Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ભવન કચ્છી : India's humiliation on the global stage and our silence

GSTV શતરંગ: વૈશ્વિક મંચ પર ભારતનું અપમાન અને આપણું મૌન

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: વૈશ્વિક મંચ પર ભારતનું અપમાન અને આપણું મૌન
સોર્સ : GSTV

'ધુરંધર' ફિલ્મ વિશે સોશિયલ મીડિયા પર જે પ્રકારે યુદ્ધ જામ્યું હતું, તે જોતા એમ લાગે કે ભારતીયો પોતાના અસ્તિત્વ અને ગૌરવ માટે અત્યંત સંવેદનશીલ છે. આ ફિલ્મ પ્રોપેગેન્ડા છે કે વાસ્તવિકતા? તેના પર સેલિબ્રિટીઓ અને પ્રભાવશાળી લોકો અભિપ્રાય આપતા ડરતા હતા. તો બીજી તરફ બહુમતિ ફિલ્મ જગતના ચાહકો એક કાલ્પનિક ફિલ્મના કથાનક પર અઠવાડિયાઓ સુધી ચર્ચા કરી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા હતાં. પણ આશ્ચર્યની પરાકાષ્ઠા ત્યારે સર્જાય છે જ્યારે વાસ્તવિક દુનિયામાં અમેરિકાના જાણીતા રેડિયો હોસ્ટ માઇકલ સેવેજ ભારતને 'નર્ક' તરીકે ઓળખાવે છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેને રિપોસ્ટ કરીને સમર્થન આપે છે તે સમયે ભારતના ડિજિટલ રણમેદાનમાં સન્નાટો હતો.

App Store

ટ્રમ્પ અને સેવેજનું નિવેદન માત્ર શબ્દો નથી, પણ ભારતની વધતી શક્તિને રોકવાનો એક પ્રયાસ છે.

જે પોડકાસ્ટરો નાની-નાની વાતો પર કલાકો સુધી ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મને વિરલ કહી જ્ઞાન પીરસે છે, જે નેતાઓ વિરોધ પક્ષને ઘેરવાની એક પણ તક નથી છોડતા અને જે નાગરિકો 'ધુરંધર' જેવી ફિલ્મો પર સામસામે આવી ગયા હતા, તેમાંથી કોઈના પેટનું પાણી ન હાલ્યું. ખાસ કોઈએ અમેરિકાને વળતો જવાબ આપતી કસદાર પોસ્ટ ન મૂકી. ત્યારે સવાલ થાય કે શું આપણું ગૌરવ માત્ર ફિલ્મી ચર્ચાઓ પૂરતું મર્યાદિત છે?

ઈરાને આશ્ચર્ય સર્જ્યું 

જ્યારે પશ્ચિમી જગત ભારતને બદનામ કરી રહ્યું હતું, ત્યારે આશ્ચર્યજનક રીતે ઈરાને ભારતનો પક્ષ લેતા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને જવાબ આપ્યો કે 'એકવાર ભારત જઈને જુઓ.' આ એક વાક્ય ભારતના સોફ્ટ પાવરનું પ્રતિક છે, પરંતુ તેની સાથે એક કડવો પ્રશ્ન પણ જોડાયેલો છે : આપણો બચાવ કરવા માટે આપણે બીજા દેશના નિવેદન પર નિર્ભર કેમ રહેવું પડયું? ઈરાન જેવા દેશને જે ભારતની ભવ્યતા દેખાય છે, તે આપણા જ દેશના કહેવાતા 'બૌદ્ધિકો'ને કેમ ન દેખાઈ?

ઈરાનનું નિવેદન બતાવે છે કે દુનિયા ભારતને બદલાતુ જોવા માંગે છે, પણ ભારત પોતે હજુ પણ પશ્ચિમના 'જૂના ડર'માંથી બહાર નથી આવ્યું. આપણને એ સમજાવું જોઈએ કે અમેરિકા દ્વારા ભારત નર્ક છે તેમ કહેવું તે માત્ર એક કોમેન્ટ નથી, પણ એક 'ગ્લોબલ નેરેટિવ' છે. જ્યારે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ ભારતને 'નર્ક' કહે છે, ત્યારે તે વૈશ્વિક રોકાણ, પર્યટન અને ભારતની પ્રતિષ્ઠા પર સીધો પ્રહાર કરે છે. આ પ્રહારનો જવાબ માત્ર વિદેશ મંત્રાલયના નિવેદનથી ન આપી શકાય; તેનો જવાબ જનતા અને પ્રભાવશાળી લોકોના 'બૌદ્ધિક પ્રતિરોધ'થી આપવો પડે.

