણ: જેના હાથમાં પાણી છે એની સામે. કારણ? પાણીના દૂધ પ્રવેશથી દૂધ પાતળું થશે. (બીજી એક વ્યક્તિને આપી  પણ શકાશે. નુકસાન તો નહીં જ થાય.)

પણ ચોથા કે પાંચમા નંબરના - લીંબુ કે એસિડના વિકલ્પને મારે નથી સ્વીકારવાનો. કારણ? એમાંનો  એક પણ પ્રવેશ દૂધને ખતમ, બરબાદ કે ઝેરી કરી નાંખવાનો છે.

મેસેજ સ્પષ્ટ છે. મારે જીવનમાં એવું કશું નથી કરવાનું જે મારા જીવનને બરબાદ કરી નાંખવાની પાશવી ક્ષમતા ધરાવતું હોય.

મારા જીવનમાં એવી કોઈપણ વ્યક્તિને (તે ભલે ને સંબંધથી સાવ નજીક હોય.), કે એવા કોઈ સાહિત્યને કે કર્મને  સ્થાન નથી આપવાનુ જે મારા જીવનના મૂલ્યોને સફાચટ કરી નાંખવાની રાક્ષસી તાકાત ધરાવતું હોય.

અરે, આગળ વધતા મારી જીભ પર એવા કોઈ શબ્દોને કે  મારા મનમાં એવા કોઈ વિચારોને પણ સ્થાન નથી આપવું કે જે મારી મસ્તીને - મૈત્રીને કે પવિત્રતાને રફેદફે કરી નાંખવાની અધમ તાકાત ધરાવતું હોય.

ભોજનમાં ઝેરને સ્થાન ન આપવાની બાબતમાં આપણે સભાન છીએ. પીવાની બાબતમાં ગટરના પાણીને સ્થાન ન અપાઇ જાય એ અંગે પણ આપણે જાગ્રત છીએ, દવાની બાબતમાં ગલત દવા ન લેવાઇ જાય તે બાબતમાં પણ હોંશિયાર છીએ. પણ જીવનમાં ખોટી વસ્તુ - ખોટી - વ્યક્તિ - વર્તન - શબ્દ કે વિચારને સ્થાન ન આપવાની બાબતમાં આપણે કેટલા સાવધ - જાગ્રત - હોંશિયાર છીએ એ પ્રશ્ન છે.

દસ વાર કરેલું એક ખોટુ કૃત્ય કે એક ખોટી પસંદગી અગિયારમી વાર કરવા માટે શરીર - મન એવા ટેવાઈ જાય છે કે પછી એ માટે જાતને ધક્કો મારવાનો પ્રશ્ન રહેતો નથી. વ્યસન કે કુટેવ અને અસંસ્કારનું પણ આવું જ છે. 

આનો અર્થ? જીવનમાં ગલતના પ્રવેશ વખતે જ સાવધ થઈ જાઓ. જીવન બચી જશે.

સલાહ કોની લેવી? તો આચાર્યશ્રી જણાવે છે કે 'સલાહ માટે હંસ સૌથી ઉત્તમ. કારણ? એ અંદરથી ઉજળો અને બહારથી પણ ઉજળો છે.

કાગડો મધ્યમ. કારણ? એ અંદરથી કાળો અને બહારથી પણ કાળો પણ એને સમજવો સહેલો. તેની કાળાશમાં પણ તે પારદર્શક છે.

પણ બગલો અધમ છે. કેમ કે બહારથી ઉજળો પણ અંદરથી મેલો છે. એની સલાહ જે પણ લે એને એ રવાડે ચડાવી દીધા વિના ન રહે!

આ સંસારમાં જેની પણ પાસે અધિકારના સ્થાનો છે ચાહે એ સ્થાન માતા, પિતા, પતિ, પત્ની, સાસુ, શિક્ષક, પ્રમુખ કે નેતાનું હોય પણ જો એ સ્થાને બગલો મળી જાય તો અને તેની સલાહ મુજબ જો આશ્રિતો વ્યવહાર કરે તો આશ્રિતોનું તો અહિત થાય જ છે પણ ખુદનું તો એવું જાલિમ અહિત થાય છે કે આ નુકશાનીને ક્યારેય ભરપાઈ ન કરી શકાય. (આજે દામ્પત્ય જીવન, નોકરી,ધંધામાં ઘણા પાયમાલ થઈ ગયા છે તેનું મહત્વનું કારણ સલાહ અને સંવાદ માટે બગલાને પસંદ કરવાની ભૂલ હોય છે.)