ભારતનો સરકારી બચાવ

ભારત સરકારે સત્તાવાર રીતે આ વિષયને ગંભીરતાથી લીધો જ હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અમેરિકાના આ પ્રમુખની  ટિપ્પણીને અત્યંત કડક શબ્દોમાં 'અજ્ઞાનતાથી ભરેલી' અને 'નિમ્ન કક્ષાની' ગણાવી હતી. જો કે આ એક કાગળ પર રેકોર્ડ રહે તે પૂરતો સરકારી બચાવ માત્ર હતો.

લેપ ટોપ ગેંગ 

પોડકાસ્ટર માઈક સેવેજે ભારતીયોને લેપટોપ ગેંગ કહીને મજાક ઉડાવી છે ત્યારે અમેરિકી સંસદના સભ્ય અમી બેરા (જેઓ પોતે ભારતીય મૂળના છે)એ ટ્રમ્પના આ રિપોસ્ટને 'અપમાનજનક અને રાષ્ટ્રપતિ પદની ગરિમાને શોભે નહીં તેવું' ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતીય સમુદાય અમેરિકાના અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન છે, અને તેમને 'ગેંગસ્ટર વિથ લેપટોપ્સ' કહેવા તે માનસિક નાદારી છે.

X અને અન્ય માધ્યમો પર કેટલાક ભારતીય નાગરિકોએ #IndiaIsGreat અને #CulturalDetox જેવા હેશટેગ સાથે ભારતની ભવ્યતા, સ્પેસ મિશન્સ, અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ફોટા શેર કરીને ટ્રમ્પ અને સેવેજને જવાબ આપ્યો હતો. લોકોએ અમેરિકાના શહેરોમાં વધતી ગરીબી અને ડ્રગ્સની સમસ્યાના વીડિયો મૂકીને 'કોણ નર્ક છે?' તેવા પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. પણ ભારતમાંથી કોઈ ખાસ જલદ પ્રતિભાવ ન સાંપડયો.

આને કહેવાય ખુમારી 

ફ્રાન્સ અને 'ફ્રીડમ ફ્રાઈસ' : ૨૦૦૩માં જ્યારે અમેરિકાએ ઇરાક પર હુમલો કર્યો, ત્યારે ફ્રાન્સે તેનો વિરોધ કર્યો હતો. આનાથી નારાજ થઈને અમેરિકાના કેટલાક નેતાઓએ અને જનતાએ ફ્રાન્સનું અપમાન કરવાનું શરૂ કર્યું. અમેરિકામાં 'ફ્રેન્ચ ફ્રાઈસ'નું નામ બદલીને 'ફ્રીડમ ફ્રાઈસ' કરી દેવામાં આવ્યું હતું.

ફ્રેન્ચ વિચારકો, શેફ અને સામાન્ય નાગરિકોએ સોશિયલ મીડિયા (તે સમયના ફોરમ્સ) અને મીડિયા દ્વારા ફ્રેન્ચ સંસ્કૃતિનું ગૌરવ એવું પ્રસ્થાપિત કર્યું કે અમેરિકાને સમજાયું કે ફ્રાન્સ પોતાની વિદેશ નીતિ પર મક્કમ છે. ફ્રાન્સના નેતાઓએ નમવાને બદલે યુરોપિયન ગૌરવને આગળ ધર્યું, જેના કારણે અંતે અમેરિકાએ જ નમતું જોખવું પડયું.

સાઉથ કોરિયાનો જવાબ : જાપાન અને દક્ષિણ કોરિયા વચ્ચે ઐતિહાસિક વિવાદો અવારનવાર ચાલતા હોય છે. જ્યારે પણ જાપાનના કોઈ નેતા કોરિયન સંસ્કૃતિ કે ઇતિહાસનું અપમાન કરે છે, ત્યારે દક્ષિણ કોરિયાનો આખો દેશ (સરકાર, વિપક્ષ અને સામાન્ય જનતા) એક થઈ જાય છે.

કોરિયન નાગરિકો જાપાનીઝ પ્રોડક્ટ્સનો ત્વરિત બહિષ્કાર કરે છે અને તેમના પ્રભાવશાળી 'K-Pop' સ્ટાર્સ તેમજ ફિલ્મ સર્જકો વૈશ્વિક સ્તરે કોરિયાના પક્ષમાં ફિલ્મો અને ગીતો બનાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે જાપાનને સબક શીખવાડતા રજૂઆત  કરે છે. આ એક 'સોફ્ટ પાવર' દ્વારા અપાતો સચોટ જવાબ છે.

તુર્કીનું નામ બદલાયું : તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન અને ત્યાંના બૌદ્ધિકોએ જોયું કે અંગ્રેજીમાં '‘Turkey'' શબ્દનો અર્થ એક મૂર્ખ પક્ષી  તરીકે પણ થાય છે અને પશ્ચિમી મીડિયા ઘણીવાર તેનો ઉપયોગ મજાક ઉડાવવા કરતું હતું. તુર્કીએ સંયુક્ત રાષ્ટ્રમાં સત્તાવાર રીતે પોતાનું નામ બદલાવીને 'Türkiye'(તુર્કીયે) કરાવ્યું. આ માત્ર નામ બદલવાની પ્રક્રિયા નહોતી, પણ પશ્ચિમી દેશોને એક સંદેશ હતો કે 'અમારા દેશની ઓળખ અમે નક્કી કરીશું, તમે નહીં.' ત્યાંના નાગરિકોએ પણ સોશિયલ મીડિયા પર આ નવું નામ હેશટેગ સાથે એવું વાયરલ કર્યું કે આખી દુનિયાએ તે સ્વીકારવું પડયું.

ચીન 'વુલ્ફ વોરિયર' : ચીન વિરુદ્ધ જ્યારે પશ્ચિમી દેશો કે માનવ અધિકાર સંગઠનો કંઈ પણ બોલે છે, ત્યારે ચીનના રાજદ્વારીઓ અને ત્યાંના પ્રભાવશાળી લોકો  અત્યંત આક્રમક રીતે જવાબ આપે છે.

તેઓ માત્ર બચાવ નથી કરતા, પણ સામે જે તે દેશની ખામીઓ ગણાવવાનું શરૂ કરી દે છે. આને કારણે આજે પશ્ચિમી નેતાઓ પણ ચીન વિશે બોલતા પહેલા બે વાર વિચાર કરે છે. ત્યાંના નાગરિકો ગૂગલ, ફેસબુક સહીત  પશ્ચિમી બ્રાન્ડ્સનો જોરદાર બહિષ્કાર કરીને બતાવી દે છે કે રાષ્ટ્રનું અપમાન વ્યાપાર કરતા મોટું છે. ઇઝરાયેલનો  પણ પ્રચંડ અવાજ : ઇઝરાયેલ દુનિયાનો એક એવો દેશ છે જેના પર ચારે બાજુથી આક્ષેપો થતા રહે છે. પરંતુ ઇઝરાયેલનો સામાન્ય નાગરિક પણ ડિજિટલ પ્લેટફોર્મ પર દેશનો સૈનિક છે.

ઇઝરાયેલના પ્રવક્તાઓ અને પોડકાસ્ટર્સ તથ્યો સાથે દુનિયાને બતાવે છે કે શા માટે તેઓ જે કરી રહ્યા છે તે યોગ્ય છે. ત્યાંના વિરોધ પક્ષના નેતાઓ સરકારની ઘરેલું નીતિઓનો કે નેતૃત્વનો વિરોધ કરશે, પણ જો કોઈ વિદેશી શક્તિ ઇઝરાયેલનું અપમાન કરે, તો આખું ઇઝરાયેલ એક જ અવાજે વાત કરે છે.

જો આપણે 'નેરેટિવ'ની લડાઈમાં જીતવું હોય, તો દુનિયાના અન્ય દેશો પાસેથી શીખવાની જરૂર છે.

આપણું મૌન 

આપણું પત્રકારત્વ, આપણા પોડકાસ્ટ્સ અને આપણી સોશિયલ મીડિયા પોસ્ટ્સ માત્ર ઘરેલું વિવાદો માટે કે કોઈ એક નેતા કે પક્ષને બદનામ કરવા માટે જ હોય અને રાષ્ટ્રીય ગૌરવની રક્ષા માટે ઉપયોગમાં ન લેવાતી હોય તો જેઓ આપણી સરહદો પર ટાંપીને બેઠા છે કે પછી આપણી પ્રગતિ નથી જોઈ શકતા તેવા દેશોને માટે દેશને તોડવો આસાન જણાશે. 

જ્ઞાન પોસ્ટ 

આપણે સ્ટેજ પરથી 'ભારત માતાની જય' બોલાવીએ છીએ, પણ જ્યારે ભારતની ગરિમા પર પ્રહાર થાય ત્યારે આપણી કલમ કે કીબોર્ડ થંભી જાય છે.