ગાડીને તપાસીને લેવાની, મોબાઈલ પણ લેટેસ્ટ જોઈએ, ફર્નિચર પણ ફક્કડ જોઈએ, ભોજન પણ સ્વાદિષ્ટ છે તેમ તપાસીને પેટમાં પધરાવીએ છીએ પણ આપણું જીવન જે બનાવે છે તે મિત્ર, ગુરુ, સ્નેહી અને સલાહકારની પસંદગીમાં જરા પણ ધ્યાન નથી આપતા હોતા. આપણા છે તેમ માનીને તેનું આંધળું અનુકરણ નથી કરવાનું. પાણી અને દૂધ જુદા પાડવાની દ્રષ્ટિ હોવી જોઈએ. અગાઉથી ચાલ્યું આવે છે તેને જ આગળ ધપાવીએ તેવું પુનરાવર્તન નહીં આપણું આત્મવિશ્વાસ સભર સ્વહિત શેમાં છે તેની પણ પરખ હોવી જોઈએ.'

સાચી સલાહ કડવી લાગે તો પણ તેનો સ્વીકાર કરો તે સંસ્કાર પણ અનોખી રીતે પુસ્તકમાં અપાયા છે. જેમ કે 'બગડેલા પેટ છતાં દૂધ માટે રડી રહેલ બાળકને રડવા દઈને દુઃખી થવા દેવાય પરંતુ એને દૂધ આપીને એનું અહિત તો ન જ કરાય. બસ, એ જ ન્યાયે સાચી સલાહથી સામાને દુઃખ થતું હોય તો દુઃખી થવા દેવાય પણ ગલત સલાહ આપીને એનું અહિત તો ન જ કરાય.'

.. અને આપણે કોની જોડે જોડાઈએ છીએ તે પણ એટલું જ મહત્વનું છે. ઉદાહરણ તરીકે 'ટ્રેનનો ડબ્બો ભલે ને જૂનો થઈ ગયો છે, પતરા એના સડી ગયા છે. અંદર રહેલી સીટો તૂટી ગઈ છે, કચરો અંદર પારાવાર પડેલો છે પણ જો તે ટ્રેનનો ડબ્બો એન્જિન સાથે જોડાયેલ છે તો મંઝિલે પહોંચી જવામાં એને સફળતા મળી ને જ રહે છે.

પણ સબૂર !

ડબ્બો ભલે ને એ.સી. હોય, આકર્ષક અને સાફસુથરો હોય અને પાટા પર ઠાઠથી ઊભો હોય પણ જો તે એન્જિન સાથે જોડાયેલ નથી તો તે ક્યાંય ન પહોંચતા. ત્યાંનો ત્યાં જ રહી જાય છે.'

આનો અર્થ? 

એ જ કે 'તમારી પ્રગતિનો આધાર તમારી તાકાત માત્ર નથી પણ તમે કોની સાથે જોડાયા છો એ છે. તમે  સજ્જન અને ઊર્જાસભર, વિશાળ દ્રષ્ટિ ધરાવતી, સતત નવું ગ્રહણ કરતી  વ્યક્તિ સાથે જોડાયેલ છો તો તમારી પ્રગતિ અને જીવનને રોમાંચિત ઉત્સાહથી ભરી દેતી સફર નિશ્ચિત છે. તમારું એન્જિન તો હોવું જ જોઈએ પણ તેની સાથે કેવી રીતે જોડાયેલ છો તે પણ એટલું  મહત્વનું છે. એન્જિન વગરના કે ખોટા ધ્યેય વગરના મુકામ પર પહોંચાડતા એન્જિન બહુમતીમાં જોવા મળે છે. જીવનની સફર કેવી બનાવવી છે તેનો આધાર એન્જિન સાથે જોડાવું તો છે જ પણ એન્જિને પણ ગુણવત્તાસભર બનવાની જવાબદારી સાથે વર્તન કરવાનું છે.

મહાભારતના યુધ્ધમાં અર્જુન કૃષ્ણ સાથે જોડાયો અને દુર્યોધને અનીતિ અને અસંસ્કારના રવાડે ચડાવી દેનારા પર પસંદગી ઢોળી. 

સંદેશો સ્પષ્ટ છે. તમે મૂલ્યહીન હોવા છતાં. કોની સાથે જોડાવ છો તેનું મહત્વ છે. મૂલ્યહીનને મૂલ્યવાન જોડે જોડી દેવાથી મૂલ્યહીન પણ મૂલ્યવાન બની જાય છે.

જીવન પ્રત્યેની દ્રષ્ટિ બદલી નાંખતા આચાર્યના  આવા વિડીયો પણ દેશ વિદેશમાં પથદર્શકની ભૂમિકા ભજવે છે.

જ્ઞાન પોસ્ટ 

૨૧મી સદીના ૨૫ વર્ષ પણ વીતી જવા આવ્યા. ડિજિટલની જગ્યાએ એ.આઈ. યુગમાં  પ્રવેશ્યા. આગામી વર્ષોમાં બુદ્ધિ સાથે સંવેદનાની મહત્તા પણ વધારવી રહી.